મહિલાઓ અને બાળકો માટે માત્ર ભૌતિક નહીં પરંતુ ડિજિટલ દુનિયામાં પણ સુરક્ષિત વાતાવરણ ઉભું કરવાનો હેતુ લઈને ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી 'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ'ની શરૂઆત કરી છે. 1 જુલાઈથી 28 જુલાઈ, 2026 સુધી ચાલનારા આ વિશેષ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકોને સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા, સાયબર જાગૃતિ વધારવા અને ટેક્નોલોજી આધારિત પોલીસિંગને વધુ અસરકારક બનાવવાનો છે.
ડિજિટલ પ્લેટફોર્મના વધતા ઉપયોગ સાથે સાયબરસ્ટોકિંગ, ઓનલાઇન સતામણી, નાણાકીય છેતરપિંડી, આઇડેન્ટિટી થેફ્ટ અને સોશિયલ મીડિયા મારફતે થતા વિવિધ પ્રકારના ગુનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ગુજરાત પોલીસે નિવારક પગલાં, ઝડપી કાર્યવાહી અને જનજાગૃતિને કેન્દ્રમાં રાખીને આ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું છે.
મહિલાઓ અને બાળકોની ઓનલાઇન સુરક્ષાને મળશે પ્રાથમિકતા
સીઆઈડી (ક્રાઈમ અને રેલવે)ના ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલા આ અભિયાન અંગે CID ક્રાઈમ (મહિલા સેલ)ના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અજય ચૌધરીએ જણાવ્યું હતું કે ડિજિટલ ઇકોસિસ્ટમમાં મહિલાઓ અને બાળકો સૌથી વધુ સંવેદનશીલ વર્ગોમાં આવે છે. તેથી સંભવિત પીડિતોની અગાઉથી ઓળખ, નાણાકીય નુકસાન અટકાવવું, સાયબર જાગૃતિ વધારવી અને ફરિયાદો પર તાત્કાલિક પોલીસ કાર્યવાહી સુનિશ્ચિત કરવી આ અભિયાનના મુખ્ય હેતુઓ છે.
આ પહેલ ઇન્ટેલિજન્સ આધારિત કામગીરી, ફિલ્ડ વેરિફિકેશન, પીડિતો સુધી સીધી પહોંચ અને આધુનિક એનાલિટિકલ ટૂલ્સના ઉપયોગ પર આધારિત છે. તેના દ્વારા પોલીસ સાયબર ગુનાઓ બન્યા પછી કાર્યવાહી કરવાની સાથે ગુનાઓ બનતા પહેલાં જ નિવારણ માટે પણ કાર્ય કરશે.
આ પણ વાંચો: Gujarat માં આજે મન મૂકીને વરસશે મેઘરાજા! : 2 જિલ્લામાં રેડ એલર્ટ; 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ટેક્નોલોજી સાથે જનભાગીદારી પર ભાર
આ અભિયાન દરમિયાન પોલીસ કર્મચારીઓને સંભવિત ભોગ બની શકે તેવા લોકોની ઓળખ કરવી, સાયબર એલર્ટની ચકાસણી કરવી, પીડિતોનું કાઉન્સેલિંગ કરવું, નેશનલ સાયબર હેલ્પલાઇન મારફતે તાત્કાલિક ફરિયાદ નોંધાવવાની મદદ કરવી તેમજ સમયસર કેસ નોંધણી અને તપાસ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે બેંકો, ટેલિકોમ કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાંક સંસ્થાઓ (RWA), સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) અને સામાજિક આગેવાનો સાથે સંકલન કરવામાં આવશે. તેનો હેતુ વધુમાં વધુ લોકોને ડિજિટલ સુરક્ષા અંગે જાગૃત કરવાનો અને સાયબર ગુનાઓ સામે સામૂહિક પ્રતિરક્ષા ઉભી કરવાની છે.
'શી ટીમ' અને સાયબર પોલીસ સ્ટેશનો ભજવશે મહત્વની ભૂમિકા
સ્થાનિક શી ટીમો (SHE Teams) અને સમર્પિત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો આ અભિયાનના અમલીકરણમાં કેન્દ્રિય ભૂમિકા ભજવશે. શાળાઓ, કોલેજો અને સમાજના વિવિધ વર્ગોમાં જાગૃતિ કાર્યક્રમો યોજાશે, જેમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ, વાલીઓ અને શિક્ષકોને ઓનલાઇન જોખમો ઓળખવા અને તેનાથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ ઉપરાંત ફિલ્ડ અધિકારીઓ માટે કામગીરીના સ્પષ્ટ માપદંડ, દેખરેખ વ્યવસ્થા અને જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી છે, જેથી ફરિયાદોના ઝડપી નિરાકરણ સાથે અસરકારક અમલીકરણ સુનિશ્ચિત થઈ શકે.
આ પણ વાંચો: 'ડિજિટલ ધરપકડ'ના નામે ₹25.65 લાખની છેતરપિંડી : CBIએ રાજકોટથી આરોપીને દબોચ્યો
રાજ્યવ્યાપી અભિયાનના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ' અંતર્ગત ગુજરાત પોલીસે અનેક મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કર્યા છે. અભિયાન દરમિયાન રાજ્યભરમાં 25 લાખ નાગરિકોને સાયબર સુરક્ષા અને જવાબદાર ડિજિટલ વર્તન અંગે જાગૃત કરવામાં આવશે. ઉપરાંત 20 લાખ વિદ્યાર્થીઓને 'સાયબર સેફ્ટી પ્લેજ' લેવડાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
તે સિવાય રાજ્યની 10 હજાર શાળાઓ અને 1,500 કોલેજોમાં સાયબર જાગૃતિ કાર્યક્રમો યોજાશે. એક લાખ કિશોરીઓને સાયબરસ્ટોકિંગ, ઓનલાઇન સતામણી, ડિજિટલ પ્રાઇવસી અને સુરક્ષિત ઇન્ટરનેટ ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવશે. પરિવારો પોતાના બાળકોને ઓનલાઇન જોખમોથી સુરક્ષિત રાખી શકે તે માટે પાંચ હજાર પેરેન્ટલ અવેરનેસ સેશનનું આયોજન પણ કરવામાં આવશે.
સાથે જ મહિલાઓ અને બાળકો સંબંધિત દરેક સાયબર ફરિયાદ પર 24 કલાકની અંદર પ્રાથમિક પોલીસ કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરવાનો પણ અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ છે.
સુરક્ષિત ડિજિટલ ગુજરાત તરફ મહત્વનું પગલું
ગુજરાત પોલીસનું માનવું છે કે ડિજિટલ યુગમાં સુરક્ષા માત્ર રસ્તાઓ પૂરતી મર્યાદિત રહી શકે નહીં. ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ મહિલાઓ અને બાળકો નિર્ભયતાથી પોતાની પ્રવૃત્તિઓ કરી શકે તે માટે વિશ્વાસપાત્ર ડિજિટલ ઇકોસિસ્ટમ જરૂરી છે.
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ'નું મુખ્ય સૂત્ર છે - "જાગૃતિ દ્વારા સુરક્ષા, ટેક્નોલોજી દ્વારા તપાસ, કાયદા દ્વારા કાર્યવાહી અને જનસહયોગથી સુરક્ષિત ગુજરાત." આ અભિયાન દ્વારા ઇન્ટેલિજન્સ, ટેક્નોલોજી, જનભાગીદારી અને સક્રિય પોલીસિંગના સમન્વયથી રાજ્યમાં સાયબર સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.





