Fake Currency Update: ગુજરાતના ઇતિહાસમાં કદાચ પહેલીવાર આવી રીતે ધોળા દિવસે કારમાં કરોડો રૂપિયાની નકલી નોટોની હેરાફેરી થવાની હતી. સુરત અને અમદાવાદ ગુજરાતના આ બે મોટા શહેરો વચ્ચે ઘડાયો હતો આ ક્રાઈમ કહાનીનો પ્લોટ. આ ઘટના કોઈ ફિલ્મી કથાથી ઓછી નહોતી. બધું શરૂ થયું 18 માર્ચના બપોરે લગભગ 3 વાગ્યે… જ્યારે ક્રાઈમ બ્રાન્ચને એક ગુપ્ત માહિતી મળી. કે શહેરમાં કંઈક મોટું ચાલી રહ્યું છે. આ મામલો હતો કરોડોની નકલી ચલણી નોટોને હેરાફેરીનો.
18 માર્ચની બપોરે ચોક્કસ 3 વાગ્યે સુરતની શાંત લાગતી ગલીઓની અંદર એક એવી હલચલ શરૂ થઈ, જે થોડા કલાકોમાં જ રાજ્યના બે મોટા શહેરોને જોડતી ક્રાઈમ કહાનીમાં બદલાવાની હતી. ક્રાઈમ બ્રાન્ચને મળેલી ગુપ્ત માહિતી સામાન્ય નહોતી. સુરત શહેરમાં પ્રતિષ્ઠિત આશ્રમ આવેલો છે. યોગગુરુ તરીકે ઓળખ ધરાવતા આ આશ્રમના મુખિયા સદગુરુ પ્રદિપજીને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી, સરકારના કેબિનેટ મંત્રીઓ અન્ય રાજ્યની મોટી મોટી રાજકીય હસ્તીઓ સારો એવો ઘરોબો હોવાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં જોવા મળે છે. આવી મોટી મોટી હસ્તીઓ સાથેની ઓળખાણ અને પરિચયનો લાભ લઈને જ આશ્રમની આડમાં યોગગુરુ પ્રદીપે નકલી નોટોનું કારખાનું ખોલીને રાખ્યું હતું. એજ કારણ છેકે, આ એક એવી ગેંગ હતી જે માત્ર નકલી ચલણી નોટો બનાવતી નહોતી, પણ સિસ્ટમને ખુલ્લેઆમ પડકારતી હતી. પ્રતિષ્ઠિત હસ્તીઓ સાથેની ઓળખાણને આગળ ધરીને આશ્રમની આડમાં ચાલતો હતો સમગ્ર કાળો કારોબાર.
આ ક્રાઈમ કહાનીની શરૂઆત ગુજરાતની ડાયમંડનગરી સુરતથી થઈ. જ્યાં આરોપીઓએ કરોડો રૂપિયાની નકલી નોટો છાપી અને તેની હેરાફેરીની ફિરાકમાં હતા. નકલી નોટોની પહેલી જ ડીલ કરવા આરોપીઓએ ગુજરાતના આર્થિક પાટનગરને પસંદ કર્યું. ગુજરાતના સૌથી શાંત લાગતા શહેરમાં સરળતાથી નકલી નોટોની હેરાફેરી થઈ જશે એવું સમજીને આરોપીઓ સુરતથી ગાડીમાં કરોડો રૂપિયાની નકલી નોટો લઈને રવાના થયા. પરંતુ જેવા આરોપીઓએ અમદાવાદની ધરતી પર પગ મુક્યો કે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ.
નકલી નોટોની હેરાફેરીનો ઈરાદો લઈને નીકળેલાં આરોપીઓને અંદાજો નહીં હોય પણ અહીં છેલ્લાં 24 કલાકથી ખાધાપીધા વિના પોલીસની અલગ અલગ ટીમો તેમની રાહ જોઈ રહી હતી. નકલી નોટો ભરેલી આ ગાડી જેવી અમદાવાદની બરાબર મધ્યમાં પહોંચી કે પોલીસે એક શિકારીની માફક તેને દબોચી લીધી. કેવો હતો આખો ઘટનાક્રમ? આરોપીઓએ કેવી ટેકનીક વાપરી હતી? સુરતના કારખાનામાં હજુ કેટલી નકલી નોટો છાપવાની તૈયારીઓ કરાઈ હતી? ક્યાં-ક્યાં નકલી નોટોની હેરાફેરીનો પ્લાન બનાવીને બેઠાં હતાં આરોપી જાણો આ અહેવાલમાં.
18 માર્ચની બપોરે લગભગ 3 વાગ્યે સુરતના ગરમ અને વ્યસ્ત રસ્તાઓ પર બહારથી બધું સામાન્ય લાગતું હતું. પરંતુ ક્રાઈમ બ્રાન્ચના ઓફિસમાં એક એવી માહિતી પહોંચી હતી, જેણે આખા શહેરની હવા બદલી નાખવાની હતી. માહિતી સ્પષ્ટ હતી. શહેરમાં નકલી નોટો બનાવતી એક ગોઠવાયેલ ગેંગ સક્રિય હતી અને તેની ડોરો દૂર સુધી ફેલાયેલી હતી. સમય ગુમાવવાનો પ્રશ્ન જ નહોતો. પોલીસ તરત જ હરકતમાં આવી ગઈ.
પીઆઇ અને તેમની ટીમે તપાસ શરૂ કરી, અને પછી શરૂ થયો એક એવો 24 કલાકનો મિશન, જેમાં આરામ, ઊંઘ કે વ્યક્તિગત સુવિધાઓનો કોઈ અર્થ જ નહોતો. તેઓ એક જ કપડામાં રસ્તા પર ફરજ બજાવતા રહ્યા. ચેકિંગ, નજર રાખવી, ગુપ્ત માહિતી એકત્ર કરવી. દરેક ક્ષણ દબાણથી ભરેલી હતી. શહેરની ગલીઓમાં ફરતા ફરતા તેઓ જાણે કોઈ અદૃશ્ય શિકારની પાછળ લાગેલા હતા.
આ તરફ આરોપીઓ પોતાના પ્લાનમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા હતા. તેઓ માનતા હતા કે તેમની રીત એટલી ચાલાકીભરી છે કે કોઈ તેમને પકડી નહીં શકે. નોટોની હેરફેર માટે તેઓએ એક સરળ પણ અસરકારક રીત અપનાવી હતી. કારમાં હંમેશા એક મહિલા રાખવામાં આવતી. તેમને લાગતું હતું કે આવી કારને પોલીસ સામાન્ય ગણીને તપાસ નહીં કરે. સાથે જ પ્રદીપ નામનો એક યોગ ગુરુ. જેની સમાજમાં સારી છબી હતી. તેને સાથે રાખવાથી કોઈ શંકા જ નહીં રહે. આ વિશ્વાસ તેમને નિર્ભય બનાવતો હતો. પરંતુ પોલીસની નજરે કંઈક ગડબડ લાગતી હતી.
તપાસ આગળ વધતાં એક પછી એક કડીઓ જોડાતી ગઈ. દરોડા દરમિયાન પોલીસે જે જોયું તે ચોંકાવનારું હતું. નકલી નોટોનો જથ્થો તો હતો જ, પરંતુ સાથે એટલો સામાન પણ હતો કે જેમાંથી હજુ પણ 4800 નકલી નોટો સરળતાથી બનાવી શકાય. પ્રિન્ટિંગ માટેની મશીનરી, ખાસ કાગળ અને અન્ય સાધનો બધું જ ગોઠવાયેલું હતું, જાણે કોઈ નાની ફેક્ટરી ચાલી રહી હોય.
આ ગેંગની કામગીરીની સૌથી ખતરનાક બાબત હતી તેની વ્યવસ્થા. નોટોમાં વપરાતું સિક્યોરિટી થ્રેડ પેપર તેઓએ સીધું ચાઇનીઝ એજન્ટો પાસેથી મેળવ્યું હતું. ઓનલાઈન પ્લેટફોર્મ્સ મારફતે સંપર્ક કરીને, ડિજિટલ પેમેન્ટ દ્વારા પૈસા મોકલી અને પછી આ સામાનને સ્ટેશનરી તરીકે દેશમાં મંગાવવું. આ બધું એટલું ચોક્કસ રીતે કરવામાં આવ્યું કે કોઈને શંકા જ ન થાય. આ માત્ર સ્થાનિક સ્તરની ગેરકાયદેસર પ્રવૃત્તિ નહોતી, પણ એક સુવ્યવસ્થિત નેટવર્ક હતું.
સમય આગળ વધતો ગયો, અને આખરે એ ક્ષણ આવી ગઈ જ્યારે પોલીસને પોતાની શંકાને હકીકતમાં બદલવાની હતી. રસ્તા પર એક કારને રોકવામાં આવી. બહારથી બધું સામાન્ય લાગતું હતુ પણ અંદર એક મહિલા અને સાથે પ્રદીપ, એક શાંત સ્વભાવનો યોગ ગુરુ. પરંતુ આ વખતે પોલીસએ ફક્ત દેખાવ પર વિશ્વાસ ન કર્યો. ચેકિંગ શરૂ થયું. થોડા જ પળોમાં હકીકત બહાર આવી ગઈ. કારની અંદરથી નકલી નોટોના ગોછારો બહાર આવ્યા, અને સાથે જ ગેંગનો આખો ખેલ ખુલ્લો પડી ગયો. જે પ્લાન પર આરોપીઓને સૌથી વધુ વિશ્વાસ હતો, એ જ તેમની સૌથી મોટી ભૂલ બની ગયો.
24 કલાકની અવિરત મહેનત પછી, પોલીસએ કરોડોની નકલી નોટો સાથે આરોપીઓને કાબૂમાં લઈ લીધા. સુરતમાં મળેલો તમામ સામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યો. એવો જથ્થો, જે આગળ જઈને શહેરમાં મોટી અશાંતિ ફેલાવી શક્યો હોત. આ આખી ઘટના એક વાત સાબિત કરે છેકે, ગુનો ભલે કેટલો પણ ચતુરાઈથી કરવામાં આવે, પરંતુ કાયદાની નજરથી ગુનેગાર ક્યારેય બચી શકતો નથી.
કારમાંથી એક બેગ અને બોક્સમાંથી 500ના દરની નકલી નોટો મળીઃ
પોલીસે કાર રોકી પરંતુ નંબર પ્લેટની ઉપર સરકારી પ્લેટ હોય તેમ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન રજિસ્ટર્ડ બાય આયુષ મંત્રાલય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. જોકે, નંબર 5252 જ હતો, જેથી પોલીસે કારમાંથી તમામ લોકોને નામ પૂછીને નીચે ઉતાર્યા હતા. પોલીસે કારમાં તપાસ કરી ત્યારે તેમાંથી કાળા કલરની એક બેગ અને એક બોક્સ મળ્યું હતું. જેમાં રૂપિયા 500ના દરની સેંકડો નોટો મળી આવી હતી.




















