Home Gujarat Gujarat Rain Forecast Heavy Rainfall Temperature Drop June

50 KMPH ની ઝડપે પવન સાથે ગુજરાતને ધમરોડશે ભારે વરસાદ! : IMD એ આ જિલ્લાઓમાં જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

વરસાદની આગાહી દર્શવાતું દ્રશ્ય
Image Credit: ai
Published by: Chintan Chavda
Last Updated: May 29, 2026, 01:02 PM IST

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા જાહેર કરાયેલા તાજા બુલેટિન મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે. સાથે જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધતા વરસાદી માહોલ જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં ગાજવીજ, વીજળીના કડાકા-ભડાકા અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.7 ડિગ્રી તાપમાન

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો.

અમદાવાદ શહેરમાં પણ ગરમીનો મારો યથાવત રહેવાની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે, જ્યારે મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.

30 મેથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 30 મેથી રાજ્યમાં પ્રી-મોન્સૂન વરસાદની શરૂઆત થશે. 30 અને 31 મે દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

સાથે જ ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સમયગાળા દરમિયાન વીજળી પડવાની અને તેજ પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

1 જૂને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

31 મેથી 1 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનશે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ નોંધાઈ શકે છે.

હવામાન વિભાગે અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી પણ જાહેર કરી છે. આ ઉપરાંત 1 જૂનથી 2 જૂન દરમિયાન મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં પણ જામશે વરસાદી માહોલ

2 જૂનથી 3 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ વધુ મજબૂત બનવાની આગાહી છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે.

આ દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને આણંદ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના યથાવત રહેશે. 3 જૂનથી 5 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહે તેવી શક્યતા છે.

ગાજવીજ અને ઝંઝાવાતી પવનની ચેતવણી

હવામાન વિભાગે વરસાદ સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના હોવાથી ખેડૂતો, પશુપાલકો અને ખુલ્લા વિસ્તારમાં કામ કરતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

વિભાગે લોકોને વીજળી પડતી વખતે ખુલ્લા મેદાનો, વૃક્ષો નીચે અને જળાશયોની નજીક ન જવાની પણ અપીલ કરી છે.

ચોમાસાની પ્રગતિથી બદલાશે ગુજરાતનું વાતાવરણ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ચોમાસું વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

ચોમાસાની આ પ્રગતિના કારણે જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. આગામી સપ્તાહ દરમિયાન ગરમીમાં નોંધપાત્ર ઘટાડો અને વરસાદી માહોલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અનુભવાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now