Home National Government Employees Get Chance To Travel To South India Special Train Started By Railways

કર્મચારીઓ માટે દક્ષિણ ભારત પ્રવાસની સોનેરી તક : રેલવે દ્ધારા શરૂ કરાઈ વિશેષ ટ્રેન, જાણો કેવી રીતે લઈ શકશો લાભ

Divine South Darshan Yatra Special Train
Published by: Nirali Gohil
Last Updated: Apr 10, 2026, 11:24 AM IST

Divine South Darshan Yatra: ઉનાળુ વેકેશન નજીક આવી રહ્યું છે ત્યારે ભારતીય રેલવે દ્વારા પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા અને સરકારી કર્મચારીઓ તેમજ શ્રદ્ધાળુઓ માટે એક શાનદાર તક પૂરી પાડવામાં આવી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા 'ભારત ગૌરવ ટ્રેન' અંતર્ગત આગામી મે 2026માં 'દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 11 દિવસીય આ ધાર્મિક પ્રવાસમાં દક્ષિણ ભારતના પ્રખ્યાત જ્યોતિર્લિંગો અને પવિત્ર યાત્રાધામોના દર્શન કરાવવામાં આવશે.

આ પ્રવાસ ખાસ કરીને એવા સરકારી કર્મયોગીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે જેઓ લીવ ટ્રાવેલ કન્સેશન (LTC)નો લાભ લેવા ઈચ્છતા હોય. 12 મે 2026 થી 22 મે 2026 દરમિયાન યોજાનારી આ યાત્રામાં મુસાફરોને આરામદાયક મુસાફરી સાથે રહેવા-જમવાની તમામ સુવિધાઓ રેલવે દ્વારા જ પૂરી પાડવામાં આવશે. ગુજરાતના વિવિધ મુખ્ય સ્ટેશનો પરથી આ ટ્રેનમાં સવાર થવાની સુવિધા આપવામાં આવી હોવાથી રાજ્યભરના શ્રદ્ધાળુઓમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દક્ષિણ ભારતના પવિત્ર યાત્રાધામોનો થશે પ્રવાસ

આ 11 દિવસીય પ્રવાસ દરમિયાન શ્રદ્ધાળુઓને દક્ષિણ ભારતના આધ્યાત્મિક વારસાની ઝાંખી કરાવવામાં આવશે. આ યાત્રામાં મુખ્યત્વે ભગવાન વેંકટેશ્વરના ધામ તિરુપતિ બાલાજી, જ્યોતિર્લિંગ એવા મલ્લિકાર્જુન અને રામનાથસ્વામી (રામેશ્વરમ્) ના દર્શનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મદુરાઈનું પ્રખ્યાત મીનાક્ષી મંદિર અને ભારતની દક્ષિણ સીમા એવા કન્યાકુમારીના દર્શન પણ કરાવવામાં આવશે. ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ આ યાત્રા મુસાફરો માટે અવિસ્મરણીય અનુભવ બની રહેશે.

આ પણ વાંચો: 1 કલાકના ઓવરટાઇમ માટે કેટલો મળશે પગાર? : કર્મચારીઓ માટે નવા નિયમો જાહેર, જાણો સંપૂર્ણ વિગતો

ગુજરાતના આ સ્ટેશનો પરથી મળશે ટ્રેન

ગુજરાતી પ્રવાસીઓની સુવિધા માટે આ ટ્રેન રાજ્યના વિવિધ મહત્વના સ્ટેશનો પર ઉભી રહેશે, જ્યાંથી મુસાફરો જોડાઈ શકશે:

  • રાજકોટ, સુરેન્દ્રનગર અને વિરમગામ

  • સાબરમતી (અમદાવાદ), નડિયાદ અને આણંદ

  • વડોદરા, ભરૂચ અને સુરત

પેકેજ અને ભાડાની વિગતો

IRCTC દ્વારા મુસાફરોની જરૂરિયાત મુજબ ત્રણ અલગ-અલગ કેટેગરીમાં પેકેજ જાહેર કરવામાં આવ્યા છે:

  • ઇકોનોમી ક્લાસ (સ્લીપર): ₹21,525 પ્રતિ વ્યક્તિ

  • કમ્ફર્ટ ક્લાસ (3-Tier AC): ₹39,105 પ્રતિ વ્યક્તિ

સુપિરિયર ક્લાસ (2-Tier AC): ₹48,185 પ્રતિ વ્યક્તિ આ પેકેજમાં ટ્રેન ટિકિટ ઉપરાંત શાકાહારી ભોજન, બસ દ્વારા સ્થાનિક સાઈટસીઈંગ અને હોટલમાં રોકાણની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

બુકિંગ માટેની માહિતી

આ પ્રવાસ માટે 'વહેલા તે પહેલા'ના ધોરણે બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઈચ્છુક નાગરિકો IRCTCની સત્તાવાર વેબસાઈટ www.irctctourism.com પર જઈને ઓનલાઈન બુકિંગ કરી શકે છે. આ ઉપરાંત અમદાવાદમાં આશ્રમ રોડ સ્થિત IRCTCની ઓફિસનો પણ સંપર્ક કરી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now