ગુજરાતમાં જળસંચય અને સિંચાઈ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ટેકનોલોજીકલ પહેલ શરૂ થઈ છે. રાજ્યમાં પ્રથમ વખત સાઉથ કોરિયન રબર બ્લેડર ટેકનોલોજી અને જાપાનીઝ ડિઝાઈન આધારિત બે અત્યાધુનિક 'એર-ફિલ્ડ રબર ડેમ'નું નિર્માણ થઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના રાજવાસણા ખાતે હેરણ નદી પર અને તાપી જિલ્લાના પાઠકવાડી ખાતે અંબિકા નદી પર આ બંને ડેમનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકારનું માનવું છે કે આ પ્રોજેક્ટ માત્ર પાણીના સંગ્રહમાં વધારો નહીં કરે, પરંતુ ખેડૂતોને સિંચાઈ, પીવાના પાણી અને પૂર નિયંત્રણમાં પણ લાંબા ગાળે મોટો લાભ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘કેચ ધ રેઈન’ અભિયાનને વધુ અસરકારક બનાવવા અને રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી પાણીની ઉપલબ્ધતા વધારવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જળ સંપત્તિ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ બંને પ્રોજેક્ટનું કામ હાલ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે.
રાજવાસણા રબર ડેમથી 25 ગામોને મળશે સંજીવની
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પર અંદાજે ₹82.97 કરોડના ખર્ચે આધુનિક રબર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે. આ ડેમનું લગભગ 75 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને સપ્ટેમ્બર 2027 સુધીમાં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ ડેમમાં 180 મીટર લાંબું અને 3.5 મીટર ઊંચું રબર બ્લેડર સ્થાપિત કરવામાં આવશે. જેના કારણે અંદાજે 3.5 મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણીનો સંગ્રહ શક્ય બનશે. આ પાણીનો સીધો લાભ આસપાસના 25 ગામોના લગભગ 3,420 હેક્ટર ખેતી વિસ્તારને મળશે. આ પ્રોજેક્ટથી માત્ર સિંચાઈ જ નહીં પરંતુ ભૂગર્ભ જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થવાની આશા છે, જેના કારણે કૂવા અને બોરવેલમાં પાણીનું સ્તર સુધરશે અને પીવાના પાણીની ઉપલબ્ધતા પણ વધશે.
પૂર અને સિલ્ટની સમસ્યાનો આધુનિક ઉકેલ
રાજવાસણા રબર ડેમની સૌથી મોટી વિશેષતા એ છે કે ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે પૂર આવે ત્યારે ડેમના રબર બ્લેડરમાંથી હવા કાઢીને તેને નીચે બેસાડી શકાય છે. આ પ્રક્રિયાને ‘ડિફ્લેટ’ કહેવામાં આવે છે. તેના કારણે નદીનો કુદરતી પ્રવાહ જળવાઈ રહે છે અને પૂરનું પાણી ઝડપથી પસાર થઈ શકે છે. પરિણામે આસપાસના ગામોમાં પૂરનું જોખમ ઘટશે. સાથે જ દર વર્ષે ડેમમાં જમા થતી રેતી અને કાંપ પણ સરળતાથી બહાર નીકળી જશે, જેના કારણે પાણી સંગ્રહ ક્ષમતા લાંબા સમય સુધી જળવાઈ રહેશે. નદીના બંને કિનારે ફ્લડ પ્રોટેક્શન વોલ પણ બનાવવામાં આવી રહી છે જેથી જમીન ધોવાણ અટકે.
આ પણ વાંચો: વરસાદે વેર્યો વિનાશ, નેશનલ હાઇવેના બે ટુકડા! : સાવરકુંડલા નજીક 20 ફૂટ રસ્તો ધોવાયો, 16 કલાકથી વાહનવ્યવહાર ઠપ
10 વર્ષ સુધી જાળવણીની જવાબદારી
આ પ્રોજેક્ટની એક મહત્વપૂર્ણ વિશેષતા એ પણ છે કે નિર્માણ સાથે આગામી 10 વર્ષ સુધી ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M)ની જવાબદારી પણ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવી છે. જેના કારણે ડેમનું નિયમિત સંચાલન અને ટેકનિકલ જાળવણી સુનિશ્ચિત રહેશે.
પાઠકવાડીમાં જાપાનીઝ ડિઝાઈન આધારિત રબર ડેમ
દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામ નજીક અંબિકા નદી પર ₹79.13 કરોડના ખર્ચે આધુનિક એર-ફિલ્ડ રબર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે. આ ડેમનું 90 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટ ખાસ કરીને એવા વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યો છે જ્યાં પરંપરાગત ઊંચા ચેકડેમનું નિર્માણ ભૌગોલિક કારણોસર શક્ય નહોતું. તેથી જાપાનીઝ ડિઝાઈન અને સાઉથ કોરિયન રબર બ્લેડર આધારિત ટેકનોલોજી અપનાવવામાં આવી છે. આ ડેમ તૈયાર થયા બાદ અંદાજે 650 હેક્ટર ખેતી વિસ્તારને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે, જેના કારણે પાઠકવાડી, ઢોડીયાવાડ, ઉનાઈ અને સિંધઈ સહિતના ગામોના ખેડૂતોને સીધો લાભ થશે.
આ પણ વાંચો: વરસાદે વેર્યો વિનાશ, નેશનલ હાઇવેના બે ટુકડા! : સાવરકુંડલા નજીક 20 ફૂટ રસ્તો ધોવાયો, 16 કલાકથી વાહનવ્યવહાર ઠપ
સાઉથ કોરિયન ટેકનોલોજીની ખાસિયત
આ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાયેલું વિશેષ રબર બ્લેડર દક્ષિણ કોરિયાથી મંગાવવામાં આવ્યું છે. તેની જાડાઈ 18થી 32 મીમી સુધીની છે અને તે 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનમાં પણ કાર્યક્ષમ રહે છે. આ રબર બ્લેડરનું અંદાજિત આયુષ્ય લગભગ 30 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે, જેના કારણે લાંબા સમય સુધી ઓછી જાળવણી સાથે ડેમ કાર્યરત રહી શકશે.
SCADA ટેકનોલોજીથી સંપૂર્ણ ઓટોમેશન
પાઠકવાડી રબર ડેમની બીજી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેનું સંચાલન સંપૂર્ણપણે SCADA ઓટોમેશન સિસ્ટમ દ્વારા થશે. કમ્પ્યુટર મારફતે જ રબર બ્લેડરમાં હવા ભરવાની (Inflate) અને બહાર કાઢવાની (Deflate) પ્રક્રિયા કરી શકાશે. પરંપરાગત સ્ટીલ ગેટવાળા ડેમની સરખામણીએ આ ટેકનોલોજી વધુ સુરક્ષિત, ઝડપી અને ખર્ચ બચાવનારી માનવામાં આવે છે. સાથે જ પૂર દરમિયાન નદીના કુદરતી પ્રવાહમાં કોઈ અવરોધ ઊભો થતો નથી.
ખેડૂતો અને સ્થાનિકોને મળશે લાંબા ગાળાનો લાભ
બંને રબર ડેમ કાર્યરત થયા બાદ રાજ્યના આ વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા નોંધપાત્ર રીતે વધશે. ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવાથી કૂવા અને બોરવેલમાં પાણી વધશે, જેના કારણે પીવાના પાણીની સમસ્યા પણ ઓછી થશે. નિષ્ણાતોના મતે ભવિષ્યમાં આ પ્રકારની ટેકનોલોજી દરિયાકાંઠાના વિસ્તારોમાં ખારા પાણીની ઘૂસણખોરી અટકાવવા માટે 'ટાઇડલ રેગ્યુલેટર' તરીકે પણ ઉપયોગી બની શકે છે. આ રીતે ગુજરાતમાં પ્રથમ વખત અપનાવવામાં આવી રહેલી સાઉથ કોરિયન અને જાપાનીઝ ટેકનોલોજી આધારિત એર-ફિલ્ડ રબર ડેમ યોજના રાજ્યના જળસંચય, સિંચાઈ અને પાણી વ્યવસ્થાપનમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.






