Agirculture: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિ ધીમી પડતાં ખેડૂતોમાં ચિંતા વધી રહી હતી. અનેક જિલ્લાઓમાં વાવણી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઉભા પાકને પાણીની જરૂરિયાત ઉભી થઈ છે. આવી સ્થિતિમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતો વીજ પુરવઠો મળી રહે અને પાકને નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના ઊર્જા વિભાગે ખેતીવાડી માટે અપાતી ખેત વીજળીના કલાકોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી ખેડૂતોને નિયમિત રીતે 8 કલાક વીજ પુરવઠો આપવામાં આવતો હતો, પરંતુ હવે આગામી એક મહિના સુધી ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી લાખો ખેડૂતોને સીધો લાભ મળશે અને સિંચાઈ કામગીરી સરળ બનશે.
વરસાદની અનિશ્ચિતતા વચ્ચે ખેડૂતોને મોટી રાહત
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ચિંતિત બન્યા હતા. ખાસ કરીને કપાસ, મગફળી, મકાઈ, સોયાબીન અને અન્ય ખરીફ પાકોમાં પૂરતા ભેજની જરૂરિયાત હોય છે. વરસાદના અભાવે ખેડૂતોને સિંચાઈનો સહારો લેવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે વીજ પુરવઠાના સમયમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેથી ખેડૂતો સમયસર પાકને પાણી આપી શકે અને વાવેતર તેમજ પાકના વિકાસ પર કોઈ નકારાત્મક અસર ન પડે.
હવે સતત 10 કલાક મળશે વીજળી
સરકારના નવા નિર્ણય મુજબ રાજ્યના ખેડૂતોને ખેતી માટે 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે. એટલે કે દરરોજ બે કલાક વધારાની વીજળી ઉપલબ્ધ થશે. આ વ્યવસ્થા આગામી એક મહિના સુધી અમલમાં રહેશે. જો વરસાદની સ્થિતિમાં સુધારો નહીં થાય તો આગળ પણ પરિસ્થિતિની સમીક્ષા કરીને જરૂરી નિર્ણય લેવામાં આવી શકે છે.
ઊર્જા વિભાગે વીજ કંપનીઓને આપી તાત્કાલિક સૂચના
રાજ્યના ઊર્જા વિભાગે ગુજરાતની તમામ સરકારી વીજ વિતરણ કંપનીઓને તાત્કાલિક અસરથી આ નિર્ણયનો અમલ કરવા માટે સૂચનાઓ આપી દીધી છે. ખાસ કરીને જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો હોય અથવા જ્યાં ખેડૂતો દ્વારા વધારાની વીજળીની માંગણી કરવામાં આવી રહી હોય તેવા વિસ્તારોને પ્રાથમિકતા આપવાની પણ સૂચના આપવામાં આવી છે. વીજ કંપનીઓને ખેડૂતો સુધી સમયસર અને નિયમિત વીજ પુરવઠો પહોંચે તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી હવે નજીક? : જાણો ક્યારે જામશે રાજ્યમાં વરસાદી માહોલ
પાકને નુકસાનથી બચાવવાનો પ્રયાસ
કૃષિ નિષ્ણાતોના મતે ચોમાસાની શરૂઆતના તબક્કામાં જો વરસાદ લાંબા સમય સુધી ખેંચાય તો નવી વાવેલી ખેતી પર તેની સીધી અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં સિંચાઈ જ પાકને બચાવવાનો સૌથી અસરકારક વિકલ્પ બને છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ડીઝલ પંપ અથવા અન્ય મોંઘા વિકલ્પો પર નિર્ભર રહેવાની જરૂર ઓછી પડશે અને સિંચાઈ ખર્ચમાં પણ રાહત મળશે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ
સરકારની જાહેરાત બાદ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેડૂત સંગઠનોનું માનવું છે કે વરસાદની અનિશ્ચિત સ્થિતિમાં આ નિર્ણય સમયોચિત અને જરૂરી છે. ખેડૂતોને આશા છે કે, આગામી દિવસોમાં સારો વરસાદ થશે, પરંતુ ત્યાં સુધી વધારાના વીજ પુરવઠાના કારણે પાકને જરૂરી પાણી મળી રહેશે અને ઉત્પાદન પર કોઈ અસર નહીં થાય.





