Home Gujarat Gujarat News Land Act Property Law Documents Government Of Gujarat

મિલ્કતોનાં દસ્તાવેજ પર ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : હવે અક્ષાંશ-રેખાંશ દર્શાવતો ફોટો રાખવો પડશે

મિલ્કતોનાં દસ્તાવેજ પર ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2025, 09:44 AM IST

જો તમે પણ કોઈ મિલકત લેવાનું વિચારી રહ્યાં હોવ તો આ સમાચાર તમારા માટે ખુબ જ મહત્ત્વના છે. કારણકે, હાલમાં જ ગુજરાત સરકારે મિલકતના દસ્તાવેજના સંદર્ભમાં એક ખુબ જ મહત્ત્વનો નિર્ણય લીધો છે. સરકારે આ નિર્ણય મિલકત સંબંધિત ગેરરીતિઓ રોકવા માટે લીધો હોવાનું જણાવ્યું છે.


ગુજરાતમાં મિલ્કતોનાં દસ્તાવેજમાં ગેરરીતી થતી હોવાનું સામે આવતાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવેથી નવા મિલ્કત દસ્તાવેજ કરતાં સમયે ફરજીયાત અક્ષાંશ-રેખાંશ દર્શાવતો ફોટો ફરજીયાત રાખવા રાજ્યની દરેક સબ રજીસ્ટાર કચેરીને સૂચન કર્યું છે. જેથી કરીને સરકારને કારણ વગરનો ખર્ચ તતો પણ બચશે. 


1 એપ્રિલથી ગુજરાતમાં લાગૂ થશે નવો નિયમઃ

ગુજરાતમાં મિલકતોનાં દસ્તાવેજને લઈ રાજ્ય સરકારે 1 એપ્રિલથી ખુલ્લા પ્લોટનાં દસ્તાવેજમાં અક્ષાંશ-રેખાંશની વિગતો નોંધવી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓને પરિપત્ર કરીને અક્ષાંશ-રેખાંશની વિગતો વગર નોંધણી નહી કરવા સ્પષ્ટ સૂચનાં આપી છે. સરકારનાં આ નિર્ણયનાં કારણે મિલકતની ખરીદ-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતાં આવવાની અને સ્ટેમ્પ ડ્યુટી આવકમાં થતાં નુકસાનને અટકવી શકાય તેમ છે. 


સરકારનાં ધ્યાને આવ્યા મુજબ ઘણી વખત મિલકતનાં દસ્તાવેજોમાં બાંધકામ હોવા છતાં દસ્તાવેજમાં ખુલ્લા પ્લોટના ફોટા રજૂ કરવામાં આવે છે. જેના કારણે સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરીમાં ગેરરીતિ થાય છે અને સરકારને આર્થિક નુકસાન થાય છે. સરકારનાં ધ્યાને આ પ્રકારના કિસ્સાઓ સતત વધતાં હોવાનું ધ્યાને આવ્યું હોવાથી ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.


હવેથી દસ્તાવેજમાં ફરજિયાત થશે આ વસ્તુઓઃ

મિલકતોનાં દસ્તાવેજમાં થતી છેતરપિંડી અટકાવવા સંબંધિત કચેરીના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત પરિપત્રમાં જણાવ્યાં મુજબ ખુલ્લા પ્લોટની મિલકતોની તબદીલીના કિસ્સામાં, ફોટોગ્રાફવાળા પૃષ્ઠ પર અક્ષાંશ અને રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવેલી હોવી જોઇએ. તેમજ દસ્તાવેજમાં મિલકતના 5x7 સાઇઝના કલર ફોટોગ્રાફ્સમાં એક સાઇડ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ દેખાવવો જોઇએ અને મિલકતનાં વર્ણનવાળા ફોટો ચોટાડવાનાં રહેશે. સાથોસાથ ફોટાની નીચે મિલકતનું પૂરૂ પોસ્ટલ સરનામું લખવાનું રહેશે.


તેની પર દસ્તાવેજ લખનાર તેમજ લેનાર બંને પક્ષકારોએ સહી કરવી પડશે. આ પ્રકારની નોંધ દસ્તાવેજમાં નહીં હોય તો સબ-રજિસ્ટ્રાર કચેરી નોંધણી માટે ગ્રાહ્ય નહીં ગણે. સરકારના આ નિર્ણયથી મિલકતની ખરીદી-વેચાણમાં પારદર્શિતા વધશે અને છેતરપિંડીની સંભાવનાઓ ઘટશે. 1 એપ્રિલ 2025થી શરૂ થતા નિયમોનો કડક અમલ કરવા સબ-રજિસ્ટ્રાર કચેરીઓને પણ સૂચના આપવામાં આવી છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now