ગુજરાત સરકારે રાજ્યના ગામડાઓમાં માળખાકીય સુવિધાઓ વધારવા માટેનું મિશન તેજ ગતિએ હાથ ધર્યું છે. નગરપાલિકાની નજીકના વિસ્તારમાં આવતા રાજયના કુલ ૨,૯૦૦ ગામોમાં ઘન કચરાનું ડોર ટૂ ડોર એકત્રીકરણ કરી નિકાલ કરવામાં આવશે. જે ગ્રામ પંચાયતો ૧૦૦ ટકા સફાઇવેરાની વસુલાત કરે છે તેમને તેમની વસુલાત જેટલી વધારાની રકમ પ્રોત્સાહક ગ્રાન્ટ સ્વરૂપે ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલ 3,189 ગ્રામ પંચાયતના ઘરો પૈકી, 2,939 નવીન ગ્રામ પંચાયતના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત રાજયના 14,181 ઇ-ગ્રામ સેન્ટર ખાતેથી ઈ-સેવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 1,639 ગરીબ કલ્યાણ મેળા દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત 1.91 કરોડ લાભાર્થીને રૂ. 41368.98 કરોડની સહાય ચૂકવાઈ છે.
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગહેઠળના પંચાયત પ્રભાગની રૂ. 5094.62 કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળના પંચાયત પ્રભાગ માટેની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરતાં પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મોટા ગામો, શહેરી વિકાસ સત્તા મંડળની આસપાસના ગામો તથા તાલુકાના મુખ્ય મથક કે જ્યાં નગરપાલિકા ન હોય ત્યાં શહેરની સમકક્ષ આંતર માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરી શકાય તે માટે 10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામો સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવી માળખાકીય સુવિધા વિકસાવવા અંગેની નવી બાબત સૂચવવામાં આવી છે. તે માટે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રૂ. 100 કરોડની નવી જોગવાઈ કરવામાં આવી છે.જે અંર્તગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ, લીકવીડ વેસ્ટ મેનેજમેન્ટ, ગ્રામ્ય રસ્તાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, ફૂટપાથ, બાગ બગીચા, ગ્રામ હાટ/બજારની સવલત ઉભી કરવા બાબત, કોમ્યુનિટી હોલ, સ્થાનિક કક્ષાએ રોજગારી પુરી પાડી શકાય તેવા કામો તેમજ સ્થાનિક કક્ષાએ જરૂરીયાત મુજબના કામો હાથ ધરી શકાશે.
રાજયના ગામો સ્વચ્છ અને સુંદર બને તે માટે નાણાકીય વર્ષ-2025-26માં રૂ. ૩૩૦.૦૦ કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી છે.પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળના પંચાયત પ્રભાગની રૂ. 5094.62 કરોડની અંદાજપત્રીય માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.





