Home Agriculture Gujarat Good News For Mango Lovers

કેરીરસિકો આનંદો : કેરી ખાવા માટે તમારે ઝાઝી રાહ નહીં જોવી પડે

કેરીરસિકો આનંદો
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2025, 09:59 AM IST

 દર ઉનાળે પહેલા રાહ જોવી પડતી હતી કે હવે કેરી આવશે... હવે કેરી આવશે. કેરીના રસિકો રાહ જોઈને થાકી જતા હતા, પરંતુ છેક ચૈત્ર મહિનો પૂર્ણ થાય ત્યારે બજારમાં સારી કેરી જોવા મળતી હતી. પરંતુ આ વખતે તો કેરીએ કમાલ કરી છે. બજારમાં વહેલી પહોંચવા માટેની તૈયારી થઈ ગઈ છે.  અને એ પણ ગીરની કેસર અને વલસાડની આફૂસ.

દર વર્ષ કરતા વહેલી આવશે

ઉનાળાની સિઝનમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે જો કોઈ હૈયાને ટાઢક આપતું હોય તો તે કેરી છે. ઉનાળાનો આકરો તાપ ભલે લોકોને પસંદ ના આવતો હોય, પરંતુ આ ઉનાળામાં ખવાતી કેરીની લોકો કાગડોળે રાહ જોતા હોય છે.  પરંતુ આ વર્ષે કેરીરસિકોને નિરાશ નહીં થવું પડે. કારણકે મોડી પણ નથી આવવાની, અને ઓછી પણ નહીં આવે.  કેરીરસિકો કેરીનો આસ્વાદ દર વર્ષની સરખામણીએ આ વર્ષે વહેલો માણી શકશે.  વલસાડની આફૂસ કેરીનો આસ્વાદ માણવા તમારે વધારે રાહ જોવી નહીં પડે. વલસાડમાં આ વર્ષે કેરીનો પાક વહેલો થવાની પૂરેપૂરી સંભાવના છે. ના માત્ર વહેલો પરંતુ આફૂસ કેરીનો મબલખ પાક બજારમાં ઉતરી શકે છે.  આમ તો ફળોના રાજા એટલે કે કેરીની સિઝન આવવાને હજી મહિનાઓની વાર છે. જોકે વલસાડની વાડીઓમાં તમામ આંબાઓ પર મોર ઝૂલતા જોવા મળી રહ્યા છે. વલસાડના સરોધી ગામની વાડીના આ દ્રશ્યો જુઓ અત્યારથી કેટલાક આંબાઓ પર કેરીઓ ઝૂલવા લાગી છે. ખેડૂતોને આશા છે કે ગત વર્ષ કરતા આ વર્ષે કેરીની સારી સિઝન રહેશે. બજારમાં જો વહેલી કેરી આવી જાય તો તેના સારા ભાવ મળે, જેનો સીધો ફાયદો ખેડૂતોને થઈ શકે છે.

ગીરની કેસર પણ રાહ નહીં જોવડાવે

કેરીની જ્યારે વાત નીકળે ત્યારે નજર સમક્ષ સૌથી પહેલા ગીરની કેસર આવી જાય.  કેસર કેરીનો સારો પાક થવાના કારણે ના માત્ર ખેડૂતો પરંતુ કેરી રસિકો પણ ખુશખુશાલ થવાના છે.   કૃષિ નિષ્ણાંતોના મતે બજારમાં આ વખતે કેસર કેરી વહેલી આવી શકે છે.  છેલ્લા 5 વર્ષની સરખામણીએ આ વર્ષે બજારમાં સૌથી વધારે કેરીઓ ઉતરવાની છે....  ખેડૂતો અને બગીચામાલિકો આ વર્ષે કેરીના પાકને લઈ આશાવાદ છે. ફળોનો રાજા કહેવાતી કેસરની વિદેશમાં પણ ખૂબ ડિમાન્ડ રહે છે. ગુજરાતમાં અંદાજિત પોણા 2 લાખ હેકટરમાં આંબા તૈયાર કરાય છે.  વલસાડ, નવસારી અને ગીર સોમનાથમાં સૌથી વધારે કેરીને પાક તૈયાર થાય છે. ગીર સોમનાથમાં 16 હજાર હેકટર જમીનમાં આંબાના છોડ હોય છે. આ વર્ષે આંબા પર મોર સારા થવાના કારણે કેરીનું મબલખ ઉત્પાદન થાય તેવી ખેડૂતોને આશા છે. મહત્વનું છે કે આ વર્ષે કેસર કેરીમાં કોઈપણ પ્રકારનો રોગ જોવા મળ્યો નથી. 20 એપ્રિલ સુધીમાં કેસર કેરી પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે તેવો આશાવાદ છે.

 કઈ કેરી સૌથી પહેલા આવે?

મહત્વનું છે કે દેશમાં સૌથી પહેલા મહારાષ્ટ્રના રત્નાગિરી અને દેવગઢની કેરી બજારમાં આવતી હોય છે.  રત્નાગીરી અને દેવગઢમાં કેરીના પાક માટે અનુકૂળ વાતાવરણ હોય છે, જેથી અહી કેરીનો પાક વહેલો તૈયાર થઈ જાય છે.  ગુજરાતમાં તમામ વિસ્તારોમાં કેરીની સિઝન મે મહિનામાં શરૂ થઈ જાય છે,  પરંતુ આ વર્ષે એપ્રિલના મધ્ય કે અંતભાગમાં સારી કેરી બજારમાં આવી જશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે. ગુજરાત ફળોના રાજા કહેવાતા કેરીને એક કે બે નહીં પરંતુ 59 દેશોમાં નિકાસ કરે છે.  ગુજરાતમાં કેરીનું ઉત્પાદન ભલે સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં થાય પરંતુ ગીર અને જૂનાગઢની કેરી સૌથી વધારે પ્રખ્યાત છે. આરબ દેશોમાં ભારત સૌથી વધારે કેરી નિકાસ કરે છે. કુલ એક્સપોર્ટનું 44 ટકા કેરીનો જથ્થો તો આરબ દેશોમાં મોકલાય છે. તે બાદ યુકેમાં 22 ટકા કેરીનો જથ્થો નિકાસ કરવામાં આવે છે. જોયું દૂર દૂર સુધી સાત સમુંદર પાર પણ આપણી કેરી લોકોને કેટલી મીઠી લાગે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now