ભારતમાં આરોગ્ય સેવાઓને વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બનાવવા માટે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે દેશભરમાં દર્દીઓને નજીકના હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડ અને વેન્ટિલેટરની માહિતી GPS આધારિત ‘રિયલ-ટાઈમ’ સિસ્ટમ દ્વારા મળી શકશે. આ નિર્ણય ખાસ કરીને ઈમરજન્સી પરિસ્થિતિમાં જીવ બચાવવા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને (UTs) ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માટે ન્યૂનતમ ધોરણો લાગુ કરવા માટે સમયમર્યાદામાં કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવાનની બેચે આ મામલે સુનાવણી દરમિયાન જણાવ્યું કે દેશભરમાં ટેક્નોલોજી આધારિત આરોગ્ય સેવાઓની તાત્કાલિક જરૂર છે. કોર્ટના મતે, આરોગ્ય સેવાઓ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી મર્યાદિત ન રહી શકે, પરંતુ તે લોકો સુધી સરળતાથી અને ઝડપથી પહોંચે તે જરૂરી છે.
ICU માટે તૈયાર થયો ‘બેઝિક ફ્રેમવર્ક’
કોર્ટને માહિતી આપવામાં આવી કે ICU સેવાઓ માટે એક સામાન્ય ‘બેઝિક ડોક્યુમેન્ટ’ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ગહન સારવાર એકમો માટે જરૂરી માળખું અને સેવા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વહેંચવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ દિશામાં થયેલી પ્રગતિને મહત્વપૂર્ણ ગણાવી અને કહ્યું કે આ માર્ગદર્શિકા વ્યવહારુ અને અમલ માટે યોગ્ય છે.
નિષ્ણાતોની સલાહથી તૈયાર થશે સિસ્ટમ
સુનાવણી દરમિયાન દેશના અગ્રણી આરોગ્ય સંસ્થાઓના નિષ્ણાતોએ મહત્વપૂર્ણ સૂચનો આપ્યા. તેમાં AIIMS, ટાટા મેમોરિયલ સેન્ટર, મેદાંતા અને સર ગંગા રામ હોસ્પિટલના ડોક્ટરોનો સમાવેશ થાય છે. આ નિષ્ણાતોએ ICU ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, સ્ટાફ ટ્રેનિંગ અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવા માટે સૂચનો આપ્યા. કોર્ટે આ સૂચનોને “ખૂબ જ ઉપયોગી અને વ્યવહારુ” ગણાવ્યા છે.
‘રિયલ-ટાઈમ હોસ્પિટલ લોકેટર’ પર ખાસ ભાર
આ કેસમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ‘રિયલ-ટાઈમ હોસ્પિટલ એક્સેસ સિસ્ટમ’ રહ્યો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે દેશને એવી સિસ્ટમની જરૂર છે જેમાં દર્દીઓ અથવા તેમના પરિવારજનો તરત જાણી શકે કે કયા હોસ્પિટલમાં ICU બેડ, વેન્ટિલેટર અથવા જરૂરી સારવાર ઉપલબ્ધ છે. આ સિસ્ટમ GPS આધારિત હશે, જે દર્દીને નજીકના ઉપલબ્ધ હોસ્પિટલ સુધી ઝડપી માર્ગદર્શન આપશે. ખાસ કરીને અકસ્માત કે ગંભીર બીમારી જેવી પરિસ્થિતિમાં આ જીવન બચાવનાર સાબિત થઈ શકે છે.
રાજ્યોને એક અઠવાડિયામાં કાર્યવાહીનો આદેશ
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને UTsના આરોગ્ય વિભાગોને નિર્દેશ આપ્યો છે કે તેઓ એક અઠવાડિયામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજે. આ બેઠકમાં ICU માર્ગદર્શિકાના અમલ માટે “વ્યવહારુ અને યથાર્થ” યોજના તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત અધિકારીઓને પ્રાથમિક તબક્કામાં પાંચ મુખ્ય જરૂરીયાતો જેમ કે માનવ સંસાધન, સાધનો અને લોજિસ્ટિક્સ ઓળખીને તેને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે.
ત્રણ અઠવાડિયામાં સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવો
કોર્ટએ સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરી છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની યોજના તૈયાર કરીને કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયને મોકલવી પડશે. ત્યારબાદ એક સંયુક્ત રાષ્ટ્રીય બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ત્રણ અઠવાડિયામાં પૂર્ણ કરવાની રહેશે. કેસની આગામી સુનાવણી 18 મે નક્કી કરવામાં આવી છે.





