ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી 7 જૂન, 2026ના રોજ યોજાનારી જાહેરાત ક્રમાંક 3, 4, 5 અને 6/2026-27ની સામાન્ય અભ્યાસની સંયુક્ત પ્રાથમિક કસોટી માટે દિવ્યાંગ ઉમેદવારોને અનુકૂળ અને સુલભ વાતાવરણ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી યોજાનારી આ પરીક્ષામાં રાજ્યભરમાંથી કુલ 75,487 ઉમેદવારો નોંધાયા છે, જેમાં 826 ઉમેદવારો દિવ્યાંગ શ્રેણીના છે. દિવ્યાંગ ઉમેદવારોને કોઈ પણ પ્રકારની શારીરિક કે વ્યવસ્થાકીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તેઓ સમાન તક સાથે પરીક્ષા આપી શકે તે માટે GPSC દ્વારા સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવ્યો છે.
લિફ્ટ અને ભોયતળિયે વર્ગખંડની વ્યવસ્થા
GPSC દ્વારા તમામ દિવ્યાંગ ઉમેદવારોને એવા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે જ્યાં લિફ્ટની સુવિધા ઉપલબ્ધ હોય અથવા ભોયતળિયે જ પરીક્ષા માટે વર્ગખંડોની વ્યવસ્થા હોય. આ ઉપરાંત, જે ઉમેદવારોને લહિયાની પૂર્વ મંજૂરી આપવામાં આવી છે તેમના માટે અલગ અનામત વર્ગખંડો પણ રાખવામાં આવ્યા છે. આવા દરેક વર્ગખંડમાં એક વિશેષ વર્ગખંડ નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે, જેથી ઉમેદવારોને પરીક્ષા દરમિયાન જરૂરી સહાય મળી રહે.
વાહનને રેમ્પ સુધી લઈ જવાની મળશે મંજૂરી
સામાન્ય રીતે પરીક્ષા કેન્દ્રોના કેમ્પસમાં ઉમેદવારોના ખાનગી વાહનોને પ્રવેશ આપવામાં આવતો નથી. જોકે, દિવ્યાંગ ઉમેદવારોને ખાસ રાહત આપવામાં આવી છે. તેમના વાહનોને પરીક્ષા કેન્દ્રના રેમ્પ સુધી લઈ જવાની મંજૂરી આપવામાં આવશે જેથી ઉમેદવાર સરળતાથી કેન્દ્રમાં પ્રવેશ મેળવી શકે. ઉમેદવારને ઉતાર્યા બાદ વાહનને કેન્દ્રની બહાર પાર્ક કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી સુરક્ષા અને વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન આવે.
આ પણ વાંચો: ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 : ગુજરાત પોલીસે સાયબર ઠગાઈ સામે કડક કાર્યવાહી તેજ કરી, 92 FIR દાખલ; 182 આરોપીઓની ધરપકડ
વ્હીલચેર અને 'દિવ્યાંગ મિત્ર'ની સેવા
દરેક પરીક્ષા કેન્દ્ર પર પૂરતી સંખ્યામાં વ્હીલચેર ઉપલબ્ધ રાખવામાં આવશે. સાથે જ ઉમેદવારોની મદદ માટે બે વિશેષ 'દિવ્યાંગ મિત્રો'ની નિમણૂંક કરવામાં આવશે, જેમાં એક મહિલા અને એક પુરુષ કર્મચારીનો સમાવેશ કરવામાં આવશે. આ દિવ્યાંગ મિત્રો ઉમેદવારોને પ્રવેશદ્વારથી લઈને તેમની બેઠક સુધી પહોંચાડવાની જવાબદારી સંભાળશે. જો કોઈ ઉમેદવાર સ્વયં ચાલી શકતો ન હોય તો તેને વ્હીલચેર મારફતે વર્ગખંડ સુધી પહોંચાડવામાં આવશે. GPSCએ કેન્દ્ર સંચાલકોને સૂચના આપી છે કે જરૂર જણાય તો અન્ય શિક્ષકો અથવા પટાવાળાઓની મદદ પણ લેવામાં આવી શકે છે.
કેલિપર્સ પહેરનારા ઉમેદવારોને ખાસ છૂટ
જે દિવ્યાંગ ઉમેદવારો હાથ અથવા પગમાં કેલિપર્સનો ઉપયોગ કરતા હોય તેઓને પૂરતી સુરક્ષા તપાસ બાદ તે કેલિપર્સ સાથે જ પરીક્ષા વર્ગખંડમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણય ઉમેદવારોની શારીરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
મળશે એક કલાકનો વધારાનો સમય
GPSCની પૂર્વ મંજૂરી મેળવનારા દિવ્યાંગ ઉમેદવારોને નિયમ મુજબ વધારાનો વળતર સમય પણ આપવામાં આવશે. નિયમ અનુસાર દરેક એક કલાક માટે 20 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવે છે. આ રીતે ત્રણ કલાકની પરીક્ષા માટે દિવ્યાંગ ઉમેદવારોને કુલ 60 મિનિટ એટલે કે એક કલાકનો વધારાનો સમય મળશે. આ વ્યવસ્થા ઉમેદવારોને વધુ અનુકૂળતા સાથે પ્રશ્નપત્ર પૂર્ણ કરવામાં મદદરૂપ બનશે.
શ્રવણ ક્ષતિ ધરાવતા ઉમેદવારો માટે ખાસ નિયમ
શ્રવણ ક્ષતિ ધરાવતા ઉમેદવારોને પરીક્ષાની શરૂઆતમાં વર્ગખંડ નિરીક્ષક અથવા સુપરવાઇઝર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ સમજવામાં સરળતા રહે તે માટે હિયરિંગ એડનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, આ મંજૂરી માત્ર સૂચનાઓ આપવામાં આવે તે સમયગાળા માટે જ રહેશે. ત્યારબાદ ઉમેદવારને હિયરિંગ એડ સુપરવાઇઝર પાસે જમા કરાવવી પડશે.
પ્રવેશ અને નિર્ગમન સમયે મળશે પ્રાથમિકતા
પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ અને બહાર નીકળતી વખતે ભીડભાડ અથવા અફરાતફરી ટાળવા માટે દિવ્યાંગ ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. આ નિર્ણયથી ઉમેદવારોને અનાવશ્યક રાહ જોવી નહીં પડે અને તેઓ સરળતાથી પરીક્ષા કેન્દ્રમાં અવરજવર કરી શકશે.
સંવેદનશીલ આયોજનને મળી રહી છે પ્રશંસા
GPSC દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે કરવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થાઓને વ્યાપક પ્રશંસા મળી રહી છે. રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સર્વસમાવેશકતા અને સમાન તકના સિદ્ધાંતને વધુ મજબૂત બનાવતા આ પગલાં દિવ્યાંગ ઉમેદવારો માટે મોટી રાહત સાબિત થશે. પરીક્ષા દરમિયાન ઉમેદવારોને વધુ અનુકૂળ, સુરક્ષિત અને સુલભ વાતાવરણ મળી રહે તે માટે આયોગ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ શિક્ષણ અને ભરતી પ્રક્રિયામાં સંવેદનશીલ શાસનનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહી છે.





