Gopal Italia statement : વિસાવદરમાં ખેડૂતોના ટેકાના ભાવ ખરીદ કેન્દ્રમાં ભ્રષ્ટાચાર અને ખોટી FIRના મુદ્દે આમ આદમી પાર્ટીએ ભારે વિરોધ નોંધાવ્યો છે. AAPના નેતા હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરીયા અને ભદ્રેશભાઈ બાબરીયાએ વાજતે ગાજતે વિસાવદર પોલીસ સ્ટેશન જઈને પોતાની ધરપકડ કરાવી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં રાજકીય અને સામાજિક ચર્ચા જગાવી છે. ગોપાલ ઇટાલીયાએ ગંભીર આરોપો સાથે ધૂંટણીએ બેસી પોલીસ અધિકારીઓને રજૂઆત કરી હતી
ગોપાલ ઇટાલીયાએ ગંભીર આરોપો લગાવ્યા
આ મુદ્દે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ટેકાના ભાવના ખરીદ કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી ધમકાવીને પૈસા માંગવામાં આવે છે અને જો પૈસા ન આપે તો ખેડૂતોનો માલ રિજેક્ટ કરી દેવામાં આવે છે. આ બાબતે અનેક અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવારણ આવ્યું નહોતું. ગોપાલ ઇટાલીયાએ 24 તારીખે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે લેખિત ફરિયાદ પણ કરી હતી, પરંતુ તેમની ફરિયાદ બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી.
'અધિકારીઓને કટકી મળતી હોવાથી આખું તંત્ર મૌન'
ગોપાલ ઇટાલીયાના જણાવ્યા મુજબ ટેકાના ભાવમાં થતા ભ્રષ્ટાચારમાંથી વિવિધ અધિકારીઓને કટકી મળતી હોવાથી આખું તંત્ર મૌન રાખી રહ્યું છે અને એ મુજબ જ કામ કરવામાં આવે છે. ખેડૂતોની મદદ કરવા માટે જ્યારે હરેશભાઈ સાવલિયા, રવિભાઈ ડોબરીયા અને ભદ્રેશભાઈ બાબરીયા ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે તેમના પર છેડતીનો ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આ મામલે ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે બોટાદમાં પણ ખેડૂતો પર કડદો કરનાર લોકોની ફરિયાદ કરવા જનાર રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ આજે જેલમાં છે. એટલે કે ખેડૂતો સાથે બળજબરી કરનારા લોકો સામે નહીં, પરંતુ બળજબરી વિરુદ્ધ અવાજ ઉઠાવનારા લોકો સામે ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે.
'ખેડૂતો માટે લડે છે, તેમને ભાજપ સરકાર પકડી પકડીને જેલમાં નાંખે'
તેમણે આરોપ લગાવ્યો કે, 'ગુજરાતમાં જે પણ લોકો ખેડૂતો માટે લડે છે, તેમને ભાજપ સરકાર પકડી પકડીને જેલમાં નાંખી રહી છે. વિસાવદરના કેસમાં ખોટી FIR રાત્રે દાખલ કરવામાં આવી અને 24 કલાકની અંદર જ ધરપકડ પણ કરી લેવામાં આવી, જે સરકાર અને પોલીસની મનમાની બતાવે છે. આ સમગ્ર ઘટનાને લઈ આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે અને ભ્રષ્ટાચાર બંધ નહીં થાય ત્યાં સુધી પાર્ટી ખેડૂતોની લડાઈ લડતી રહેશે અને સરકારના દમન સામે અવાજ ઉઠાવતી રહેશે.





















