Home Gujarat Gujarat News Ahmedabad When The Married Woman Refused To Meet The Young Man Entered The House And Finished Her Off

અમદાવાદની ઘટના! પરિણીતાએ મળવાની ના પાડતા યુવકે ઘરમાં ઘુસીને પતાવી દીધી : બે વાર મકાન બદલ્યાં, પણ 8 વર્ષથી પીછો નહોતો છોડતો જૂનો પાડોશી

અમદાવાદની ઘટના! પરિણીતાએ મળવાની ના પાડતા યુવકે ઘરમાં ઘુસીને પતાવી દીધી
Published by: OBS Bureau
Last Updated: May 28, 2025, 06:32 AM IST

અમદાવાદઃ પાડોશીને લોકો પહેલાં સગા માનતા હોય છે. કારણકે, એવું કહેવાય છેકે, કોઈ ઈમરજન્સી આવે તો સગા તો પછી આવે પણ પહેલાં સગા એ આપણાં પાડોશી જ હોય છે. પણ ઘણાં કિસ્સાઓમાં પાડોશીઓ જે પજવણી કરે, જે ત્રાસ આપે એ પણ અસહ્ય હોય છે. કંઈક આવું જ બન્યું અમદાવાદના વસ્ત્રાલમાં રહેતી પરિણીતા સાથે. અને આખરે પાડોશીએ જ તેનો જીવ લઈ લીધો.


અમદાવાદના વસ્ત્રાલમાં પરિવાર સાથે રહેલી પરિણીતાની તેના જ ઘરમાં ઘુસીને વર્ષો પહેલાં પાડોશમાં રહેતા યુવકે હત્યા કરી દીધી છે. જૂનો પાડોશી વારંવાર પરિણીતાને વાતચીત કરવા, મળવા અને તેની સાથે તમામ પ્રકારના સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. પરિણીતાએ જૂના પાડોશી યુવકના ત્રાસથી બે થી ત્રણ વાર મકાન પણ બદલી નાંખ્યાં. પણ પાડોશી યુવકની દાનત બદલાઈ નહીં. અને નફ્ફટની જેમ આ યુવક તેને સતત પરેશાન કરતો રહેતો હતો. આ કહાની કોઈ ફિલ્મી સીન જેવી જ હતી. કારણકે, માનસિક વિકૃતિ ધરાવતા યુવકે આખરે પોતાની હવસ પુરી ના થતા પરિણીતાના ઘરમાં ઘુસીને તેની કરપીણ રીતે હત્યા કરી નાંખી.


આરોપી યુવક વારંવાર પરિણીતાને મળવા, વાતચીત કરવા અને સંબંધ રાખવા દબાણ કરતો હતો. જોકે, પરિણીતાએ મળવા જવાનો ઈન્કાર કરી દેતા મંગળવારે છરી સાથે પરિણીતાના ઘરે આવ્યો હતો અને હુમલો કરી દીધો હતો. માતાને લોહીલુહાણ હાલતમાં જોઈ મૃતકની પુત્રીએ તેના પિતાને ફોન કરતા પિતા દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી. પરંતુ, આરોપીએ છરીના ઘા ક્રુરતા પૂર્વક માર્યા હોવાના કારણે પેટમાંથી આંતરડુ બહાર આવી જતા મોત નિપજ્યું હતું. 


આરોપી યુવક પરિણીતાની હત્યા નીપજાવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી આઠ વર્ષથી પરિણીતાને પરેશાન કરતો હોવાનું અને તેના કારણે પરિણીતા અને તેના પરિવારે બે વાર મકાન બદલવા પડ્યા હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી છે.


અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા હર ભોળેનાથ સોસાયટીમાં મંગળવાર, 27 મેના રોજ બનેલી એક ક્રુર ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધું છે. સ્થાનિક રહીશ ચંદ્રકાંતભાઈ જ્યારે પોતાના કામધંધે ગયા હતા ત્યારે સાંજના સમયે તેમના પત્ની અંકિતાબેન દ્વારા ફોન આવ્યો હતો કે અશોક પટેલ નામનો વ્યક્તિ તેમને વારંવાર ફોન કરીને મળવા માટે દબાણ કરી રહ્યો છે. અંકિતાબેને મળવાની ના પાડ્યા પછી પણ અશોક નામનો શખ્સ તેમના ઘરની આસપાસ બાઈક લઇને આંટાફેરા મારતો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.તેમણે એમ પણ કહ્યુંકે, અશોકનો ઈરાદો સારો નથી લાગતો મને તેનાથી ડર લાગે છે. જોકે, ફોન પર તેમના પતિ ચંદ્રકાંતભાઈએ તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ તાત્કાલિક ઘરે આવી જશે. 


પરંતુ તેઓ ઘરે આવે એ પહેલાં જ એક અનહોની ઘટના સર્જાઈ ગઈ. રાત્રિના સમયે તેમના પાડોશી અને પુત્રીના ફોન દ્વારા જાણવામાં આવ્યું કે અશોક પટેલ ઘરમાં ઘૂસી આવ્યો છે અને અંકિતાબેન પર ચપ્પુ વડે હુમલો કર્યો છે. ચંદ્રકાંતભાઈ ઘેર પહોંચ્યા ત્યારે ઘરના બેઠક રૂમની બાજુમાં આવેલ રૂમમાં અંકિતાબેન લોહી લુહાણ હાલતમાં પડેલી મળી. તેમને પેટમાં ગંભીર ઈજા થઈ હતી જ્યાં આંતરડું બહાર આવી ગયું હતું. ડાબા હાથ અને શરીરના અન્ય ભાગોમાં પણ છ જેટલા ઘા મારવામાં આવ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાઈ હતી, પરંતુ સારવાર પહેલાં જ અંકિતાબેનનું દુઃખદ અવસાન થયું.


ઘટનાના સમયે ચંદ્રકાંતભાઈની માતા ઘરની બહાર ખાટલામાં સુતા હતા. તેમના જણાવ્યા અનુસાર, અશોક હાથમાં ચપ્પુ લઈને ઘરમાં ઘૂસ્યો હતો અને બહાર બાઈક ચાલુ અવસ્થામાં એક સાથીદાર રાહ જોઈ રહ્યો હતો. રસોડામાં રસોઈ કરતી અંકિતાબેન સાથે અશોકે વિવાદ કર્યા બાદ તેમના પર ધાર્શનક હુમલો કર્યો હતો અને બાદમાં બાઈક ચાલક સાથે ફરાર થઇ ગયો હતો.રામોલ પોલીસે તાત્કાલિક પગલાં લેતાં ચંદ્રકાંતભાઈની ફરિયાદ આધારે અશોક પટેલ અને અનામ સાથીદાર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે અને આરોપીઓને ઝડપીને કડક સજા થાય એવી માંગ ઉઠી રહી છે. જોકે, સમગ્ર મામલામાં લગ્નેતર સંબંધો હોવાની વાત પણ ચર્ચામાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now