Gopal Italia: ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર બેઠક પર જીત હાંસલ કરીને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ રાજકીય ફલક પર નવો ઈતિહાસ રચી દીધો છે. એક સમયે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પર જુતુ ફેંકનાર ગોપાલ ઈટાલિયા આજથી ગૃહના સભ્ય છે. લોકશાહીની બલિહારી કહો કે મતદારોની શક્તિ તે કોઈને પણ અર્શથી ફર્શ અને ફર્શથી અર્શ પર લાવી શકે છે. ગોપાલ ઈટાલિયા પણ તેનું જ એક ઉદાહરણ છે. એક પોલીસ કોન્સ્ટેબલથી શરૂ થયેલી ગોપાલ ઈટાલિયાની સફર ગુજરાતના ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચી તે ઈતિહાસ પણ જાણવા જેવો છે.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિસાવદરથી ભાજપને જંગી મતોથી હરાવી ગોપાલ ઇટાલિયા આજે ધારાસભ્ય તરીકેના શપથ લેવા ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા હતા. જ્યાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે વિધાનસભા ખાતે વિસાવદર વિધાનસભા મત વિસ્તારના નવનિયુકત ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયાને ધારાસભ્ય તરીકેના શપથગ્રહણ કરાવ્યા.
આજથી ગુજરાતમાં પરિવર્તનની શરૂઆતઃ ગોપાલ ઈટાલિયા
આજનો દિવસ ગુજરાતની રાજનીતિમાં એક ઐતિહાસિક દિવસ છે. આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના વિજેતા ઉમેદવાર ગોપાલ ઇટાલીયા આજે પોતાની શપથ વિધિ માટે ગુજરાત વિધાનસભા ખાતે પહોંચ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ધારાસભ્ય હેમંત ખવા સહીત અનેક AAP આગેવાનો પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની સાથે વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન ગોપાલ ઇટાલીયાએ પત્રકારો સમક્ષ જણાવ્યું કે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છેકે, ભાજપના અરમાનો પર ઝાડું ફેરવી વાયા વિસાવદર વિધાનસભામાં ગોપાલ ઈટાલિયા. ગોપાલ ઈટાલિયાએ પણ જીત સાથે જણાવ્યું હતુંકે, હું આવતીકાલથી જ ફિલ્ડમાં ઉતરવાનો છું. હું એક પણ દિવસ જંપીને બેસવાનો નથી. મારા મતવિસ્તાર ઉપરાંત પણ ગુજરાતમાં કોઈપણ ખૂણે કોઈને પણ કોઈ અન્યાય થતો હશે તો હું તેની સાથે ઉભો રહીશ.
AAPએ ભાજપના અરમાનો પર ફેરવ્યું ઝાડુ:
વિસાવદર પેટાચૂંટણીમાં AAPએ સર્જ્યો અપસેટ
ગોપાલ ઇટાલિયાની 17581 મતથી જીત
કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા 38904 મતથી જીત્યા
બન્ને પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર
આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિસાવદરથી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઝંપલાવનાર ગોપાલ ઈટાલિયાએ ઈતિહાસ રચી દીધો છે. અનેક વિરોધના વંટોળની વચ્ચે ગોપાલ ઈટાલિયાએ વાયા વિસાવદર વિધાનસભાનો રસ્તો બનાવી લીધો છે. વિસાદરવરમાં આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર તરીકે પોતાના નામની જાહેરાત પહેલાંથી ઈટાલિયા ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યાં હતાં. લાંબા સમયથી વિસાવદરમાં ધામા નાંખીને બેસેલાં ગોપાલ ઈટાલિયાએ ભાજપ વિરુદ્ધના માહોલનો રાજકીય લાભ લઈને મતદારોને પોતાના તરફ વાળવામાં સફળતા હાંસલ કરી છે.
રાજકીય પંડિતોને ભોંઠા પાડીને વિસાવદરના જંગમાં જીત હાંસલ કરીને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લાં 18 વર્ષથી ભાજપ વિસાવદરની બેઠક પર જીતી શક્યું નથી. આ વખતે ભાજપ પાસે આ બેઠક પર જીત હાંસલ કરવાનો પુરો મોકો હતો. એવામાં ગોપાલ ઈટાલિયાએ ભાજપના અરમાનો પર ઝાડું ફેરવી દીધું છે. તેથી વિસાવદરમાં ભાજપનો 18 વર્ષનો વનવાસ હવે વધુ લંબાઈ ગયો છે. ત્યારે એ સમજવાની પણ જરૂર છેકે, આખરે આ ગોપાલ ઈટાલિયા કોણ છે? કઈ રીતે રાજકારણમાં એન્ટ્રી થઈ અને કેવી રહી તેમની જાહેર જીવનની સફર...
રાજકારણમાં એન્ટ્રીઃ
2013–14 દરમિયાન ગોપાલ ઈટાલિયાએ અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ અને પછી રેવેન્યૂ ક્લર્ક તરીકે કામ કર્યું. સરકારમાં હતા ત્યારે, 2017માં તેમણે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને કોલ કરીને સરકાર સામે પોતાનો બળાપો કાઢ્યો હતો. ત્યાર બાદ ઈટાલિયાની ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ મહાશય ચર્ચામાં આવ્યાં હતાં. ઈટાલિયાના રાજનીતિમાં પ્રવેશનું એક પ્રકારે આ એન્ટ્રી કાર્ડ હતું.
ગૃહ રાજ્યમંત્રી પર જુત્તું ફેંક્યું અને ચર્ચામાં આવ્યાંઃ
વર્ષ 2017માં ગોપાલ ઈટાલિયાએ તત્કાલિક ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જૂત્તું ફેંકીને સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ચાલુ પ્રેસ કોન્ફરન્સ દરમિાન વિધાનસભાની સીડીઓ પાસે ઈટાલિયાએ પ્રદિપસિંહ જાડેજા પર ઉપરાં ઉપરી બેવાર જુત્તું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ઈટાલિયા ખુબ લાઈમ લાઈટમાં આવ્યાં. બસ આ સાથે જ આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલે ઈટાલિયાને ગુજરાતમાં AAPની કમાન સોંપીને પ્રદેશ પ્રમુખ બનાવી દીધાં.
આંદોલનમાં ઝંપલાવ્યુંઃ
2018માં ગોપાલ ઈટાલિયાએ પાટીદાર આરક્ષણ આંદોલનમાં ઝંપલાવ્યું. એ સાજે કાયદા કથાના કાર્યક્રમો યોજીને લોકોને સરકારની માર્ગદર્શિકા અને કાયદાં અંગે જાગૃતિ ફેલાવાનો પ્રારંભ કર્યો. આ સાથે આ રીતે ઈટાલિયાએ પોતાની જાતને રાજકીય સ્તરે વધુ પ્રસ્થાપિત કરવાનું શરૂ કર્યું.
ફાયરિંગ કરતા વિવાદઃ
2019માં ફાયરિંગ કરતાં અટકાવાયા, Arms Act હેઠળ કાર્યવાહી નીચે આવતા તેઓ ચર્ચામાં આવ્યા.
ઈટાલિયાને મળી મોટી જવાબદારીઃ
વર્ષ 2020 આવતા આવતા ગોપાલ ઈટાલિયા આમ આદમીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલના ખુબ ખાસ બની ગયા હતા. જેથી જૂન 2020માં, ગોપાલ ઈટાલિયા Aam Aadmi Partyના ગુજરાત ઉપપ્રમુખ તરીકે જોડાયા. સરકાર વિરુદ્ધના તેમના ભાષણોને કારણે ડિસેમ્બર 2020માં, કેજરીવાલે ગોપાલ ઈટાલિયાને ગુજરાતમાં આદમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવી દીધાં. વતેમના નેતૃત્વ હેઠળ, AAPએ ફેબ્રુઆરી 2021ના મહાનગરપાલિકા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું. વોટ શેરમાં વધારો થયો. ખાસ કરીને મનપાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં 27 બેઠકો પર જીત હાંસલ કરી. 2022ની Gujarat વિધાનસભા ચૂંટણીમાં AAPએ 5 સીટ જીતી અને 12.92% વોટ શેર હાંસલ કર્યો.
રાષ્ટ્રિય ભૂમિકાઃ
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ ઈટાલિયાને પાર્ટીએ ગુજરાતથી દૂર કર્યાં.જાન્યુઆરી 2023માં, રાજ્ય અધ્યક્ષ પદમાંથી નિમણૂક બાદ ગોપાલ ઈટાલિયાને AAPનું રાષ્ટ્રીય કક્ષાએ Joint General Secretary બનાવી ગુજરાત બહાર મોકલી મહારાષ્ટ્રની વિશેષ જવાબદારી સોંપવામાં આવી.
2025:
વર્ષ 2025માં વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે ફરી એકવાર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયા પર ભરોસો મુકીને ટિકિટ આપી. આ વખતે ઈટાલિયાએ એડીચોંટીનું જોર લગાવીને ગ્રાઉન્ડ લેવલ પર મતદારોનું માઈન્ડ વોશ કરવામાં સફળતા મેળવી.




















