Home Gujarat Gujarat Minor Pregnancy Statistics Child Marriage Law

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 427 સગીરાઓ બની ગર્ભવતી : બાળ લગ્ન રોકવા સરકાર એક્શન મોડમાં

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 427 સગીરાઓ બની ગર્ભવતી
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 06:33 PM IST

ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા અને બાળ લગ્નને લઈને અત્યંત ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન કુલ 427 સગીરાઓ ગર્ભવતી બની હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે મહિલા અને બાળ વિકાસ વિભાગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જરે ગંભીરતા દાખવતા સ્પષ્ટ કર્યું છે કે, જે કિસ્સાઓમાં બાળ લગ્નને કારણે સગીરાઓ ગર્ભવતી બની છે, ત્યાં જવાબદારો સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડક સજાની કાર્યવાહી કરવામાં આવશે.

મહેસાણા અને બોટાદ સહિત 5 જિલ્લાઓમાં સ્થિતિ ચિંતાજનક

આંકડાકીય વિગતો મુજબ, માત્ર બોટાદ જ નહીં પરંતુ અગાઉ મહેસાણા જિલ્લામાં પણ આ પ્રકારના આઘાતજનક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. પ્રથમ મહેસાણા અને ત્યારબાદ અન્ય પાંચ જિલ્લાઓમાં સગીરાઓના ગર્ભવતી બનવાના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. હાલમાં વિભાગ દ્વારા આ આંકડાઓની સત્યતા અને ચોકસાઈ અંગે ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગર્ભવતી સગીરાઓના સ્વાસ્થ્ય અને કાયદાકીય રક્ષણ માટે આરોગ્ય વિભાગને પણ વિશેષ આદેશો જારી કરવામાં આવ્યા છે.

ગામના સરપંચ અને તલાટીને સોંપાઈ જવાબદારી

બાળ આયોગ અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સૂચના આપવામાં આવી છે કે જ્યાં હજુ પણ બાળ વિવાહ જેવી કુપ્રથા ચાલુ છે ત્યાં વિશેષ તકેદારી રાખવામાં આવે. આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે હવે સ્થાનિક સ્તરે ગામના આગેવાનો, સરપંચ અને તલાટી-કમ-મંત્રીને જવાબદાર બનાવવામાં આવ્યા છે. ગ્રામીણ સ્તરે કોઈપણ બાળ લગ્ન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે તેમને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.

કાયદાની મજબૂત ભીંસ વધારવા આદેશ

મહિલા અને બાળ વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની સાથે તપાસ તેજ કરી દેવામાં આવી છે. હવે દરેક કેસમાં ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવશે કે લગ્ન સમયે સગીરાની ઉંમર કેટલી હતી. જો તે બાળ લગ્નનો કિસ્સો જણાશે તો કાયદાકીય જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરી જેલભેગા કરવાની તૈયારીઓ બતાવી છે. સરકારના આ કડક વલણનો હેતુ રાજ્યમાં દીકરીઓના સ્વાસ્થ્ય અને તેમના ભવિષ્ય સાથે થતા ચેડાં અટકાવવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now