Home Gujarat Vadodara Dabhoi Congress Earthquake Siddharth Patels Partner Prahlad Mangal Patel Join Bjp

ડભોઈ કોંગ્રેસમાં મોટું ગાબડું : સિદ્ધાર્થ પટેલના 40 વર્ષ જૂના અને વફાદાર સાથીએ કેસરિયો ધારણ કર્યો

Dabhoi Congress Prahlad Mangal Patel join BJP
Published by: Nirali Gohil
Last Updated: Apr 07, 2026, 09:01 AM IST

Dabhoi Congress: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના રાજકારણમાં આજે એક મોટો વિસ્ફોટ થયો છે. પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલના અત્યંત વિશ્વાસુ અને 40 વર્ષ જૂના વફાદાર સાથી પ્રહલાદ મંગળ પટેલે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. સિદ્ધાર્થ પટેલના પડછાયા સમાન ગણાતા નેતાઓ એક પછી એક સાથ છોડી રહ્યા હોવાથી ડભોઈ કોંગ્રેસમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટ અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ની હાજરીમાં પ્રહલાદ પટેલે પોતાના સમર્થકો સાથે ભાજપમાં પ્રવેશ કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

સિદ્ધાર્થ પટેલના ગઢમાં ગાબડું: ભૂપેન્દ્ર પટેલ બાદ પ્રહલાદ પટેલનો પક્ષપલટો

ડભોઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના એકમાત્ર મજબૂત સભ્ય તરીકે પકડ ધરાવતા પ્રહલાદ પટેલનું જવું એ કોંગ્રેસ માટે વજ્રઘાત સમાન માનવામાં આવે છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ સિદ્ધાર્થ પટેલના અન્ય એક વફાદાર ભૂપેન્દ્ર પટેલે પણ કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો સાથ પકડ્યો હતો. હવે પ્રહલાદ પટેલના પક્ષપલટાથી ડભોઈમાં કોંગ્રેસનું માળખું વેરવિખેર થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિથી પ્રેરાઈને લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, જે આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચો: MSUની વિદ્યાર્થિનીની કમાલ : ઊનમાંથી બનાવ્યું એવું ખાસ કાપડ કે જે કાળઝાળ ગરમીમાં પણ શરીરને રાખશે 7 ડિગ્રી ઠંડું

અસંતોષનું કેન્દ્ર 'વિશ્વેશ પટેલ'? જૂના કાર્યકરોમાં ભારે રોષ

રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ મોટા પક્ષપલટા પાછળ મુખ્ય કારણ સિદ્ધાર્થ પટેલના પુત્ર વિશ્વેશ પટેલની ડભોઈ વિધાનસભા વિસ્તારમાં વધતી જતી સક્રિયતા છે. વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો એક કરનારા જૂના અને વરિષ્ઠ કાર્યકરોમાં એવી લાગણી જન્મી છે કે નવા નેતૃત્વ હેઠળ તેમને યોગ્ય માન-સન્માન મળતું નથી. "નવા નિશાળિયાઓ" ના વર્ચસ્વ સામે જૂના જોગીઓએ હવે "અમને અહીં નહીં ફાવે" તેવી સ્પષ્ટ નીતિ અપનાવીને ભાજપનો માર્ગ પકડ્યો છે, જે સીધી રીતે વંશવાદ સામેનો વિરોધ દર્શાવે છે.

આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ

રાજકીય વિશ્લેષકોના મતે, સિદ્ધાર્થ પટેલના અંગત વિશ્વાસુઓનું એક પછી એક પક્ષ છોડવું એ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને વિધાનસભાની રણનીતિ માટે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે. ડભોઈના રાજકારણમાં સત્તાના સમીકરણો હવે સંપૂર્ણપણે બદલાઈ રહ્યા છે. ભાજપ આ તકનો લાભ લઈ તાલુકા પર પોતાની પકડ વધુ મજબૂત કરી રહ્યું છે, જ્યારે કોંગ્રેસે પોતાનો ગઢ બચાવવા માટે હવે નવા ચહેરાઓ અને નવી રણનીતિ પર નિર્ભર રહેવું પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now