બંગાળ અને વડોદરામાં PM મોદીની પેટ્રોલ-ડીઝલ બચવવાની અપીલ બાદ ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા અને સરકારી ખર્ચને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નવા નિર્દેશ મુજબ હવે રાજ્યના નોન-કેટેગરી મંત્રીઓને કોન્વોય (Convoy) સુવિધા આપવામાં નહીં આવે. આ નિર્ણય બાદ હવે માત્ર મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને જ સત્તાવાર કોન્વોય કેટેગરી હેઠળ સુરક્ષા કાફલો ઉપલબ્ધ રહેશે.
મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા વ્યવસ્થાના પુનર્મૂલ્યાંકન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી કેટલાક મંત્રીઓને સત્તાવાર પ્રવાસ અને કાર્યક્રમો દરમિયાન કોન્વોય વાહનો આપવામાં આવતા હતા, પરંતુ હવે નવી વ્યવસ્થા હેઠળ “નોન કેટેગરી”માં આવતા તમામ મંત્રીઓ માટે આ સુવિધા બંધ કરવામાં આવશે.
માત્ર CM અને Dy CM પાસે રહેશે કોન્વોય સુવિધા
નવી માર્ગદર્શિકા મુજબ હવે રાજ્યમાં માત્ર CM અને DyCM ને જ કોન્વોય કેટેગરી હેઠળ સુરક્ષા કાફલો ફાળવવામાં આવશે. બાકીના તમામ મંત્રીઓને સામાન્ય સુરક્ષા વ્યવસ્થા હેઠળ જ પ્રવાસ કરવો પડશે.
સરકારી વર્તુળોમાં ચર્ચા છે કે આ નિર્ણય પાછળ બે મુખ્ય કારણો છે - એક તરફ સુરક્ષા તંત્ર પરનો વધતો ભાર ઘટાડવો અને બીજી તરફ સરકારી ખર્ચ તથા ઈંધણ બચત તરફ આગળ વધવું. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સરકારી કાફલાઓના વધતા ઉપયોગને લઈને પ્રશ્નો ઉઠતા રહ્યા હતા.
અચાનક VIP કાફલો છોડીને કેમ માત્ર બે જ ગાડીઓ લઈને રાજુલા પહોંચ્યા CM?: રાજ્યપાલ, DyCM અને મંત્રીઓએ પણ લીધો મોટો નિર્ણય
ઈંધણ બચત અને ખર્ચ નિયંત્રણ પર ફોકસ
તાજેતરમાં વૈશ્વિક સ્તરે વધતી ઈંધણ અનિશ્ચિતતા અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ઈંધણ બચત અંગે આપવામાં આવેલી અપીલ વચ્ચે ગુજરાત સરકારનો આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સરકારી કાફલાઓમાં અનેક વાહનોનો ઉપયોગ થતો હોવાથી ઈંધણનો મોટો ખર્ચ થતો હતો.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સરકાર હવે “મિનિમમ ગવર્નમેન્ટ ખર્ચ”ના મોડલ તરફ આગળ વધી રહી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના રાજ્યપાલ Acharya Devvratએ પણ હેલિકોપ્ટર અને સરકારી વિમાનનો ઉપયોગ ટાળીને ટ્રેન અને ST બસમાં મુસાફરી કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. હવે મંત્રીઓ માટે કોન્વોય સુવિધા મર્યાદિત કરવાનો નિર્ણય પણ એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.
PM મોદીની 'અપીલ'ની ગુજરાતમાં અસર: રાજ્યપાલ ST-Train માં ફરશે તો DyCM એ વિદેશ પ્રવાસ કર્યો રદ્દ!
હાલ સરકાર તરફથી આ નિર્ણય અંગે સત્તાવાર વિગતવાર પરિપત્ર જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે. જોકે, વહીવટી સ્તરે આ નિર્ણયને અમલમાં મૂકવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.





