Home Gujarat Ahmedabad Gujarat Latest News Updates Today 12 July 2026

LiveGujarat Latest News Updates Today : જાણો 12 જુલાઈ 2026ના ગુજરાતના તમામ તાજા અને મહત્ત્વના સમાચાર

Gujarat Latest News Updates Today
Published by: OBS Bureau
Last Updated: Jul 12, 2026, 04:54 AM IST

Gujarat News Live Updates 12 July 2026: આજે 12 જુલાઈ 2026. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના દરેક શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના તમામ સમાચાર જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીની તમામ મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.

લાઈવ અપડેટ્સ
18 મિનિટ પહેલા12 જુલાઈ 2026

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વધુ મોંઘો થવાની આશંકા: વળતર વધારવાના આદેશ સામે હાઈકોર્ટમાં અરજી

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ પ્રોજેક્ટના ચીફ પ્રોજેક્ટ મેનેજર (CPM) દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે. અરજીમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે જો જમીન સંપાદન, પુનર્વસન અને પુનઃસ્થાપન સત્તામંડળ (LARRA) દ્વારા સંપાદિત જમીન માટે વળતરની રકમ વધારવાના આદેશોનો અમલ થશે, તો આશરે રૂ. ૧.૧ લાખ કરોડનો આ મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઘણો વધારે મોંઘો થઈ શકે છે. વળતર વધવાના કારણે પ્રોજેક્ટના કુલ બજેટ પર મોટો આર્થિક બોજ પડવાની શક્યતાને પગલે હવે આ મામલો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે.

21 મિનિટ પહેલા12 જુલાઈ 2026

અમદાવાદમાં ૧૦૧ ઓક્સિજન પાર્કનું લોકાર્પણ: ૨૦૨૯ સુધીમાં ૨૦% ગ્રીનરી વધારવાનો અમિત શાહનો સંકલ્પ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રૂ. ૪૦૫ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે, ૨૦૨૯ની ચૂંટણી સુધીમાં વિસ્તારમાં ૨૦% ગ્રીનરી વધારવાનો તેમનો વ્યક્તિગત સંકલ્પ છે. તેમણે ઉમેર્યું કે ગાંધીનગરમાં ૬૧ અને અમદાવાદમાં ૧૦૧ ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કરાયું છે. ગૃહમંત્રીએ પેરા મિલેટ્રી ફોર્સની પ્રશંસા કરતા જણાવ્યું કે તેમણે ૭ વર્ષમાં ૭ કરોડ વૃક્ષો વાવવાનું કામ પૂરું કર્યું છે. અહીં ૧૦૦ વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષોની પસંદગી કરાઈ છે, જે લાખો પક્ષીઓને ખોરાક આપશે અને અમદાવાદને કુદરતી રીતે હરિયાળું તેમજ પ્રદૂષણમુક્ત બનાવશે.

23 મિનિટ પહેલા12 જુલાઈ 2026

વેરાવળ SMC હુમલા કેસમાં મોટી કાર્યવાહી; ૨૧ આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ મંજૂર

ગીર સોમનાથ: વેરાવળમાં જુગાર ક્લબ પર દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ પર થયેલા હુમલાના કેસમાં કોર્ટે મોટી કાર્યવાહી કરી છે. વેરાવળ કોર્ટે ઝડપાયેલા ૨૧ મહિલા અને પુરુષ આરોપીઓના ૭ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ૮ જુલાઈના રોજ પડેલા આ દરોડા દરમિયાન ઉશ્કેરાયેલા ૪૦ નામજોગ અને ૨૦૦ લોકોના ટોળાએ હુમલો કરતાં PSIને બચાવમાં ૨ રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. આ કેસમાં પોલીસે રાયોટિંગ અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઘટનાને પગલે DIGP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કડક વલણ અપનાવતા વેરાવળ સીટી PI જે. એન. ગઢવી અને LCB PSI એચ. એલ. જેબલિયાને તાત્કાલિક લીવ રિઝર્વ પર ઉતારી દેવાનો આદેશ કર્યો છે.

40 મિનિટ પહેલા12 જુલાઈ 2026

LJIMC દ્વારા મીડિયાના નવા વિદ્યાર્થીઓ માટે ત્રિ-દિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

અમદાવાદ: એલ. જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન્સ (LJIMC) દ્વારા બેચલર ઑફ આર્ટસ ઇન મીડિયા એન્ડ માસ કોમ્યુનિકેશનના નવા શૈક્ષણિક સત્રના વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે એક ત્રિ-દિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 9 જુલાઈથી 11 જુલાઈ, 2026 દરમિયાન યોજાયેલા આ સર્વગ્રાહી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓને મીડિયા ઇકોસિસ્ટમથી વિગતવાર પરિચિત કરાવવાનો હતો. આ ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માહિતી સત્રો, ટીમ-બિલ્ડિંગ પ્રવૃત્તિઓ અને આકર્ષક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.

59 મિનિટ પહેલા12 જુલાઈ 2026

અમદાવાદમાં ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’નો પ્રારંભ: અમિત શાહની હાજરીમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ

અમદાવાદ: અમદાવાદને હરિયાળું બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં સાયન્સ સિટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું કે, લોકોની ભીડ સામે આજે હોલ પણ નાનો પડ્યો છે. આ મેગા ઈવેન્ટ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે રૂ. 405 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં પ્રકૃતિને વેગ આપતા 101 ઓક્સિજન પાર્ક, BRTS માટે 80 નવી એર કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસો અને રૂ. 60.68 કરોડના ખર્ચે બનેલા 188 સરકારી આવાસોનું ઈ-લોકાર્પણ સામેલ છે. આજે શહેરની 403 જગ્યાએ સામૂહિક વૃક્ષારોપણ કરાશે, જેમાં ગૃહમંત્રી પોતે પણ જુદા-જુદા વિસ્તારોમાં ભાગ લેશે.

04:00 AM12 જુલાઈ 2026

પશુપાલકોના પ્રશ્ને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મેદાનમાં: ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

ગાંધીનગર: પશુપાલકોની પડતર માંગણીઓ અને વિવિધ પ્રશ્નોને લઈને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મેદાનમાં આવ્યા છે. પશુપાલકોએ પોતાની સમસ્યાઓ અંગે ધારાસભ્યને રજૂઆત કરી હતી, જેને તેમણે ખૂબ ગંભીરતાથી સાંભળી હતી. ધવલસિંહ ઝાલાએ આ મુદ્દે સરકાર અને સંબંધિત ડેરીના સત્તાધીશો સમક્ષ યોગ્ય રજૂઆત કરીને વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી છે. બીજી તરફ, પશુપાલકોની સ્પષ્ટ માંગ છે કે રાજકારણ કે અંદરોઅંદરની લડાઈમાં તેમનો ભોગ ન લેવામાં આવે. હાલ સમગ્ર પંથકના પશુપાલકોની નજર સરકાર અને ડેરી તંત્રના અંતિમ નિર્ણય પર ટકેલી છે. જો આ વિવાદનો ત્વરિત અને સંતોષકારક ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં પશુપાલકોનું આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.

03:56 AM12 જુલાઈ 2026

મહેસાણા: ગોઝારીયાની હોસ્પિટલમાં દર્દીના સગાંઓનો ઉત્પાત, ડૉક્ટર પર હુમલો કરી જાનથી મારવાની ધમકી આપી

મહેસાણા: મહેસાણાના ગોઝારીયા વિસ્તારમાં આવેલી પ્રમુખ સ્વામી સર્જીકલ હોસ્પિટલમાં તોડફોડ અને ડૉક્ટર પર હુમલો થવાની ચકચારી ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક કેન્સરના દર્દી અચાનક બેભાન થઈ જતાં તેમના સગાંઓ ઉશ્કેરાઈ ગયા હતા અને હોસ્પિટલમાં ભારે ઉત્પાત મચાવ્યો હતો. આ ઉશ્કેરાયેલા શખ્સોએ હોસ્પિટલમાં તોડફોડ કરવા ઉપરાંત 71 વર્ષીય વૃદ્ધ ડૉક્ટર અને તેમના પત્ની સાથે ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં, આરોપીઓએ સારવાર પેટે ચૂકવેલા ₹2 લાખ પરત મેળવવા બાબતે ડૉક્ટરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર મામલે પોલીસે તુરંત કાર્યવાહી કરીને ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now