Home Gujarat Ahmedabad Gujarat Latest News Updates Today 13 July 2026

LiveGujarat Latest News Updates Today : જાણો 13 જુલાઈ 2026ના ગુજરાતના તમામ તાજા અને મહત્ત્વના સમાચાર

Gujarat Latest News Updates Today
Published by: OBS Bureau
Last Updated: Jul 13, 2026, 04:07 AM IST

Gujarat News Live Updates 13 July 2026: આજે 13 જુલાઈ 2026. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના દરેક શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના તમામ સમાચાર જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીની તમામ મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.

લાઈવ અપડેટ્સ
18 મિનિટ પહેલા13 જુલાઈ 2026

વડોદરામાં વકરતો ચાંદીપુરા વાયરસ: શંકાસ્પદ લક્ષણોથી ૯ વર્ષના બાળકનું મોત, અન્ય બે સારવાર હેઠળ

વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક ૯ વર્ષીય માસૂમ બાળકનું મોત નીપજતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગોધરાથી વધુ સારવાર અર્થે વડોદરા લાવવામાં આવેલા આ બાળકને હોસ્પિટલ પહોંચાડાય તે પહેલાં જ તેનું મોત થઈ ચૂક્યું હતું અને તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં વડોદરાની હોસ્પિટલમાં આ વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા અન્ય બે બાળકો સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા બંને બાળકોના સેમ્પલ મેળવી લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સતત વધી રહેલા કેસોને પગલે આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

19 મિનિટ પહેલા13 જુલાઈ 2026

ભ્રષ્ટાચારની પોલ ખૂલી: ડેસર પાસે મૈસરી નદી પર બનેલો નવો પુલ માત્ર ૨૦ જ દિવસમાં ધસી પડ્યો

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના શિહોરા ગામ પાસે કરોડોના ખર્ચે મૈસરી નદી પર બનેલા નવા પુલની વિંગ વોલ સામાન્ય વરસાદમાં જ ધરાશાયી થઈ ગઈ છે. આ પુલને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયાને હજુ માત્ર ૨૦ જ દિવસ થયા છે, ત્યાં જ બાજુમાં મોટો ખાડો પડી જતાં કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, બાંધકામ દરમિયાન જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે નબળા કામ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી હતી, છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા હતા. પુલની આવી હાલતથી વાહનચાલકોમાં ભારે ભય ફેલાયો છે. સ્થાનિકોએ આ કથિત ભ્રષ્ટાચાર સામે ઉચ્ચ સ્તરીય તપાસ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

58 મિનિટ પહેલા13 જુલાઈ 2026

પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર: વધુ એક માસૂમનું મોત, કુલ મૃત્યુઆંક ૩ પર પહોંચ્યો

પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના પ્રકોપથી ગોધરાના મણિપુર ગામના ૧ વર્ષના માસૂમ બાળકનું શંકાસ્પદ લક્ષણોથી મોત નીપજ્યું છે. તબિયત લથડતા તેને અમદાવાદ રીફર કરાતો હતો, પરંતુ રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો. આ સાથે જિલ્લામાં વાયરસના કારણે કુલ મૃત્યુઆંક ૩ પર પહોંચતા વાલીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરીને સંક્રમણ ફેલાવતી ૩૦૦થી વધુ ‘સેન્ડફ્લાય’ માખીઓ લેબ ટેસ્ટિંગ માટે પકડી પાડી છે. તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, ફોગિંગ અને મકાનોની તિરાડો પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now