Home Gujarat Gujarat 15 Peaceful Tourist Places Polo Forest

Top Spot of Gujarat : ગુજરાતમાં ફરવાલાયક સ્થળો શોઘી રહ્યાં છો? આ 15 સ્થળો છે બેસ્ટ ઓપ્શન

ગુજરાતમાં ફરવાલાયક સ્થળોની છબીઓ
Published by: Niraj Chokshi
Last Updated: Apr 23, 2026, 02:30 AM IST

વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તેવા સમયમાં તમારે આખા ગુજરાત રાજ્યમાં ફરવું હોય તો આ 15 સ્થળ તમારા માટે એક સારો ઓપ્શન બની રહેશે. ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં પરંતુ તેના વૈવિધ્યસભર પર્યટન સ્થળો માટે પણ ઓળખાય છે. રાજ્યમાં એવા અનેક સ્થળો છે જ્યાં કુદરતી સૌંદર્ય, ઐતિહાસિક વારસો અને આધ્યાત્મિક શાંતિનો અનોખો સમન્વય જોવા મળે છે. ખાસ કરીને શાંતિ અને આરામની શોધમાં રહેલા પ્રવાસીઓ માટે ગુજરાતમાં અનેક ડેસ્ટિનેશન ઉપલબ્ધ છે. તેમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલ પોલો ફોરેસ્ટ ખાસ આકર્ષણ તરીકે ઊભર્યું છે, જે કુદરતપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે.

પોલો ફોરેસ્ટ (સાબરકાંઠા)

image

અરવલ્લી પર્વતમાળાની ગોદમાં વસેલું પોલો ફોરેસ્ટ હરિયાળા જંગલો, પ્રાચીન મંદિરો અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. અહીં હરણાવ નદી વહે છે, જે આ વિસ્તારના સૌંદર્યને વધુ નિખારે છે.પોલો ફોરેસ્ટ માત્ર કુદરતી સ્થળ નથી, પરંતુ અહીં અનેક ઐતિહાસિક અવશેષો પણ જોવા મળે છે. પ્રાચીન જૈન અને હિંદુ મંદિરોના અવશેષો અહીંના સમૃદ્ધ ઈતિહાસની સાક્ષી આપે છે. પ્રવાસીઓ અહીં ટ્રેકિંગ, બર્ડ વોચિંગ અને કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે છે, જે તેને વીકએન્ડ ગેટવે માટે આદર્શ બનાવે છે.

ઝરવાણી ધોધ (નર્મદા)

image

નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ 8 કિમીના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ રમણીય જગ્યા છે. સાતપૂડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં અદભુત લાગે છે. ચારેબાજુ લીલાંછમ પર્વતો, ખેતરો અને ખળખળ વહેતા ઝરણાં અને નદી મનને તાજગીથી ભરી દે છે.

તારંગા (મહેસાણા)

image

મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી 1200 ફિટ ઉંચી ટેકરી આવેલી છે. અહી સુંદર જૈન મંદિરો આવેલા છે. કુમારપાળે અહીં ભગવાન અજિતનાથનું સુંદર મંદિર પણ બનાવેલું છે. જૈન લોકો માટે આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી (નર્મદા)

image

સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં સેન્ટર ઓફ અટ્રેક્શન બની છે. અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે. જેમાં ભારતના ખૂણે ખૂણેથી આવેલા લોકો નર્મદા જિલ્લાના કેવડીયા ગામની મુલાકાત લે છે. આ પ્રતિમા સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરના અંતરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ, સાતપુડા તેમજ વિંધ્ય પર્વતની હારમાળા પણ જોઈ શકાય છે.

સાપુતારા (ડાંગ)

image

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ છે. ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલા સાપુતારાની ભવ્ય પહાડીઓ આહલાદક છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી 30 ડિગ્રીની ઉપર નથી જતો. અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, સાપુતારાથી થોડે દૂર "ગુજરાતનો નાયગ્રા" કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે. સાપુતારામાં રોકાવા માટે અનેક હોટલો અને ગેસ્ટ હાઉસની સુવિધા છે.

પીરોટન આઈલેન્ડ (જામનગર)

image

પીરોટન બેટ બેડી બંદરના કિનારેથી દરીયામાં આશરે 12 નોટિકલ માઈલ દૂર આવેલો છે. લગભગ 3 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ પરવાળાના ટાપુની આસપાસ અદભુત દરીયાઈ સૃષ્ટિ ઉપરાંત મેન્ગ્રોવના જંગલ છે. મોટાભાગના મુલાકાતીઓ શિયાળા દરમ્યાન મુલાકાતે આવે છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળ સંરક્ષિત હોવાને કારણે તથા ભારતની મુખ્ય ભૂમિથી દૂર સમુદ્રમાં હોવાને લીધે પીરોટનની મુલાકાતે જવા મટે ઘણા પ્રકારની પરવાનગી મેળવવાની આવશ્યકતા રહેલી છે.

પાલિતાણા (ભાવનગર)

image

ભાવનગરમાં પાલિતાણા જૈનોનું એક પ્રમુખ તીર્થસ્થાન છે. આ નગરને "મંદિરોનું શહેર" પણ કહેવાય છે. પાલીતાણામાં જૈન યાદગીરી સાથે જોડાયેલા અનેક મંદિરો આવેલા છે. મંદિરોમાં અદભૂત કોતરણી, પવિત્રતાનો સંગમ, આહલાદક અને શાંતિનો અનુભવ માટે પાલિતાણાની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. અહીં સુંદર શેત્રુંજય પર્વત પણ આવેલો છે. જેના શિખર પર અનેક નાના-મોટા જૈન મંદિરો આવેલા છે.

નળ સરોવર (અમદાવાદ)

image

અમદાવાદના સાણંદ નજીક અંદાજે 70 કિલો મીટરના અંતરે આવેલું છે નળ સરોવર. નળ સરોવર એક પક્ષી અભયારણ્ય છે, જે 120.82 ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. જે 4થી 5 ફૂટ ઉંડા છીછરા પાણીથી ભરેલું છે. નળ સરોવરમાં એક શાંત માર્શલેન્ડ છે જેમાં 36 નાના ટાપુઓ આવેલાં છે. નળ સરોવરને ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય પણ કહેવામાં આવે છે. 200થી વધુ પ્રકારના પક્ષીઓ મુખ્યત્વે આ તળાવમાં વસે છે.

ધોરડો સફેદ રણ (કચ્છ)

image

કચ્છનું સફેદ રણ આપણને જમીન પર જ ચન્દ્ર પર હોઈએ તેવો સંપૂર્ણ અનુભવ કરાવે છે. અહીં ઘણા પ્રવાસો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવતું હોય છે. અહીં કચ્છની પરંપરાગત-કલાત્મક વસ્તુઓ પણ મળે છે. કચ્છનું સફેદ રણ માત્ર ગુજરાત જ નહી પરંતુ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ક્ષારના કારણે રણની રેતીનો ભુખરો રંગ સફેદ થઇ જાય છે.

જાંબુઘોડા (પંચમહાલ)

image

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે 20 કિલોમીટર અને વડોદરાથી આશરે 90 કિલોમીટરનાં અંતરે આવેલું છે. જાંબુઘોડા વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર અભયારણ્ય છે. મે 1990ની સાલમાં તેને અભયારણ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ વન વિવિધ પ્રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી સરિસૃપોનું પણ આશ્રય સ્થાન છે. જાંબુઘોડા અભયારણ્યની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પર્વતીય વિસ્તારમાં આવેલું એક જુજ માનવ વસવાટ ધરાવતું અભયારણ્ય છે.

ઈડરિયો ગઢ (સાબરકાંઠા)

image

સાબરકાંઠામાં આવેલું છે ઈડર. ઈડરને એક ઐતિહાસિક નગર પણ કહેવામાં આવે છે. ખાસ કરીને ઈડર તેના ઈડરીયા ગઢને કારણે જાણીતું છે. અજેય ગણાતા ઈડરના ગઢ એ જીતનું પ્રતિક છે. હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા ઈડરિયા ગઢનો ઈતિહાસ પણ રસપ્રદ છે. અમદાવાદથી 120 કિલોમીટર દુર આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલું અને વિકસેલું છે ઈડર. ભારતભરમાં જાણીતા આ નગરની જો કોઈ વિશિષ્ટ ઓળખ હોય તો તે છે એની વિશાળકાળ શીલાઓ. પથ્થરની વિશાલ શીલાઓ વચ્ચે ઈડર શહેર પણ વર્ષોથી અડીખમ ઉભેલું છે.

ગીરનું જંગલ (જૂનાગઢ)

image

ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય એટલે ગીર સાવજોની વસ્તી ધરાવતું આ અદભૂત સ્થળ પ્રવાસીઓને ખુબ આકર્ષે છે. ગીરના જંગલોમાં વૈવિધ્યસભર વૃક્ષો જોવા મળે છે. વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી લોકો પ્રકૃતિનું સાનિધ્ય માણે છે. ગીરનું જંગલ વરસાદ અને ઠંડીની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. એશિયામાં માત્ર ગીર અભયારણ્યમાં જ ખુલ્લામાં સિંહો જોવા મળે છે. ગીરના જંગલની આસપાસ અનેક રિસોર્ટ પણ આવેલા છે. ઉપરાંત તમે ઉના, વિસાવદરમાં પણ રોકાઈ શકો. ગીરના એક છેડા ધારીમાં પણ રોકાવાની સુવિધા છે.

દ્વારકા

image

ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા પ્રવાસન સ્થળોમાં લોકો માટે પહેલી પસંદ છે. દ્વારકામાં જગત મંદિર, ગોમતી ઘાટ, નાગેશ્વર, શિવરાજપુર બીચ જોવા લાયક સ્થળો છે. અહીંનું જગત મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે. અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે. દ્વારકાથી 30 કિલોમીટર નજીક બેટ દ્વારકા આવેલું છે.

દીવ

image

આમ તો દિવ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. સરકારી રીતે ગુજરાતમાં ગણવામાં નથી આવતું પણ ભૌગોલિક રીતે તે ગુજરાત સાથે જ જોડાયેલું છે. દીવની ફરતે દરિયો છે. દીવમાં નાગવા બીચ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરાંત દીવનું આહલાદક વાતાવરણ પણ મનને ખુશ કરી દે તેવું છે. દીવમાં ઘોઘલા અને જલંધર બીચ પણ ફરવાલાયક સ્થળો છે. દીવથી સોમનાથ જવા ઈચ્છતા લોકોએ માત્ર 90 કિલોમીટરનું અંતર કાપવું પડશે.

ડાંગ

image

ગુજરાતનો પ્રાકૃતિક સૌંદર્ય અને નૈસર્ગિક વનસંપદાનો ભંડાર એટલે ડાંગ. જ્યા સાપુતારા હિલ સ્ટેશન, ગિરા ધોધ, બોટનિકલ ગાર્ડન, ડોન હિલ્સ, શબરી ધામ, ધરમપુર હિલ્સ આવેલા છે. ડાંગને કુદરતનું વરદાન મળેલું છે. અને એટલે જ તેને ગુજરાતનું સ્વર્ગ ગણવામાં આવે છે. આ જિલ્લાની સરહદ મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. અહીં અંબિકા, પૂર્ણા, સર્પગંગા, ખાખરી, ગિરા નદી આવેલી છે. ડાંગ મોટાભાગે આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. કુદરતના ખોળે વસેલું હોવાના કારણે ગરમીમાં પણ અહીં 28 ડિગ્રીથી વધુ તાપમાન નથી રહેતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now