ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં બહુપ્રતિક્ષિત 'યુનિફોર્મ સિવિલ કોડ' (UCC) એટલે કે સમાન નાગરિક સંહિતાનું વિધેયક રજૂ કર્યું છે. આ સાથે જ ગુજરાત, ઉત્તરાખંડ બાદ દેશનું એવું બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે જે તમામ નાગરિકો માટે સમાન કાયદો અમલી બનાવશે. મુખ્યમંત્રીએ આ બિલ રજૂ કરતા સ્પષ્ટ કર્યું હતું કે આ કાયદો કોઈ ધર્મ કે જ્ઞાતિની વિરુદ્ધમાં નથી, પરંતુ સમાજમાં સમાનતા અને ન્યાય પ્રસ્થાપિત કરવા માટેનું એક મહત્વનું કદમ છે. વિધાનસભામાં આ બિલ રજૂ કરતી વખતે ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. મુખ્યમંત્રીએ અંદાજે 24 મિનિટથી વધુ સમય સુધી UCC ના મહત્વ પર ભાર મૂકતા પોતાની વાત રજૂ કરી હતી. તેમણે વિરોધ પક્ષના સભ્યોને પણ અપીલ કરી હતી કે પક્ષીય રાજનીતિથી ઉપર ઉઠીને ભવિષ્યની પેઢીના હિતમાં આ બિલને સમર્થન આપવામાં આવે. કુલ ચાર મુખ્ય ભાગોમાં તૈયાર કરવામાં આવેલું આ બિલ રાજ્યમાં સામાજિક માળખામાં મોટા ફેરફારો લાવશે તેવું માનવામાં આવી રહ્યું છે.
લગ્નની નોંધણી હવે ફરજિયાત: જૂના લગ્નો માટે પણ પ્રક્રિયા નક્કી થશે
UCC બિલની સૌથી મહત્વની જોગવાઈ મુજબ, હવે ગુજરાતમાં થતા દરેક લગ્નની નોંધણી (Registration) કરાવવી કાયદેસર રીતે ફરજિયાત રહેશે. એટલું જ નહીં, UCC અમલમાં આવ્યા પહેલા જે લગ્નો થઈ ચૂક્યા છે, તેમની નોંધણી માટે પણ સરકાર દ્વારા એક ચોક્કસ પ્રક્રિયા અને સમયમર્યાદા નક્કી કરવામાં આવશે. આ જોગવાઈનો હેતુ લગ્ન સંબંધી વિવાદોમાં મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાનો અને કાયદાકીય પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો છે.
ગૃહમાં હળવી ટકોર અને પક્ષીય રાજનીતિનો વિવાદ
બિલ રજૂ કરતી વખતે ગૃહમાં રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી જ્યારે બિલ પર બોલી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના કેટલાક સભ્યોએ બેઠા બેઠા કોમેન્ટ્સ કરી હતી. આ બાબતે મુખ્યમંત્રીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "અમુક કાયદા એવા હોય છે જેમાં સમર્થન આપવું હોય તો દિલથી આપી શકાય છે." પરિસ્થિતિને જોતા વિધાનસભા અધ્યક્ષે પણ સભ્યોને ટકોર કરી હતી કે આ એક ગંભીર વિષય છે અને આપણે પક્ષીય રાજનીતિ છોડીને આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે વિચારવું જોઈએ.
UCC બિલના મુખ્ય પાસાઓ પર એક નજર
ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલું યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ રાજ્યના સામાજિક અને કાયદાકીય માળખામાં એક ઐતિહાસિક પરિવર્તન લાવવા જઈ રહ્યું છે. ઉત્તરાખંડ બાદ આ કાયદો લાગુ કરનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે, જેનો મુખ્ય હેતુ તમામ નાગરિકો માટે સમાન કાયદાકીય છત્ર પૂરું પાડવાનો છે. આ સમગ્ર બિલને તેના સુવ્યવસ્થિત અમલીકરણ માટે કુલ ચાર મુખ્ય ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ મિલકત અને દત્તક વિધાન જેવા મહત્વના પાસાઓનો સમાવેશ થાય છે. આ કાયદો અમલી બનતા જ તમામ ધર્મના લોકો માટે આ વિષયોમાં એક સમાન પ્રક્રિયા અને અધિકારો રહેશે, જે સામાજિક ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન આપશે. મુખ્યમંત્રીએ આ વિધેયકને માત્ર કાયદાકીય સુધારો નહીં, પરંતુ 'વિકસિત ગુજરાત'ના નિર્માણ તરફનું એક મક્કમ અને ભવિષ્યલક્ષી કદમ ગણાવ્યું છે, જે આવનારી પેઢીઓને એક સમાન અને સુરક્ષિત સામાજિક વાતાવરણ પૂરું પાડશે.





