Home Gujarat Gujarat Police Launches Cyber Trails And Ndps Ready Reckoner Books Harsh Sanghvi Inaugurated Project

આધુનિક ગુનાખોરી રોકવા IPS અધિકારીઓએ તૈયાર કર્યા 2 ખાસ પુસ્તકો : નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું અનાવરણ

IPS Officers Cyber Trails Book  Harsh Sanghavi
Published by: Nirali Gohil
Last Updated: Jun 19, 2026, 05:10 AM IST

Cyber Trails Book: આધુનિક યુગમાં ગુનાખોરીનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે. ડિજિટલ ફ્રોડ, સાયબર હુમલા, ડાર્ક વેબ, ક્રિપ્ટોકરન્સી મારફતે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેમજ ડ્રગ્સનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક કાયદા અમલીકરણ એજન્સીઓ માટે નવા પડકારો ઊભા કરી રહ્યું છે. આવા સમયમાં ગુજરાત પોલીસે ટેક્નોલોજી આધારિત અને કાયદાકીય રીતે વધુ સક્ષમ બનવા માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્યના વરિષ્ઠ IPS અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા બે વિશેષ પુસ્તકો ‘Cyber Trails’ અને ‘NDPS Ready Reckoner’નું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ પુસ્તકોનો હેતુ પોલીસ અધિકારીઓ, તપાસ એજન્સીઓ, સાયબર સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાતો અને વિદ્યાર્થીઓને આધુનિક ગુનાઓ સામે વધુ અસરકારક રીતે લડવામાં મદદરૂપ થવાનો છે.

સાયબર ગુનાઓની તપાસ માટે તૈયાર કરાયું ‘Cyber Trails’

ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને ‘Cyber Trails’ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલ, સાયબર ક્રાઇમ DCP ડો. લવિના સિંહા અને ACP હાર્દિક માકડિયાએ આ પુસ્તક તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પુસ્તકમાં ડિજિટલ ફ્રોડ, સોશિયલ મીડિયા ઇન્વેસ્ટિગેશન, ડાર્ક વેબની તપાસ, ક્રિપ્ટોકરન્સી સંબંધિત ગુનાઓ અને ડિજિટલ પુરાવાઓના વિશ્લેષણ જેવા વિષયોનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સાયબર ગુનાખોરીની બદલાતી પદ્ધતિઓને સમજવા અને તેની સામે કાયદાકીય રીતે મજબૂત કાર્યવાહી કરવા માટે આ પુસ્તક ઉપયોગી સાબિત થશે.

ડ્રગ્સ વિરોધી લડાઈ માટે ‘NDPS Ready Reckoner’

ડ્રગ્સ સંબંધિત ગુનાઓની તપાસને વધુ અસરકારક અને એકરૂપ બનાવવા માટે ‘NDPS Ready Reckoner’ નામનું વિશેષ પુસ્તક પણ તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ SOGના DCP રાહુલ ત્રિપાઠી દ્વારા આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. NDPS Act, 1985 દેશના સૌથી કડક કાયદાઓમાંનો એક માનવામાં આવે છે. જોકે કાયદાની અસરકારકતા તેના યોગ્ય અમલીકરણ પર આધારિત હોય છે. આ પુસ્તક પોલીસ અધિકારીઓને NDPS કાયદાની જોગવાઈઓ, તપાસ પ્રક્રિયા અને કોર્ટમાં મજબૂત કેસ રજૂ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડશે.

આ પણ વાંચો: ભરૂચના દહેજ બંદરે પહોંચશે LNGથી ભરેલું 'દિશા' જહાજ : યુદ્ધવિરામ બાદ સ્ટ્રેટ ઓફ હોર્મોઝ પાર કરનાર પ્રથમ શિપ

ડ્રગ્સ કેસની તપાસથી લઈને કોર્ટ કાર્યવાહી સુધીની માહિતી

આ પુસ્તકમાં કુલ 14 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ડ્રગ્સના દુરુપયોગથી લઈને કેસના અંતિમ તબક્કા સુધીની સમગ્ર પ્રક્રિયાને આવરી લેવામાં આવી છે. પુસ્તકમાં ખાસ કરીને પંચનામું, જપ્તી, વ્યક્તિગત તપાસ, કલમ 42, 43 અને 50ની જોગવાઈઓનું પાલન, આરોપીના અધિકારો અને કાયદાકીય પ્રક્રિયાઓને સરળ ભાષામાં સમજાવવામાં આવી છે. નાની પ્રક્રિયાત્મક ભૂલ પણ કોર્ટમાં કેસને નબળો પાડી શકે છે, તેથી દરેક તબક્કે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની વિગતવાર સમજ આપવામાં આવી છે.

ધરપકડ, FIR અને અહેવાલ પ્રક્રિયા અંગે માર્ગદર્શન

NDPS એક્ટ હેઠળ ધરપકડ બાદની પ્રક્રિયા પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પુસ્તકમાં કલમ 57 મુજબ ધરપકડ અને જપ્તી બાદ 48 કલાકની અંદર વરિષ્ઠ અધિકારીઓને અહેવાલ મોકલવાની ફરજ સહિતની જોગવાઈઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. સાથે જ FIRમાં કઈ કલમોનો સમાવેશ કરવો, આરોપીના માનવ અધિકારોનું રક્ષણ કેવી રીતે કરવું અને તપાસને કાયદેસર રીતે મજબૂત બનાવવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

FSL, સેમ્પલિંગ અને કોર્ટ કાર્યવાહી પર વિશેષ ભાર

NDPS કેસોમાં ફોરેન્સિક પુરાવાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આ પુસ્તકમાં સેમ્પલિંગ પ્રક્રિયા, ફોરવર્ડિંગ નોટ તૈયાર કરવાની રીત, સીલિંગ પ્રક્રિયા અને FSL રિપોર્ટના કોર્ટમાં ઉપયોગ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. તપાસ દરમિયાન ‘ચેઈન ઓફ કસ્ટડી’ જળવાઈ રહે અને પુરાવાની વિશ્વસનીયતા પર કોઈ પ્રશ્ન ન ઊભો થાય તે માટે જરૂરી તમામ પ્રક્રિયાઓને સરળ રીતે સમજાવવામાં આવી છે.

આ પણ વાંચો: માંગરોળ દાતાર મંઝીલ વિવાદ : શિક્ષણ જમીન પર દબાણના આક્ષેપ, તંત્રએ કરી કાર્યવાહી

ડ્રગ્સ નેટવર્ક સામે મજબૂત કાર્યવાહી માટે માર્ગદર્શિકા

પુસ્તકમાં NDPS એક્ટની કલમ 37 હેઠળ જામીન પ્રક્રિયા, ચાર્જશીટ દાખલ કરવાની સમયમર્યાદા, કોર્ટમાં દલીલો રજૂ કરવાની રીત તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે મેળવેલી મિલકતોની જપ્તી અને PIT NDPS કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે આ જોગવાઈઓ ડ્રગ્સના સંગઠિત નેટવર્ક સામે અસરકારક હથિયાર સાબિત થઈ શકે છે.

‘ડ્રગ્સ મુક્ત ગુજરાત’ અભિયાનને મળશે બળ

ગુજરાત પોલીસે છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્રગ્સ વિરુદ્ધ નોંધપાત્ર સફળતાઓ હાંસલ કરી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામે કાર્યવાહી, દરિયાઈ માર્ગે થતી હેરાફેરી રોકવાના પ્રયાસો અને યુવાનોને નશાની લતથી બચાવવાના અભિયાનમાં રાજ્ય પોલીસ સતત સક્રિય રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બંને પુસ્તકો માત્ર માર્ગદર્શિકા નહીં, પરંતુ આધુનિક ગુનાખોરી સામે પોલીસ અને સમાજને વધુ સશક્ત બનાવવાના પ્રયાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આગામી સમયમાં આ પુસ્તકો રાજ્યભરના પોલીસ અધિકારીઓ અને તપાસ એજન્સીઓ માટે ઉપયોગી સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now