Home Gujarat Ahmedabad Gujarat Rain Forecast 7 Days Imd Weather Update 9 To 15 July 2026

હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ : ગુજરાતમાં આગામી 7 દિવસ ક્યાં અને ક્યારે પડશે વરસાદ? જાણો જિલ્લા મુજબ આગાહી

Gujarat Rain Forecast
Published by: Nirali Gohil
Last Updated: Jul 09, 2026, 09:52 AM IST

Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સક્રિય બનેલા ચોમાસાએ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસાવ્યો છે. એક દિવસના વિરામ બાદ હવે ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાત, દમણ-દીવ તેમજ દાદરા અને નગર હવેલી માટે આગામી સાત દિવસની વરસાદી આગાહી જાહેર કરી છે. આગાહી મુજબ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ નોંધાઈ શકે છે. ખેડૂતો, મુસાફરો અને સામાન્ય નાગરિકોને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આજે ક્યાં-ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં મોટાભાગના સ્થળોએ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

10 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની શક્યતા

10 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ-દાદરા નગર હવેલીમાં અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ તેમજ કચ્છ, જામનગર, મોરબી અને દ્વારકામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે કામના સમાચાર! : ગોંડલ યાર્ડમાં આજે કપાસ, જીરૂ, અડદ અને મગફળીના નવા બજાર ભાવ જાહેર

11 જુલાઇએ ક્યાં વરસાદ પડશે ?

11 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ સહિતના જિલ્લાઓમાં પણ અલગ-અલગ સ્થળોએ વરસાદ પડી શકે છે.

12 જુલાઇએ ક્યાં વરસાદ પડશે ?

12 જુલાઈએ પણ હવામાનમાં ખાસ ફેરફાર જોવા નહીં મળે. ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ : નાનાપોંઢામાં સૌથી વધુ 38 મિમી વરસાદ નોંધાયો

13 જુલાઇએ ક્યાં વરસાદ પડશે ?

13 જુલાઈથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની શક્યતા છે.

14 જુલાઇએ ક્યાં વરસાદ પડશે ?

14 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

15 જુલાઇએ ક્યાં વરસાદ પડશે ?

15 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલી વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now