Home Gujarat Gujarat Medicinal Gardens Free Herbal Plants Distribution

ઘરે લગાવો તુલસી, અશ્વગંધા, બ્રાહ્મી : ગુજરાત સરકાર મફતમાં આપી રહી છે ઔષધીય રોપા, જાણો કેવી રીતે મળશે લાભ

ઔષધીય ઉદ્યાનની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 19, 2026, 05:01 AM IST

ગુજરાતમાં આયુર્વેદિક પરંપરાને વધુ મજબૂત બનાવવા અને નાગરિકોમાં ઔષધીય વનસ્પતિઓ પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ સતત વિવિધ પહેલ કરી રહ્યું છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યના સાત સરકારી ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખથી વધુ ઔષધીય રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ઘરઆંગણે ઔષધીય છોડનું વાવેતર વધારવો, ખેડૂતોને ઔષધીય પાક તરફ પ્રોત્સાહિત કરવો અને આયુર્વેદિક પરંપરાને વધુ વ્યાપક બનાવવાનો છે. રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદ અને પરંપરાગત ઔષધીય જ્ઞાનના સંવર્ધન માટે કરવામાં આવી રહેલા પ્રયાસોના ભાગરૂપે આ યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વ્યક્તિગત ઉપયોગથી લઈને શૈક્ષણિક સંસ્થાઓ અને ખેડૂતો સુધી વિવિધ વર્ગોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.

વ્યક્તિગત ઉપયોગથી ખેડૂતો સુધી સૌને લાભ

ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા વ્યક્તિગત ઉપયોગ માટે દરેક નાગરિકને 10 સુધીના ઔષધીય રોપા વિનામૂલ્યે આપવામાં આવે છે. શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને 50 સુધીના રોપા મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ ઔષધીય વનસ્પતિઓ અંગે પ્રાયોગિક જ્ઞાન મેળવી શકે. તે ઉપરાંત ખેડૂતો તેમજ જાહેર ઉપયોગ માટેની જમીનો પર વાવેતર કરવા માટે 500 સુધીના ઔષધીય રોપાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. ગાંધીનગર સ્થિત ઔષધીય ઉદ્યાનમાં ચંદનના રોપા માત્ર રૂ. 20ના સબસિડાઇઝ્ડ દરે આપવામાં આવે છે, જે ખેડૂતો અને રસ ધરાવતા લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : ક્રૂડ ઓઈલમાં તેજી છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત, જાણો તમારા શહેરનો નવો ભાવ

આયુર્વેદિક જ્ઞાનના કેન્દ્ર તરીકે વિકસ્યાં ઉદ્યાનો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના નેતૃત્વમાં રાજ્યના આ ઔષધીય ઉદ્યાનો માત્ર રોપા ઉછેરવાના કેન્દ્રો પૂરતા મર્યાદિત રહ્યા નથી. તેઓ આજે આયુર્વેદિક શિક્ષણ, સંશોધન અને જાગૃતિના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસ્યા છે. દર વર્ષે અંદાજે 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ, સંશોધકો, આયુર્વેદના અભ્યાસીઓ તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આ ઉદ્યાનોની મુલાકાત લે છે. અહીં તેઓ વિવિધ ઔષધીય છોડની ઓળખ, તેના ઔષધીય ગુણધર્મો, ખેતીની પદ્ધતિ અને સંરક્ષણ અંગે પ્રાયોગિક અભ્યાસ કરે છે. આ જીવંત પ્રયોગશાળાઓ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નહીં, પરંતુ પ્રાકૃતિક પરિસ્થિતિમાં ઔષધીય વનસ્પતિઓને સમજવાની અનોખી તક પણ આપે છે.

વર્ષ 2002થી કાર્યરત છે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ

ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડની સ્થાપના વર્ષ 2002માં 'ન નફો, ન નુકસાન'ના ધોરણે કરવામાં આવી હતી. બોર્ડનો મુખ્ય હેતુ આયુર્વેદિક દવાઓ બનાવતી ફાર્મસીઓને ગુણવત્તાયુક્ત ઔષધીય વનસ્પતિ ઉપલબ્ધ કરાવવાનો તેમજ પરંપરાગત ઉપચાર પદ્ધતિને પ્રોત્સાહન આપવાનો છે. બોર્ડ રાજ્યભરમાં ઔષધીય છોડ અંગે જાગૃતિ ફેલાવવાની સાથે ખેડૂતોને ઔષધીય પાકોની વ્યાવસાયિક ખેતી માટે માર્ગદર્શન અને સબસિડી પણ ઉપલબ્ધ કરાવે છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ઔષધીય પાકોની ખેતી તરફ ખેડૂતોનો રસ વધ્યો છે.

આ પણ વાંચો: 2.5 વિઘામાં ફેલાયેલાં ગુજરાતના 500 વર્ષ જૂના વડને બચાવવા કવાયત : ઐતિહાસિક કંથારપુર મહાકાળી વડની વૈજ્ઞાનિક સારવાર શરૂ

ખેડૂતો માટે નવી આવકનું સાધન

બોર્ડ બજારની માંગને ધ્યાનમાં રાખીને વધુ નફાકારક ઔષધીય પાકોની ઓળખ કરે છે અને ખેડૂતોને તેની ખેતી માટે પ્રોત્સાહિત કરે છે. ઔષધીય પાકોની માંગ આયુર્વેદિક દવાઓ, હર્બલ ઉત્પાદનો અને વેલનેસ ઉદ્યોગમાં સતત વધી રહી હોવાથી ખેડૂતો માટે આ ખેતી આવકનું એક નવું અને લાભદાયી સાધન બની રહી છે. ખેડૂતોને સબસિડી ઉપરાંત વાવેતર, સંભાળ, ઉત્પાદન અને માર્કેટિંગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. આ પહેલથી ગ્રામ્ય અર્થતંત્રને પણ મજબૂતી મળી રહી છે.

સંશોધન અને હરિયાળી માટે વિવિધ કાર્યક્રમો

ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા માત્ર રોપા વિતરણ પૂરતું કાર્ય કરવામાં આવતું નથી. બોર્ડ વિવિધ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ સાથે મળીને ઔષધીય વનસ્પતિઓ પર સંશોધન પણ કરે છે.

જંગલ વિસ્તારોમાં ઔષધીય વનસ્પતિઓનું સંવર્ધન, એનજીઓના સહયોગથી હરિયાળી અભિયાન, દુર્લભ ઔષધીય છોડનું સંરક્ષણ અને નવી પ્રજાતિઓના વિકાસ જેવા અનેક કાર્યક્રમો પણ નિયમિત રીતે હાથ ધરવામાં આવે છે.

રાજ્યના આ 7 ઉદ્યાનોમાં ઉપલબ્ધ છે અનેક ઔષધીય છોડ

હાલમાં ગુજરાતમાં સાત સરકારી ઔષધીય ઉદ્યાનો કાર્યરત છે. તેમાં ગાંધીનગર, વાંસદા (રૂપવેલ), ભુજ (નાની રેલડી), રાજપીપળા (જીતનગર), ઝાલોદ (વરોડ), પાલનપુર (વશી-દાંતા) અને આહવા-સાપુતારાનો સમાવેશ થાય છે.

આ ઉદ્યાનોમાં તુલસી, ગળો (ગિલોય), અરડૂસી, શતાવરી, અશ્વગંધા, બ્રાહ્મી, લીંડી પીપર, હરડે સહિત અનેક ઔષધીય વનસ્પતિઓનું સંવર્ધન કરવામાં આવે છે. અહીંથી માત્ર રોપાનું વિતરણ જ નહીં પરંતુ સંશોધન, તાલીમ અને જાગૃતિ

કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

રાજ્ય સરકારની આ પહેલના કારણે ઔષધીય વનસ્પતિઓનું સંરક્ષણ, આયુર્વેદિક પરંપરાનો વિકાસ અને ખેડૂતોની આવકમાં વધારો – ત્રણેય હેતુઓને એકસાથે પ્રોત્સાહન મળી રહ્યું છે. આગામી સમયમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે અને ઘરઆંગણે ઔષધીય છોડનું વાવેતર વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now