- રાજ્યમાં સરેરાશ 46.89 ટકા વરસાદ
- ચાલુ સિઝનમાં 42 તાલુકામાં સરેરાશ 40 ઇંચ વરસાદ
- રાજ્યના 34 ડેમ હાઈએલર્ટ,20 એલર્ટ 19 વોર્નિંગ પર
- અત્યાર સુધીમાં 4,278 નાગરિકોનું સલામત સ્થળાંતર
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સરેરાશ 46.89 ટકાની સામે કચ્છમાં સૌથી વધુ 56 ટકા વરસાદ થયો છે.આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 51.12 ટકા, સૌરાષ્ટ્રમાં 45.92 ટકા, પૂર્વ મધ્યમાં 45.29 ટકા અને ઉત્તર ગુજરાતમાં 41.62 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ચાલુ સિઝનમાં રાજ્યના 42 તાલુકામાં સરેરાશ 40 ઇંચ સુધી, 15 તાલુકામાં 80 ઇંચ સુધી જ્યારે 126 તાલુકાઓમાં સરેરાશ 10 થી 20 ઈંચ સુધી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં બોરસદમાં અંદાજે ચાર ઇંચ, ગોધરામાં 3.7, ગાંધીધામમાં 2.3, ગાંધીધામમાં 2.2 તેમજ દેવભૂમિ દ્વારકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 34 ડેમ હાઈએલર્ટ, 20 એલર્ટ 19 વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 48.21 ટકા જેટલો જળસંગ્રહ ઉપલબ્ધ છે.
ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથી 4,278 નાગરિકોનું સલામત સ્થળાંતર જ્યારે 685નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ મોટાભાગના રોડ-રસ્તા તેમજ એસ.ટી બસના રૂટ કાર્યરત છે.






