સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વાગી રહ્યાં છે ભણકારા
રાજકીય પક્ષો માટે આ વખતે કપરાં હશે ચૂંટણીના ચઢાણ
SC-ST અને OBCની અનામત બેઠકોનું શું થશે?
દરેક નવી મહાનગરપાલિકામાં હશે 52 બેઠકો
વોર્ડ દીઠ 4-4 બેઠકોનું બેસાડવામાં આવશે ચોખટું
Gujarat Local Election 2025 Latest Updates: ગુજરાતમાં ફરી જામશે ચૂંટણીઓનો માહોલ. વાગી રહ્યાં છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભણકારા. સૂત્રોની માનીએ તો આગામી એક મહિનાની અંદર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે નવા સીમાંકનની શરૂઆત થઈ જશે. જેને કારણે હવે રાજકીય પક્ષોનું આખું ગણિત બદલાઈ જશે. ચૂંટણી પંચ દ્વારા નવું સીમાંકન નક્કી કરવામાં આવતા રાજકીય પક્ષોનું હાર-જીતનું ફેક્ટર, જાતિગત સમીકરણો અને બેઠકોની ફાળવણી દરેકમાં મોટી ઉથલપાથલ થઈ જશે.
ગુજરાતમાં આગામી મહિનાઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની તૈયારીમાં છે અને આ માટેની પહેલરૂપ કામગીરી તરીકે આવતા એક મહિનામાં ચૂંટણીપંચ દ્વારા નવા સીમાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. જેના અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતો માટેની બેઠકોનું નવું સીમાંકન અને અનામત બેઠકોનું રોટેશન થશે.
9 નવી મહાનગરપાલિકાઓ માટે 52 બેઠકો – 13 વોર્ડનું ફિક્સ ફોર્મેટ:
રાજ્ય સરકારે આ વર્ષે આદ્યવાર 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકા તરીકે જાહેર કરી છે. આમાં મહેસાણા, નડિયાદ, આણંદ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ, નવસારી અને વાપીનો સમાવેશ થાય છે. શહેરીકરણ વધવાના પગલે આ શહેરોની નવો ઢાંચો ઘડવામાં આવ્યો છે. માહિતી અનુસાર દરેક નવી મહાનગરપાલિકામાં 13 વોર્ડ અને કુલ 52 બેઠકો રહેશે.
શેના આધારે થશે નવું સીમાંકન?
સીમાંકન 2011ની વસતિ ગણતરીના આધારે થશે, કારણ કે નવી વસતિ ગણતરી હજુ કરવામાં આવી નથી. દરેક વોર્ડમાં કયા વિસ્તાર, સોસાયટીનો સમાવેશ થશે તે ટૂંક સમયમાં જાહેર થનાર સીમાંકન ઢાંચાથી સ્પષ્ટ થશે.
અનામત બેઠકોમાં રોટેશનથી બદલાશે રાજકીય સ્થિતિ:
બાકી રહેલ વિસ્તારો – એટલે કે જૂની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોમાં બેઠકોની સંખ્યા યથાવત રહેશે. પરંતુ SC/ST અને OBC અનામત બેઠકોમાં રોટેશન થશે, જેના લીધે રાજકીય પક્ષો માટે ઉમેદવાર પસંદગી અને ચૂંટણી પ્રચારની રણનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય ચૂંટણી પંચે હાલમાં જ નવી મહાનગરપાલિકાઓ માટે મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓની નિમણૂક કરી છે, જે આ મુદ્દે આયોજનની શરૂઆતનું સ્પષ્ટ સંકેત આપે છે.
'સ્વરાજ'નો સંગ્રામ:
અગાઉ ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા હતી?
અમદાવાદ
રાજકોટ
સુરત
વડોદરા
ગાંધીનગર
ભાવનગર
જામનગર
જૂનાગઢ
કઈ નવી 9 મહાનગરપાલિકા બની?
મહેસાણા
નડિયાદ
આણંદ
પોરબંદર
સુરેન્દ્રનગર
મોરબી
ગાંધીધામ
નવસારી
વાપી
ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર 9 નગરપાલિકાઓનો મહાનગરપાલિકા દરજ્જો આપવમાં આવ્યો છે. હવે નવી ઉમેરાયેલ 9 મહાનગરપાલિકા સાથે આ સંખ્યા 17 થઈ ગઈ છે – જે રાજ્યના શહેરી વિકાસના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ પગલું છે.
ટેક્સ અંગેની જનતાની ચિંતા:
નવી મહાનગરપાલિકા બને તે વિસ્તારોના નાગરિકોમાં ટેક્સ વધવાની આશંકા ઉઠી છે. જોકે, ટેક્સ વધારવાનો કોઈ ફિક્સ નિયમ નથી. ટેક્સ દર મકાનના પ્રકાર, કદ, જોન અને ઉપયોગ (રહેઠાણ, વેપાર, ધાર્મિક)ના આધારે નક્કી થાય છે. વેરા વધારવા માટે મહાનગરપાલિકા અને સામાન્ય સભા દ્વારા ઠરાવ પાસ થવો જરૂરી છે. મહાનગરપાલિકાની આવક માત્ર વેરા સુધી સીમિત નથી. ટાઉન પ્લાનિંગ ફી, જાહેરાત ફી, અને FSIના દર પણ મહાનગરપાલિકાની આવકના મુખ્ય સ્ત્રોત છે. દર ચાર વર્ષે પ્રોપર્ટી ટેક્સની પુનઃઆકારણી પણ શક્ય છે.
સીમાંકન કેમ જરૂરી છે?
જે રીતે વસતિમાં વધારો થાય છે, તેમ પ્રતિનિધિત્વ સમતુલ્ય રહે તે માટે સીમાંકન અત્યંત આવશ્યક છે. સીમાંકનથી દરેક નાગરિકને યોગ્ય પ્રતિનિધિત્વ મળે છે અને લોકશાહી વધુ મજબૂત બને છે.
વિશેષ જણાવી દઈએ કે વિધાનસભા અને લોકસભાની બેઠકોનું સીમાંકન કેન્દ્રીય સીમાંકન પંચ કરે છે, જ્યારે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે રાજ્ય ચૂંટણી પંચ જવાબદાર છે.
નવા સીમાંકનને કારણે ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓમાં તેજી આવશે. સાથે રાજકીય પાર્ટીઓ માટે નવો ચકરાવ ઉભો થશે. આવતા મહિનામાં શરૂ થનાર સીએમ પ્રક્રિયા અને અનામત બેઠકોના રોટેશનને પગલે રાજકીય પક્ષો માટે મહાનગરપાલિકા ચૂંટણીઓ ‘સેમીફાઈનલ’ સમાન સાબિત થવાની સંભાવના છે. ઉમેદવાર પસંદગી, મતદારોનું મિજાજ, અને જનતાના મુદ્દાઓને આધારે હવે દરેક પક્ષને નવી રીતે રણનીતિ ઘડવી પડશે.






