ગાંધીનગરઃ વર્ષો સુધી પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિત અનેક મહાનુભાવોની સુરક્ષા સંભાળનાર જુગનુ આજે રિટાયર્ડ થયો છે. જુગનુના માનમાં ગૃહ વિભાગ દ્વારા અને ખાસ કરીને પોલીસ તંત્ર દ્વારા એક વિશેષ સન્માન સમારોહ યોજાઈ ગયો. જેમાં પોલીસ વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. હવે કોણ છે જુગનું એજ જાણવા માટે તમારે આખો આર્ટિકલ વાંચવો પડશે.
સામાન્ય રીતે તમે જોયું હશે કે, મુખ્યમંત્રી, રાજ્યપાલ કે પછી પ્રધાનમંત્રી જેવા કોઈ વીવીઆઈપી મહાનુભાવોનું આગમન થવાનું હોય તે પહેલાં તે સ્થળની સુરક્ષાની પુરતી ચકાસણી કરવામાં આવે છે. આ સુરક્ષામાં પોલીસ જવાનોની સાથો-સાથ અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સામે હોય છે. તેમાં સૌથી વધારે મહત્ત્વની કામગીરી જેવી પાસે હોય છે એ છે બોમ્બ સ્ક્વોડ. એમાં પણ બોમ્બ સ્ક્વોડની કામગીરીમાં સૌથી વધારે મદદરૂપ થાય છે ડોગ સ્ક્વોડ. કારણકે, ડોગ સ્ક્વોડની કામગીરી વિના બોમ્બ સ્ક્વોડનું કામ મુશ્કેલ બની જાય છે. આમ તમામ વીવીઆઈપી સુરક્ષા બંદોબસ્તોની જવાબદારીમાં જેની ભુમિકા સૌથી વધારે હોય છે તે ડોગ સ્ક્વોડનો એક મહત્ત્વનો સ્નિફર ડોગ આજે રિટાયર્ડ થઈ ગયો છે. ગુજરાત સરકાર દ્વારા ડોગ સ્ક્વોડનો સૌથી મહત્ત્વનો હિસ્સો રહેલાં સ્નિફર ડોગ જુગનુને આજે સેવા નિવૃત્ત કરવામાં આવ્યો. જેના માનમાં રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આવેલ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ખાસ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. મહાનુભાવોની વી.વી.આઈ.પી. સુરક્ષામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જુગનુ અંતે સેવા નિવૃત્ત થયો છે. 8 વર્ષ સુધી એક્સપ્લોઝિવ ડિટેક્શન (ED) ટીમમાં બોમ્બ સ્ક્વોડના સ્નિફર ડોગ તરીકે ફરજ બજાવનાર જુગનુ માટે ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ખાસ નિવૃત્તિ સમારોહ યોજાયો હતો. જેમાં તેની ભવ્ય વિદાય આપવામાં આવી. જાણો કોણ છે જુગનુ?
2016માં જન્મેલા જુગનુ એક લેબ્રાડોર રિટ્રીવર બ્રીડનો ડોગ છે, જે 1 નવેમ્બર 2016ના રોજ ગુજરાત પોલીસ દળમાં ભરતી થયો હતો. 9 મહિના સુધી ટ્રેનિંગ મેળવ્યા બાદ, 26 ઓક્ટોબર 2016ના રોજ તેને અધિકૃતપણે પોલીસ વિભાગને સોંપવામાં આવ્યો. જુગનુએ પ્રથમ અમદાવાદ બોમ્બ સ્ક્વોડમાં 5 વર્ષ અને ત્યારબાદ ગાંધીનગરમાં 3 વર્ષ સુધી વી.વી.આઈ.પી. સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવી.






