Addiction : આજના સમયમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટ મનોરંજનનું સાધન મટીને એક ગંભીર વ્યસન બની ગયું છે. ખાસ કરીને ગુજરાતના મેટ્રો શહેરોમાં જે કિસ્સાઓ સામે આવ્યા છે તે આઘાતજનક છે. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં પરિવારોએ પોતાના જ સંતાનોના વર્તનને કાબૂમાં લેવા માટે વ્યાવસાયિક બાઉન્સરોની મદદ લેવી પડી છે. આ કોઈ ફિલ્મી વાર્તા નથી પરંતુ એક એવી સામાજિક કટોકટી છે જે દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.
અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો : 16 વર્ષની કિશોરી અને 4 બાઉન્સર
અમદાવાદમાં એક 16 વર્ષની કિશોરીના કિસ્સાએ સૌને હચમચાવી દીધા છે. આ છોકરીને સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોનનું એવું વળગણ હતું કે તે દિવસ-રાત ફોનમાં જ ખોવાયેલી રહેતી. જ્યારે તેના માતા-પિતાએ તેનો ફોન લઈ લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. તે ઘરનો સામાન ફેંકતી અને પરિવારના સભ્યો પર શારીરિક હુમલો કરતી હતી. દીકરીને શાંત રાખવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પરિવારે દર મહિને 65,000 રૂપિયાના ખર્ચે બે શિફ્ટમાં ચાર બાઉન્સર રાખ્યા છે. આ બાઉન્સર 24 કલાક તેના રૂમની બહાર નજર રાખે છે જેથી તે ફોનનો ઉપયોગ ન કરી શકે.
પાલતુ પ્રાણીઓ પણ અસુરક્ષિત : ગેમિંગનું ઘેલું
માત્ર અમદાવાદ જ નહીં પણ સુરતમાં પણ આવા જ કિસ્સાઓ જોવા મળ્યા છે. સુરતની એક સિક્યુરિટી એજન્સીના જણાવ્યા મુજબ, એક કિશોર ગેમિંગના વ્યસનમાં એટલો હિંસક બની ગયો હતો કે તે પોતાના પિતા પર ગુસ્સો ઉતારવા માટે ઘરના પાલતુ કૂતરા પર હુમલો કરતો હતો. પિતાને પોતાના પ્રિય પાલતુ પ્રાણીની ચિંતા હોવાથી તેમણે નવ મહિના સુધી આઠ બાઉન્સર રાખ્યા હતા. આ કિસ્સો દર્શાવે છે કે ગેમિંગનું વ્યસન બાળકના મગજ પર કેટલી નકારાત્મક અસર કરી શકે છે.
મનોચિકિત્સકોનું વિશ્લેષણ : કેમ બાળકો હિંસક બને છે?
માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે વધુ પડતો સ્ક્રીન ટાઇમ બાળકની ભાવનાત્મક સ્થિરતાને ખતમ કરી નાખે છે. જ્યારે કોઈ બાળક કલાકો સુધી ગેમ રમે છે ત્યારે તેના મગજમાં ડોપામાઈન નામનું કેમિકલ રિલીઝ થાય છે, જે તેને ખુશી આપે છે. જ્યારે આ સ્ત્રોત એટલે કે ફોન છીનવી લેવામાં આવે છે ત્યારે બાળક 'વિથડ્રોઅલ સિમ્પટમ્સ' અનુભવે છે. આ સ્થિતિમાં તેને ભારે ગુસ્સો આવે છે ગભરામણ થાય છે અને તે હિંસક બની જાય છે. ઘણીવાર આ ડિજિટલ વ્યસન પાછળ એકલતા કે અન્ય માનસિક તણાવ પણ જવાબદાર હોય છે.
માતા-પિતાની લાચારી અને આર્થિક બોજ
આજકાલના વાલીઓ સંતાનોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા બાદ બાઉન્સર જેવો આખરી રસ્તો અપનાવે છે. સિક્યુરિટી એજન્સીઓ પાસે હવે આવા કિસ્સાઓ વધી રહ્યા છે. 24 કલાકની સુરક્ષા માટે પ્રતિ બાઉન્સર રોજના આશરે 3,000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. છતાં પરિવારો આ ખર્ચ વેઠવા તૈયાર છે કારણ કે, તેઓ ઘરે વધતી જતી આક્રમકતાથી ડરેલા છે. જોકે આ કાયમી ઉકેલ નથી કારણ કે બાઉન્સર માત્ર શારીરિક દેખરેખ રાખી શકે છે માનસિક ઈલાજ નહીં.
શું હોઈ શકે સાચો ઉકેલ?
ડોક્ટરોના મતે આ સમસ્યાનો ઉકેલ માત્ર સજા કે પ્રતિબંધ નથી. જો બાળક હિંસક થતું હોય તો તેને તાત્કાલિક મનોચિકિત્સકની સલાહ અપાવવી જોઈએ. માતા-પિતાએ બાળકની દિનચર્યા નક્કી કરવી જોઈએ અને તેમને મેદાનની રમતો કે વાંચન જેવા શોખમાં વ્યસ્ત રાખવા જોઈએ. અચાનક ફોન છીનવી લેવાને બદલે ધીમે ધીમે સમય ઘટાડવો અને પરિવાર સાથે ગુણવત્તાસભર સમય વિતાવવો તે જ એકમાત્ર કાયમી રસ્તો છે.






