Home Gujarat Gujarat Gas Officers Transfer Notification 21 July 2026

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર : IAS બાદ GAS અધિકારીઓની બદલી, જુઓ લિસ્ટ

સ્વર્ણિમ સંકૂલ
Published by: Chintan Chavda
Last Updated: Jul 21, 2026, 06:57 AM IST

ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતાં ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના ક્લાસ-1 (સિલેક્શન/સિનિયર સ્કેલ)ના 13 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોનો આદેશ જાહેર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (General Administration Department-GAD) દ્વારા 21 જુલાઈ, 2026ના રોજ આ અંગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યના ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, ગ્રાહક સુરક્ષા, પરિવહન, પ્રવાસન, ખાણ-ખનિજ અને સ્થાનિક સ્વરાજ્ય સાથે જોડાયેલા અનેક મહત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે.

આ વહીવટી ફેરફારો રાજ્યના વિવિધ વિભાગોની કામગીરીને વધુ અસરકારક બનાવવા અને વહીવટી વ્યવસ્થામાં ગતિ લાવવાના હેતુથી કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. બદલીના આદેશમાં કેટલાક અધિકારીઓને નવા જિલ્લાઓમાં જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે કેટલાકને રાજ્યસ્તરની મહત્વપૂર્ણ કચેરીઓમાં નિમણૂક આપવામાં આવી છે.

આ અધિકારીઓની થઈ બદલી

જાહેર કરાયેલા આદેશ મુજબ અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ આયોગના રજિસ્ટ્રાર વી.કે. પટેલને ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગ્રિમકો (GRIMCO)ના મેનેજિંગ ડિરેક્ટર એ.કે. પ્રજાપતિને અરવલ્લી-મોડાસા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના ડિરેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે.

ભાવનગરના પ્રાદેશિક મ્યુનિસિપાલિટી કમિશનર કચેરીમાં એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવતા ડી.એન. સતાણીને નાગરિક પુરવઠા નિયામક કચેરીમાં સંયુક્ત નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA)ના મુખ્ય કાર્યકારી અધિકારી જી.વી. મિયાણીને ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડના સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

નર્મદા-રાજપીપળા DRDAના ડિરેક્ટર વાય.એસ. ચૌધરીને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનમાં સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી આપવામાં આવી છે.

વલસાડ DRDAના ડિરેક્ટર એ.કે. કળસારિયાને કમિશનર ઓફ જિયોલોજી એન્ડ માઇનિંગ કચેરીમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રમતગમત, વલસાડ, અમરેલી અને ગાંધીનગરમાં પણ ફેરફાર

ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે ફરજ બજાવતા એમ.આર. પ્રજાપતિને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે.

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ના જનરલ મેનેજર કે.એસ. ડાભીને વલસાડના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અમરેલીના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર ડી.એમ. ગોહિલને સુરત વિશ્લેષણ સમિતિના સંયુક્ત કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે SPIPAના ડેપ્યુટી ડિરેક્ટર એ.એ. ડોડિયાને અમરેલીના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી : 28 અધિકારીઓની જવાબદારીમાં ફેરફાર, અનેક મહાનગરપાલિકા અને જિલ્લા વિકાસ અધિકારીઓ બદલાયા

ગાંધીનગરમાં પણ મહત્વની જવાબદારીઓ બદલાઈ

પરિવહન કમિશનર કચેરીમાં OSD તરીકે ફરજ બજાવતા પી.સી. દવેને ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બી.આર. આહીરને પરિવહન કમિશનર કચેરીમાં OSD તરીકે બદલી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી હેલ્પલાઇન કોઓર્ડિનેશન યુનિટના ડિરેક્ટર કુમારી કે.બી. પટેલને કમિશનર ઓફ જિયોલોજી એન્ડ માઇનિંગ કચેરીમાં એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સામાન્ય વહીવટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. અંજુ શર્માના હસ્તાક્ષરથી જાહેર કરાયેલા આ આદેશનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now