Home Gujarat Gujarat Election Congress Ai Campaign Heat Politics

45 ડિગ્રી ગરમીમાં બદલાયો ચૂંટણી પ્રચારનો રંગ! : ગુજરાતમાં કોંગ્રેસે AI વડે બદલ્યો પ્રચારનો ખેલ

AI Video
Published by: Aryan Shah
Last Updated: Apr 23, 2026, 08:50 AM IST

Gujarat : ગુજરાતના રાજકારણમાં અત્યારે બેવડો તાપ જોવા મળી રહ્યો છે. એક તરફ કુદરતી આકરી ગરમી અને બીજી તરફ ચૂંટણીનો માહોલ. જ્યારે પારો 45 ડિગ્રીને પાર કરી રહ્યો હોય, ત્યારે સભાઓ અને રેલીઓ યોજવી ઉમેદવારો માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. આ પડકારને પહોંચી વળવા માટે કોંગ્રેસે આ વખતે પરંપરાગત રીતો છોડીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એટલે કે મોડર્ન ટેકનોલોજીનો હાથ પકડ્યો છે. સોશિયલ મીડિયા પર કોંગ્રેસ હવે એક અલગ જ અંદાજમાં સત્તાપક્ષને ઘેરતી જોવા મળી રહી છે.

ગરમી સામે ટેકનોલોજીનો સથવારો

અસહ્ય ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે, જેના કારણે નેતાઓની રેલીમાં ભીડ એકઠી કરવી મુશ્કેલ બની ગઈ છે. આ જ ગ્રાઉન્ડ રિયાલિટીને સમજીને કોંગ્રેસના આઈટી સેલે એક નવો વ્યૂહ ઘડ્યો છે. લોકોના મોબાઈલ સુધી સીધા પહોંચવા માટે તેમણે AI આધારિત વીડિયો અને રીલ્સ બનાવવાનું શરૂ કર્યું છે. "હવે તો સમજો, લઈ આવો પંજો" આ સ્લોગન સાથેના વીડિયો અત્યારે ગ્રુપ્સમાં વાયરલ થઈ રહ્યા છે. આ રીતે નેતાઓ મતદારોના ઘર સુધી પહોંચ્યા વગર પણ તેમના દિલ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભ્રષ્ટાચારને બનાવ્યો મુખ્ય મુદ્દો

સ્થાનિક ચૂંટણીઓમાં સામાન્ય રીતે રોડ, રસ્તા અને પાણીની વાતો થતી હોય છે, પણ કોંગ્રેસે આ વખતે ભ્રષ્ટાચારને કેન્દ્રમાં રાખ્યો છે. "કમલમ, કટકી અને કૌભાંડ" જેવા આકરા શબ્દો સાથે પ્રચારને વેગ આપવામાં આવ્યો છે. AI ટેકનોલોજીની મદદથી એવા વીડિયો બનાવાયા છે, જે દર્શાવે છે કે કેવી રીતે સરકારી કામોમાં ગેરરીતિ થાય છે. આ વીડિયોમાં ભ્રષ્ટાચારની પાણીની ટાંકીઓ અને નબળા બ્રિજને દ્રશ્યો સાથે એ રીતે રજૂ કરાયા છે કે તે સીધા જનતાની સંવેદનાઓને સ્પર્શે.

સામાન્ય સમસ્યાઓનું ડિજિટલ વર્ણન

આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી કોંગ્રેસે રોજિંદા જીવનની સમસ્યાઓને વાચા આપી છે. શહેરોમાં નકલી પનીરનું વેચાણ હોય, ચોમાસામાં પડતા રસ્તા પરના ખાડા હોય કે નળમાંથી આવતું ગંદુ પાણી - આ તમામ મુદ્દાઓને AI વીડિયોમાં આવરી લેવાયા છે. કોંગ્રેસનો દાવો છે કે, ભ્રષ્ટાચારના વર્ષો વીતી ગયા છતાં સમસ્યાઓ ઉકેલાઈ નથી. આ વીડિયોમાં કટાક્ષ અને માર્મિક ટકોરનો એવો સંગમ છે કે, જોનારને તે આકર્ષક લાગે છે અને સાથે સાથે વિચારતા પણ કરી દે છે.

દુર્ઘટનાઓ અને ઈમોશનલ કનેક્ટ

પ્રચારમાં માત્ર આક્ષેપો જ નથી, પરંતુ ભૂતકાળની હૃદયદ્રાવક ઘટનાઓને પણ યાદ અપાવવામાં આવી રહી છે. હરણી બોટ દુર્ઘટના જેવી ઘટનાઓ જેમાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા, તેને AI ના માધ્યમથી ફરી લોકોની નજર સામે લાવવામાં આવી છે. કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતને કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય છે. ઈમોશનલ અને ટેકનિકલ પાસાઓને જોડીને કોંગ્રેસ મતદારોના મન જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now