Compulsory Retirement: ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને લઈને એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર હવે 55 વર્ષની વય પૂર્ણ કરી ચૂકેલા કર્મચારીઓના કામકાજ અને પ્રદર્શનની સમીક્ષા કરશે. જો કોઈ કર્મચારીના કામમાં બેદરકારી, શિથિલતા અથવા અસંતોષકારક દેખાવ જોવા મળશે, તો સરકાર આવા કર્મચારીઓને સમય પહેલાં ફરજિયાત નિવૃત્તિ (Compulsory Retirement) આપી શકે છે. સરકારના આ નિર્ણય બાદ વિવિધ વિભાગોના કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે.
રાજ્ય સરકારે કર્મચારીઓની માહિતી માંગી
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે તમામ વિભાગો પાસેથી એવા કર્મચારીઓની વિગતો માંગી છે જેમણે છેલ્લા છ મહિનામાં 55 વર્ષની વય પૂર્ણ કરી છે અથવા ટૂંક સમયમાં પૂર્ણ કરવા જઈ રહ્યા છે. સરકારે ગ્રુપ-1 થી લઈને ગ્રુપ-4 સુધીના તમામ કર્મચારીઓનો સંપૂર્ણ રેકોર્ડ મંગાવ્યો છે. વિભાગોને સૂચના આપવામાં આવી છે કે 30 મે સુધીમાં કર્મચારીઓની માહિતી હિસાબ અને તિજોરી નિયામકની કચેરીને મોકલી દેવામાં આવે.
ઈંધણ બચાવવા ગુજરાત યુનિવર્સિટીની પહેલ : PM મોદીની અપીલ બાદ 'કાર પુલિંગ' અને જાહેર પરિવહનનો આદેશ
11 મુદ્દાઓના આધારે થશે તપાસ
સરકાર કર્મચારીઓની કાર્યક્ષમતાની તપાસ અંદાજે 11 અલગ-અલગ મુદ્દાઓ પર કરશે. જેમાં કર્મચારીઓની કાર્યશૈલી, શિસ્ત, કામ પ્રત્યેનું વલણ, કાર્યક્ષમતા, ફરિયાદો અને વિભાગીય રેકોર્ડ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવશે. જે કર્મચારીઓનું પ્રદર્શન સંતોષકારક નહીં જણાય, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
બેદરકારી કે ઢીલાશ હવે સહન કરવામાં નહીં આવે
રાજ્ય સરકારનું માનવું છે કે સરકારી કામકાજમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ઢીલાશ હવે સહન કરવામાં આવશે નહીં. સરકાર વહીવટીતંત્રને વધુ સક્રિય અને જવાબદાર બનાવવા માંગે છે. આ જ કારણ છે કે વિવિધ વિભાગોમાં કર્મચારીઓના પ્રદર્શનની સમીક્ષા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
અગાઉ પણ સરકારે લીધો હતો આવો નિર્ણય
જોકે, ગુજરાત સરકારે આવું પગલું ભર્યું હોય તેવું આ પહેલીવાર નથી. આ પહેલા પણ સરકારે નિયમોમાં ફેરફાર કરીને એવી વ્યવસ્થા લાગુ કરી હતી કે જો કોઈ કર્મચારી કામમાં અક્ષમ જણાય તો તેને 58 વર્ષની સામાન્ય નિવૃત્તિ વય પહેલા 50 કે 55 વર્ષની ઉંમરે પણ નિવૃત્ત કરી શકાય છે. સરકારના આ નિર્ણયને વહીવટી કડકાઈ તરીકે જોવામાં આવી રહ્યો છે. બીજી તરફ, કર્મચારી સંગઠનોમાં આ નિર્ણયને લઈને ચિંતાનો માહોલ છે. માનવામાં આવે છે કે આગામી દિવસોમાં આ મુદ્દે કર્મચારી સંગઠનોની પ્રતિક્રિયા પણ સામે આવી શકે છે.





