ગુજરાત હાઈકોર્ટે આસારામ આશ્રમ પાસેથી મોટેરાની જાહેર જમીન પરત લેવા રાજ્ય સરકારના પગલાને લીલીઝંડી આપી છે. હાઈકોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદા બાદ 45,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારની જમીન હવે ફરી રાજ્ય સરકારના નિયંત્રણમાં આવવાની દિશામાં છે. આ જમીન અમદાવાદના અતિ મહત્વના અને વ્યૂહાત્મક સ્થળે આવેલી છે. વિવાદિત જમીન મોટેરા વિસ્તારમાં આવેલી છે, જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાજુમાં આવે છે. મોટેરા વિસ્તાર હવે શહેરના રમતગમત અને ભવિષ્યના વિકાસનું કેન્દ્ર બની રહ્યો છે. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે તૈયારીઓ કરી રહ્યું છે અને ભવિષ્યમાં ઓલિમ્પિક્સ આયોજિત કરવાની પણ યોજના ધરાવે છે. આવી સ્થિતિમાં આ કિંમતી જમીન પરત મળવી રાજ્ય સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સરકાર દ્વારા આગામી સમયમાં આ જમીનનું વિકાસ કાર્ય હાથ ધરવામાં આવશે.
આસારામનું અમદાવાદનું સરનામું વિખાઈ જશે
કોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા મજબૂત અને હકીકત આધારિત દલીલો રજૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે દાયકાઓ પહેલાં આશ્રમને આ જમીન માત્ર મર્યાદિત ધાર્મિક ઉપયોગ માટે ફાળવવામાં આવી હતી. જમીન ફાળવણી સમયે સ્પષ્ટ શરતો મુકવામાં આવી હતી કે તેમાં કોઈ વ્યાવસાયિક પ્રવૃત્તિ નહીં થાય, કોઈ અનધિકૃત બાંધકામ નહીં થાય અને તમામ જરૂરી મંજૂરીઓનું પાલન કરવું પડશે. પરંતુ સમય જતાં આશ્રમે ફાળવેલી જમીન કરતાં ઘણો વધુ વિસ્તાર કબજે કરી વ્યાપક બાંધકામ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. રાજ્યના કેસને વધુ મજબૂત બનાવતી બાબત એ હતી કે આશ્રમ દ્વારા વારંવાર ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે અરજીઓ કરવામાં આવી હતી, જેનાથી અનધિકૃત બાંધકામ થયાનું સ્વીકાર થતું હોવાનું કોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું.
શહેરના વિકાસ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે
રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા મુખ્ય સરકારી વકીલ જી. એચ. વિરકે દલીલ કરી હતી કે આ નિર્ણય કોઈ અચાનક લેવામાં આવેલ પગલું નથી કે કોઈ વહીવટી અતિશયતા નથી, પરંતુ લાંબી અને ન્યાયસંગત પ્રક્રિયાનું પરિણામ છે. તેમણે જણાવ્યું હતું કે આશ્રમને જરૂરી કરતાં વધુ વખત નોટિસ આપવામાં આવી હતી અને અનેક વખત સુનાવણીનો મોકો પણ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું હતું કે જાહેર જમીન પર ધીમે ધીમે અતિક્રમણ કરીને બાદમાં તેને કાયદેસર બનાવવાનો પ્રયાસ સ્વીકાર્ય નથી. જમીનના દુરુપયોગ અંગે જાહેર ચિંતા વધતાં વહિવટીતંત્રએ પણ પગલાં લીધાં હતા. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટેરા સ્થિત આશ્રમમાં આવેલી 30થી વધુ ગેરકાયદેસર રચનાઓને નિયમિત કરવાની અરજીઓને નામંજૂર કરી દીધી હતી. AMCએ સ્પષ્ટ કર્યું હતું કે આવા સંવેદનશીલ અને મહત્વના શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર બનાવી શકાય નહીં. હાઈકોર્ટના આ ચુકાદા બાદ લાંબા સમયથી કાનૂની ગૂંચવણમાં ફસાઈ રહેલી આ વિશાળ જમીન હવે રાજ્ય સરકાર પાસે પરત આવશે અને આગામી સમયમાં શહેરના વિકાસ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે.




















