રાજકોટ ખાતે નિર્માણ થનાર સરદાર ધામના સંકુલના ભૂમિવંદના સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ‘મિશન 2026’ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનનું સરદારધામનું ભવ્ય સંકુલ સમાજની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને વેગ આપશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે ગોવિંદ ધોળકિયાએ મહત્વનું નિવેદન આપ્યું હતું.
ગોવિંદ ધોળકિયાએ શું કહ્યું?
રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે, ''તમામ પાટીદાર સમાજ એક જ છે, 2006માં કરેલા સમસ્ત પાટીદાર સમાજના બેનર હેઠળ કાર્યક્રમ કર્યો હતો. જેમાં 12 લોકો જોડાયા હતા તેમજ 1200 લોકો સ્ટેજ પર હતા, જેનું આ ફળ છે. આ સરદાર ધામ સમસ્ત પાટીદાર સમાજ માટે જ છે''. તેમણે કહ્યું કે, અહીં સરદાર ધામ બનશે, જેનાથી વિદ્યાર્થીઓને મોટો લાભ થશે અને GPSC, UPSCને લગતું શિક્ષણ મળશે.
કડવા અને લેઉવા પાટીદાર સમાજને એક થવાની વાત
આ કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયાએ કડવા અને લેઉવા પાટીદાર સમાજને એક થવાની વાત કરી છે. તેમણે જૈનો પાસેથી શું શીખવા જેવું છે તેની પણ ચર્ચાઓ કરી હતી. વિદ્યાર્થીઓને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ, સિવિલ સર્વિસીસ માટેની તાલીમ, ઉપરાંત સ્પોર્ટ્સ, સામાજિક માર્ગદર્શન, બિઝનેસ એક્ટિવિટીઝ સહિતની સુવિધાઓથી આ કેન્દ્ર પાટીદાર સમાજ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસનું મહત્ત્વ કેન્દ્ર બને તેવી શુભકામનાઓ પણ મુખ્યમંત્રીએ પાઠવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ મનસુખભાઈ માંડવિયા, સાથી મંત્રી રાઘવજી પટેલ, ગગજીભાઈ સુતરિયા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા






