Home Gujarat Ahmedabad Gujarat Government University Car Pooling Public Transport Green Campus

ઈંધણ બચાવવા ગુજરાત યુનિવર્સિટીની પહેલ : PM મોદીની અપીલ બાદ 'કાર પુલિંગ' અને જાહેર પરિવહનનો આદેશ

Ahmedabad News
Published by: Viral Patel
Last Updated: May 12, 2026, 01:14 PM IST

Ahmedabad News: વૈશ્વિક સ્તરે સર્જાયેલા ઈંધણ સંકટ અને વધતા જતા આર્થિક પડકારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા જે અપીલ કરી હતી, તેનો અમલ કરવામાં ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ સરકારી યુનિવર્સિટી બની છે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ઈંધણની બચત માટે 'કાર પુલિંગ' અને જાહેર પરિવહનનો ઉપયોગ ફરજિયાત બનાવતો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શું છે ગુજરાત યુનિવર્સિટીનો નવો નિર્ણય?

વડાપ્રધાનની અપીલને ગંભીરતાથી લેતા ગુજરાત યુનિવર્સિટીએ એક સત્તાવાર પરિપત્ર જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ નિર્ણય મુજબ યુનિવર્સિટીના જે અધિકારીઓ કે કર્મચારીઓ પોતાની ખાનગી કાર લઈને આવે છે, તેમણે તેમની આસપાસ કે રસ્તામાં રહેતા અન્ય સહકર્મચારીઓને સાથે લાવવા પડશે. આનાથી રસ્તા પર વાહનોની સંખ્યા ઘટશે અને વ્યક્તિગત ઈંધણનો ખર્ચ પણ બચશે. કર્મચારીઓને મેટ્રો ટ્રેન, ઈવી બસ (AMTS/BRTS) જેવા જાહેર પરિવહન સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો : આદિત્ય રાઠોડ ઝડપાયો, 2 આરોપી ફરાર

કુલપતિ નીરજા ગુપ્તાનું નિવેદન

આ અંગે વિગતો આપતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, "દેશહિતમાં ઈંધણની બચત કરવી જરૂરી છે. અમે તમામ કર્મચારીઓને અપીલ કરી છે કે જેઓ કાર લઈને આવે છે તેઓ અન્ય સાથી કર્મચારીઓને પણ સાથે લાવે. આ બાબતે ટૂંક સમયમાં જ વિગતવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે."

વર્ક ફ્રોમ હોમ અંગેની સ્થિતિ

પીએમ મોદીએ શક્ય હોય ત્યાં 'વર્ક ફ્રોમ હોમ' (WFH) આપવાની વાત પણ કરી હતી. જોકે, ગુજરાત યુનિવર્સિટીમાં હાલ આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી નથી. તેનું મુખ્ય કારણ એ છે કે હાલમાં યુનિવર્સિટીની ફાઈનલ પરીક્ષાઓ ચાલી રહી છે, જેમાં નોન-ટીચિંગ સ્ટાફની હાજરી અનિવાર્ય છે. કુલપતિના જણાવ્યા મુજબ, પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ પરિસ્થિતિની સમીક્ષા કરીને ઓનલાઈન કામગીરી કે વર્ક ફ્રોમ હોમ અંગે વિચારણા કરવામાં આવી શકે છે.

અમદાવાદમાં 133 કિલો ગૌ-માસ સાથે 2 આરોપી ઝડપાયા : દાણીલીમડા પોલીસે ₹3.43 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

PM મોદીએ વડોદરાથી કરી હતી ખાસ અપીલ

નોંધનીય છે કે, ૧૧ મેના રોજ વડોદરા ખાતે આયોજિત સરદારધામ-૩ ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલા આર્થિક સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતના આયાત બિલનો મોટો હિસ્સો ક્રૂડ ઓઈલ છે. યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે, તેથી પેટ્રોલ-ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. લોકોએ શક્ય હોય ત્યાં મેટ્રો, ઈલેક્ટ્રિક બસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. સરકારી અને ખાનગી કચેરીઓ તેમજ શાળાઓએ ઓનલાઈન ક્લાસ અને વર્ચ્યુઅલ મીટિંગ્સને પ્રાધાન્ય આપવું જોઈએ. વડાપ્રધાને દેશના નાણાકીય હિતમાં સોનાની બિનજરૂરી ખરીદી ટાળવા પણ વિનંતી કરી હતી.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલું આ પગલું અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓ માટે પણ માર્ગદર્શક સાબિત થશે. જો દરેક નાગરિક અને સંસ્થા આવા નાના-નાના સંકલ્પો કરે, તો રાષ્ટ્રીય સ્તરે ઉર્જાની બચત અને આર્થિક સ્થિરતા લાવવામાં મોટી મદદ મળી શકે છે.

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની પત્નીના મોત કેસે લીધું ઉગ્ર સ્વરૂપ : કમિશનર કચેરીએ ટોળું ઊમટ્યું, ઉચ્ચારી ધરણાંની ચીમકી


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now