Home Gujarat Gujarat Local News Gujarat Police Ahmedabad Crime Branch Fake Currency Yoga Guru Arrested Yoga Guru Pradeepji Ahmedabad Surat

'મારા જ કર્મ મને અહીં લાવ્યા છે' આટલું કહીં ભાંગી પડ્યો યોગગુરુ : જાણો કરોડોની ચલણી નોટો ભરેલી ગાડી સુરતથી અમદાવાદ આવી રહી છે એવી બાતમી મળી પછી પોલીસે શું કર્યું?

'મારા જ કર્મ મને અહીં લાવ્યા છે' આટલું કહીં ભાંગી પડ્યો યોગગુરુ
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 06:01 AM IST

Ahmedabad Fake Currency Yog Guru Case Update: કરોડો રૂપિયાની નકલી ચલણી નોટોની હેરાફેરીને રોકવા પોલીસે જે રીતે સ્પેશિયલ ટીમ બનાવીને ઓપરેશન પાર પાડ્યું એ કોઈ સાઉથની ફિલ્મના સીનથી કમ નહોંતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડીમાંથી 2.10 કરોડની નકલી નોટો સાથે યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયા સહિત કુલ 7 આરોપીની ધરપકડ કરી છે. આ ઓપરેશન 18 માર્ચ 2026ના શરૂ થયું હતું અને 19 માર્ચ બપોરે 3 વાગ્યા સુધી ચાલ્યું હતું. જાણો ઓપરેશન દરમિયાન કેવો હતો માહોલ અને કઈ રીતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યું અત્યાર સુધીનું સૌથી મોટું નકલી ચલણી નોટોનું કૌભાંડ.

અમદાવાદના શાંત લાગતા એક વિસ્તારમાં, 18 માર્ચની સવારથી જ એક અજૂકતી હલચલ શરૂ થઈ ગઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી એક ગુપ્ત બાતમી એ દિવસને સામાન્ય રહેવા દેવાની નહોતી. બાતમી એવી હતી કે સુરતથી એક કાર નકલી નોટોના ભારે જથ્થા સાથે શહેરમાં પ્રવેશી રહી છે. અમદાવાદ પોલીસ માટે પણ આ માત્ર એક રુટિન ચેકિંગ નહોતું. પોલીસ માટે પણ આ એક મોટા ષડયંત્રના પર્દાફાશ કરવાનો મોકો હતો.

પીઆઈ એસ. જે. જાડેજા માટે આ બાતમી ખૂબ જ ગંભીર હતી. તેઓએ તરત જ ઉચ્ચર અધિકારીઓને આ વાતની જાણ કરીને પછી અલગ અલગ ટીમો બનાવવામાં આવી. આ ટાસ્કને પાર પાડવા માટે તાત્કાલિક 4 PSI અને 20 પોલીસકર્મીઓ સાથે કુલ 24 લોકોની સ્કોડ તૈયાર થયું. સ્થળ પસંદ થયું અમરાઈવાડી મેટ્રો સ્ટેશનની આસપાસનો વિસ્તાર. સવારથી જ પોલીસના જવાનો અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ ગયા. દરેકની નજર રસ્તા પર હતી, દરેક પસાર થતી ગાડી શંકાસ્પદ લાગી રહી હતી.

સમય ધીમે ધીમે પસાર થતો ગયો. સવાર બપોરમાં બદલાઈ, પરંતુ તે ખાસ કારનો કોઈ પત્તો નહોતો. પોલીસ માટે રાહ જોવી એ પણ એક પ્રકારની લડાઈ જ હોય છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો તેમ તેમ હવે ભરઉનાળે રસ્તા પર ખાધા પીધાં વિના ગોઠવાયેલાં પોલીસકર્મીઓની ધીરજ પણ ધીરેધીરે ખુટી રહી હતી. પોલસ અધિકારીઓ અને રસ્તા પર ફિલ્ડમાં ગોઠવાયેલાં દરેક જવાનના મનમાં એક જ પ્રશ્ન હતો: “ક્યારે આવશે તે ગાડી?”

આખરે એ સમય આવી જ ગયો. પોલીસની આતુરતાનો અંત આવ્યો. અંતે, બપોરના લગભગ 3 વાગ્યે, એક સફેદ રંગની ફોર્ચ્યુનર કાર દૂરથી દેખાઈ. જેમ જેમ કાર નજીક આવી, પોલીસના દિલની ધબકારા વધવા લાગ્યા. નંબર પ્લેટ પર નજર ગઈ તો GJ 05 અને છેલ્લાં આંકડા 5252. બાતમી સાથે મેળ ખાતો નંબર દૂરથી જ પોલીસને દેખાઈ ગયો! ફિલ્ડમાં ગોઠવાયેલાં પોલીસ જવાનોએ ફિલ્મી સ્ટાઈલમાં એકબીજાને ઈશારો કરી દીધો અને બધા જ એલર્ટ મોડમાં આવી ગયાં. આંખના પલકારામાં જ એક સાથે આ ટાસ્કને પાર પાડવા ઉતરેલી આખે આખી ટીમ સક્રિય થઈ ગઈ. કારને મેટ્રો બ્રિજના પિલ્લર નં. 29 અને 30 વચ્ચે રોકી લેવામાં આવી. બહારથી જોતા આ કાર સામાન્ય લાગતી હતી, પરંતુ તેની ઉપર લખેલું હતું. ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન, રજિસ્ટર્ડ બાય આયુષ મંત્રાલય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા’. આ લખાણે ક્ષણભર માટે શંકા ઊભી કરી, પરંતુ પોલીસ માટે પુરાવા જ મહત્વના હતા, દેખાવ નહીં.

કારમાંથી સાત લોકો બહાર આવ્યા, જેમાં એક યોગ ગુરૂ તરીકે ઓળખાતા પ્રદીપ જોટંગીયા પણ હતા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ જ્યારે પોલીસે કારની તપાસ શરૂ કરી, ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. એક કાળા રંગની બેગ અને એક બોક્સમાંથી રૂપિયા 500ની સેંકડો નોટો મળી આવી. કારમાંથી મળેલી કુલ રકમ 2.10 કરોડ જેટલી હતી. જોકે, તપાસમાં સામે આવ્યું કે કારમાં મુકેલી આ તમામ નોટો નકલી છે.

આ પળે જ આખી ઘટનાની ગંભીરતા સ્પષ્ટ થઈ ગઈ. પોલીસે તમામ આરોપીઓને તરત જ કસ્ટડીમાં લઈ લીધા. પૂછપરછ શરૂ થઈ. શરૂઆતમાં આરોપીઓએ માહિતી આપવામાં થોડી આનાકાની કરી. પણ પછી આપણી ગુજરાત પોલીસે જેવો એનો પરચો બતાવવાની શરૂઆત કરી કે તુરંત જ આરોપીઓ ભાંગી પડ્યાં. પછી તો આરોપીઓ પોપટની માફત પોલીસ સામે ફટાફટ બધું બોલવા લાગ્યાં. ખાસ કરીને સમગ્ર નકલી નોટ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર જે યોગગુરુ પ્રદીપજીના નામે ઓળખાતો હતો તેણે પણ પોતાના ગુનાની કબુલાત કરી લીધી. આરોપીઓ સમજી ગયા હતા કે તેમના પાપનો ઘડો ભરાઈ ચુક્યો છે અને હવે રંગેહાથે પુરાવા સાથે પકડાઈ જવાથી બધા પત્તા ખુલ્લા પડી ગયાં છે. એક બાદ એક તમામ આરોપીઓએ પોલીસ સમજ ગણતરીની મિનિટોમાં જ પોતાની ગુનાની કબુલાત કરી લીધી.

સૌથી વધુ ધ્યાન ખેંચ્યું યોગ ગુરૂ પ્રદીપના શબ્દોએ. જ્યારે પોલીસે તેને પૂછ્યું, ત્યારે તેણે શાંતિથી કહ્યું: “મારા કર્મ જ મને અહીં લાવ્યા છે. આ મારી ભૂલ છે.” એક એવો માણસ, જે લોકો ને યોગ અને આત્મશાંતિ શીખવતો હતો, તે જ આજે ગુનાની જાળમાં ફસાઈ ગયો હતો. આ શબ્દોમાં એક અજીબ પ્રકારની સ્વીકાર્યતા હતી. જેમ કે તેણે પોતાના ભાગ્યને માની લીધું હોય. પરંતુ કાયદા માટે, ગુનો તો ગુનો જ છે. પોલીસ માટે આ માત્ર એક કેસ નહોતો, પરંતુ એક મોટી ચેઇનનો ભાગ હોઈ શકે છે, જેના તાર હજુ શોધવાના બાકી છે.

આ ઓપરેશન લગભગ 24 કલાક સુધી ચાલ્યું હતું. 18 માર્ચની બાતમીથી લઈને 19 માર્ચની બપોર સુધી, પોલીસ સતત સતર્ક રહી. આ ઘટના એ બતાવે છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ કેટલી સુચિત રીતે કરવામાં આવે છે. સરકારી સંસ્થાનું નામ ઉપયોગ કરીને શંકા દૂર કરવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ અંતે, કાયદાની આંખો ચૂકી નથી. એક ચોક્કસ બાતમી, સચોટ આયોજન અને ટીમવર્કના કારણે આ મોટું રેકેટ ઝડપાઈ ગયું. આ ઘટના આપણને એક સાવધાન સંદેશ આપે છે કે બહારથી જે દેખાય છે, તે હંમેશા સાચું નથી હોતું. ક્યારેક યોગ ગુરૂના વેશમાં પણ ગુનાહિત મનસૂબા છુપાયેલા હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now