ગુજરાતમાં થયેલા મંત્રીમંડળ વિસ્તરણમાં અનેક ચોંકાવનારા ફેરફારો જોવા મળ્યા હતા. તાજેતરના આ વિસ્તરણથી સ્પષ્ટ થાય છે કે ભાજપે વિવાદોમાં ઘેરાયેલા અને સરકારની પ્રતિષ્ઠાને આંચકો પહોંચાડનારાં ત્રણ મંત્રીઓ – બચુ ખાબડ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમાર – પર કાર્યવાહી કરી છે. આ ત્રણેય મંત્રીઓને તેમના વિવાદાસ્પદ કૃત્યોને કારણે મંત્રીપદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
દાહોદના બચુ ખાબડ પર કૌભાંડની છાયાં
દાહોદ જિલ્લાના પૂર્વ મંત્રી બચુ ખાબડ સામે લાંબા સમયથી ભ્રષ્ટાચારના આરોપો લાગતા રહ્યાં છે. આદિવાસી વિસ્તારના વિકાસ કાર્યો માટે મળેલી ફાળવણીમાં ગંભીર ગડબડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. કહેવાય છે કે, મજૂરીના બદલે માત્ર કાગળ પર મટીરિયલ સપ્લાય બતાવી તેમના પરિવારજનોને કરોડોની આવક કરાવવામાં આવી હતી. આ મામલો બહાર આવતા જ વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો, જેના કારણે સરકારની છબી દાગદાર બની હતી. અંતે ખાબડને ન માત્ર મંત્રાલયમાંથી દૂર કરવામાં આવ્યા, પરંતુ સરકારી કાર્યક્રમોમાં હાજરી ન આપવા માટે સૂચના પણ આપવામાં આવી હતી.
વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના પુત્ર વિવાદમાં
બીજા વિવાદના કેન્દ્રમાં પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ રહ્યા હતા. નાગાલેન્ડમાં બોગસ દસ્તાવેજો વડે રિવોલ્વરનું લાઇસન્સ મેળવવાના કૌભાંડમાં તેમના પુત્ર વિશાલ પટેલનું નામ સામે આવ્યું હતું. આ ઉપરાંત વીજ સબસ્ટેશન માટેની જમીન એનએ કરાવવાના મામલામાં પણ તેમની સંડોવણીની ચર્ચા હતી. આ બધા વિવાદોને કારણે ભાજપે તેમને મંત્રીપદ પરથી હટાવવાનો નિર્ણય કર્યો.બચુ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, ગુજરાત મંત્રીમંડળ ફેરફાર
ભીખુસિંહ પરમાર અને BZ કૌભાંડનો કનેક્શન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારને હચમચાવનાર એક અન્ય વિવાદ હતો,કરોડો રૂપિયાના BZ કૌભાંડનો. આ કૌભાંડમાં ભીખુસિંહ પરમારના પુત્ર કરણસિંહ પરમાર અને પોન્ઝી સ્કીમ ચલાવનારા ભૂપેન્દ્ર ઝાલા વચ્ચે નિકટના સંબંધો હોવાનું બહાર આવ્યું હતું. ઝાલાએ ભાજપને મોટું નાણાકીય ફંડ આપ્યું હોવાનો પણ આરોપ મૂકાયો હતો. આ ખુલાસા બાદ સરકાર પર નૈતિક દબાણ વધ્યું હતું અને અંતે પરમારને કેબિનેટમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો.
ત્રણ વિવાદ, એક સંદેશ – “શૂન્ય સહનશીલતા”ની લાઇન પર ભાજપ
ત્રણેય મંત્રીઓની હટાવણી ભાજપની “શૂન્ય સહનશીલતા” નીતિને દર્શાવે છે. પાર્ટી સૂત્રો જણાવે છે કે, આવતા લોકસભા ચુંટણીઓ પહેલાં સ્વચ્છ છબી અને શિસ્તબદ્ધ શાસન બતાવવા આ પગલું જરૂરી હતું. વિવાદાસ્પદ મંત્રીઓની વિદાય બાદ હવે ભાજપ નવી ટીમ સાથે ચૂંટણી પૂર્વેની તૈયારી તેજ કરશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.






