આ તહેવારોની સિઝનમાં સામાન્ય વ્યક્તિને મોટી રાહત મળવાની છે. સરકારે રોજીંદી ચીજો પર GST ઘટાડવાની જાહેરાત કરી છે. દિવાળી પહેલા નવા GST દરો લાગુ થવાની શક્યતા છે. આ કારણે ઘણી ચીજોના ભાવ ઘટશે. સરકાર 32 ઇંચથી મોટા ટીવી સેટ, AC અને ડીશવોશર પર GST 28% થી ઘટાડીને 18% કરી શકે છે. GSTમાં ઘટાડાને કારણે ટીવીના ભાવ દસ હજાર રૂપિયા સુધી ઘટી શકે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે દિવાળી જેવા મોટા તહેવાર પહેલા GSTમાં આ ઘટાડો મેગા ફેસ્ટિવલ વેચાણને પ્રોત્સાહન આપશે. નિષ્ણાતોના મતે, GSTમાં આ ઘટાડો છેલ્લા ઘણા વર્ષોમાં ગ્રાહક ભાવમાં સૌથી મોટો ઘટાડો સાબિત થઈ શકે છે. ખાસ કરીને તે ખરીદદારો માટે રાહત થશે જેમની આવક શરૂઆતી શ્રેણીના પ્રોડક્ટની વધતી કિંમતોની તુલનામાં વધી શકી નથી અને આ બજાર લાંબા સમયથી સ્થિરતાનો સામનો કરી રહ્યું હતું.
ACની કિંમતમાં 2500 રૂપિયાનો ઘટાડો થશે
એર કંડિશનર (AC) પર GST સ્લેબ વર્તમાન 28% થી ઘટાડીને 18% કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારના આ પગલાથી, મોડેલના આધારે AC ની કિંમત લગભગ 1500 થી 2500 રૂપિયા સુધી ઘટી શકે છે. મીડિયા અહેવાલ મુજબ, બ્લુ સ્ટારના મેનેજિંગ ડિરેક્ટરે તેને એક સારો નિર્ણય ગણાવ્યો છે અને સરકાર પાસે તેને ટૂંક સમયમાં લાગુ કરવાની અપીલ કરી છે. ગ્રાહકને થતા ફાયદા વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે તેની કિંમત પર લગભગ 10 ટકા અસર પડશે કારણ કે GST અંતિમ કિંમત પર લાદવામાં આવે છે.
ગાડીઓ પણ થશે સસ્તી
એન્ટ્રી-લેવલ હેચબેક, નાની સેડાન અને મીની-SUV ને 18% GST ટેક્સ સ્લેબ હેઠળ લાવી શકાય છે. હાલમાં, આ વાહનો પર 28% GST અને 1-3% સેસ લાગે છે જેથી 31% સુધી ટેક્સ પહોંચી જાય છે. જો GST ઘટાડવામાં આવે છે, તો Maruti Suzuki Alto K10, Maruti Suzuki S-Presso, Renault Kwid, Maruti Suzuki Wagon, Maruti Suzuki Dzire, Hyundai Aura, Tata Tigor, Tata Punch, Hyundai Xcent અને Renault Kiger જેવા વાહનો સસ્તા થશે.





















