અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા યુનિયન બેંકના કરન્સી ચેસ્ટમાં ગુરુવારે બપોરે ગોળીબારની ઘટના સર્જાતા ચકચાર મચી ગઈ હતી. બેંકના સુરક્ષા રક્ષક મહેશકુમાર મહેરિયા, જે નિવૃત્ત CRPF જવાન છે, તેણે પોતાના સહકર્મી ઇમરાન ખાન બલોચ પર લાયસન્સવાળી ડબલ બેરલ ગનથી ફાયરિંગ કર્યું હતું. હુમલામાં ઇમરાન ખાનના પગમાં ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. હાલમાં તે રખીયાલની નારાયણી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, બંને રક્ષકો ખાનગી સિક્યુરિટી એજન્સી ESPS સિક્યુરિટીમાં કામ કરતા હતા. ઈમરાન ખાને પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે લગભગ એક મહિના પહેલા ફરજ દરમિયાન મજાકમાં તેણે મહેશકુમારના પેટ પર હાથ માર્યો હતો, જેના કારણે બંને વચ્ચે મનદુઃખ સર્જાયું હતું. બાદમાં ઈમરાને માફી માંગી હોવા છતાં ગુરુવારે મહેશકુમારે અચાનક ગુસ્સામાં આવી ગનથી ઈમરાન પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ ગનની બટથી પણ માર માર્યો હતો.
ફાયરિંગ બાદ ઈમરાન લોહીલુહાણ હાલતમાં પડી જતા બ્રાન્ચ મેનેજર સુષ્મિત રોય અને સ્ટાફે તરત જ 108 ઈમરજન્સી સેવા બોલાવી હતી. શરૂઆતમાં ઈમરાનને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને બાદમાં વધુ સારવાર માટે નારાયણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
ફાયરિંગ બાદ આરોપી મહેશકુમાર મહેરિયા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. નવરંગપુરા પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, હુમલો વ્યક્તિગત અણબનાવને કારણે થયો હતો અને વપરાયેલ હથિયાર લાયસન્સવાળું હતું. હાલ પોલીસ ફરાર આરોપીની શોધખોળમાં તજવીજ કરી રહી છે અને ઘટનાના સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે.






