Home Gujarat Gujarat Asset Safety Monitoring Portal Government Infrastructure Monitoring Sarkari Sampatti Monitoring

મોરબી જેવી હોનારતો પર લાગશે રોક : રાજ્યની દોઢ લાખ સરકારી મિલકતો પર હવે ગાંધીનગરથી રિયલ-ટાઇમ નજર રખાશે

મોરબી જેવી હોનારતો પર લાગશે રોક
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 12:13 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા અને જાહેર મિલકતોની જાળવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વર્ષો જૂના પુલ, રસ્તાઓ અને સરકારી ઇમારતોની સ્થિતિ પર સતત નજર રાખવા માટે હવે ‘એસેટ સેફ્ટી મૉનિટરિંગ પોર્ટલ’ કાર્યરત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સલામત ઇન્ફ્રાસ્ટ્રક્ચર'ના વિઝનને સાકાર કરવાના હેતુથી લેવાયેલો આ નિર્ણય રાજ્યની દોઢ લાખથી વધુ સરકારી મિલકતોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવી દેશે. આ નવી વ્યવસ્થા માત્ર ટેકનિકલ સુધારો નથી, પરંતુ વહીવટીતંત્રમાં જવાબદારી અને પારદર્શકતા લાવવા માટેનું સશક્ત પગલું છે. અવારનવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નબળાઈને કારણે સર્જાતી દુર્ઘટનાઓ અટકાવવા અને સમયસર રિપેરિંગ કામગીરી સુનિશ્ચિત કરવા માટે આ પોર્ટલ ‘વોચડોગ’ તરીકે કામ કરશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વિકાસની સાથે નાગરિકોની સલામતીમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.

દોઢ લાખથી વધુ મિલકતોનું જીઆઈએસ મેપિંગ અને રિયલ-ટાઈમ ટ્રેકિંગ

સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર, રાજ્યના તમામ રસ્તાઓ, નાના-મોટા પુલ, સરકારી કચેરીઓ અને અન્ય જાહેર માળખાઓની નોંધણી આ સેન્ટ્રલાઇઝ્ડ પોર્ટલ પર કરવામાં આવશે. દરેક મિલકતને એક ખાસ ડિજિટલ ઓળખ (Digital ID) આપવામાં આવશે. આ પોર્ટલ જીઆઈએસ (GIS) આધારિત લોકેશન અને ફોટોગ્રાફ્સ સાથે સજ્જ હશે, જેના કારણે ગાંધીનગર બેઠાં-બેઠાં કોઈપણ ખૂણે આવેલી સરકારી મિલકતની વર્તમાન સ્થિતિ જાણી શકાશે. આ પદ્ધતિથી મિલકતની આવરદા (Life span) વધશે અને ડેટાના આધારે ભવિષ્યના આયોજનો વધુ સચોટ બનશે.

અધિકારીઓની જવાબદારી નક્કી: બેદરકારી રાખનારની ખેર નહીં

આ સિસ્ટમ હેઠળ ફિલ્ડ ઓફિસરોએ નિયમિત અંતરે સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ રિપોર્ટ અને તાજા ફોટોગ્રાફ્સ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. જો કોઈ બ્રિજ કે બિલ્ડિંગમાં નબળાઈ જણાય, તો સિસ્ટમ દ્વારા આપમેળે 'રિયલ-ટાઈમ એલર્ટ' જનરેટ થશે. જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોએ આ રિપોર્ટ્સની સાપ્તાહિક અને માસિક સમીક્ષા કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. એટલું જ નહીં, પ્રભારી સચિવો જ્યારે પણ જિલ્લા પ્રવાસ પર જશે, ત્યારે તેમણે આ પોર્ટલ પર નોંધાયેલી મિલકતોની જાત-તપાસ કરી જરૂરી નિર્દેશો આપવાના રહેશે.

GADનો મૉનિટરિંગ સેલ: સીધું મુખ્ય સચિવનું સુપરવિઝન

પોર્ટલના અસરકારક અમલીકરણ માટે સામાન્ય વહીવટ વિભાગમાં એક સ્પેશિયલ 'એસેટ સેફ્ટી મૉનિટરિંગ સેલ'ની રચના કરવામાં આવી છે. આ સેલ દરરોજ રાજ્યભરની મિલકતોના ડેટાનું વિશ્લેષણ કરશે અને મુખ્ય સચિવને નિયમિત રિપોર્ટ સોંપશે. આ કડક મોનિટરિંગને કારણે સ્થાનિક કક્ષાએ થતી વિલંબની નીતિ કે બેદરકારી પર રોક લાગશે.

નાગરિક સલામતી માટે માઈલ સ્ટોન નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ નિર્ણય ગુજરાતના વહીવટી ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. અગાઉ સરકારી મિલકતોના નિરીક્ષણની કોઈ કેન્દ્રીયકૃત સિસ્ટમ ન હોવાને કારણે ઘણીવાર રિપેરિંગમાં વિલંબ થતો હતો, પરંતુ હવે 'સ્વચાલિત નિરીક્ષણ કેલેન્ડર' દ્વારા જે-તે અધિકારીને સિસ્ટમ પોતે જ યાદ અપાવશે કે કઈ મિલકતનું નિરીક્ષણ બાકી છે. આ પહેલ સલામત અને ભરોસાપાત્ર ગુજરાતના નિર્માણમાં પાયાનો પથ્થર સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now