Google storage update: જો તમે Gmail, Google Photos અને Google Drive નો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. છેલ્લા ઘણા વર્ષોથી Google તેના દરેક યુઝરને 15GB ફ્રી ક્લાઉડ સ્ટોરેજ આપતું આવ્યું છે, પરંતુ હવે કંપની આ નિયમમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી હોય તેવું લાગે છે. તાજેતરના અહેવાલો મુજબ, નવા યુઝર્સે હવે સંપૂર્ણ 15GB સ્ટોરેજ મેળવવા માટે એક વધારાની શરત પૂરી કરવી પડી શકે છે.
નવા યુઝર્સ માટે બદલાઈ શકે છે નિયમો
'9to5 Google' ના રિપોર્ટ અનુસાર, Google નવા એકાઉન્ટ બનાવતા યુઝર્સ માટે એક નવી સિસ્ટમનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આમાં યુઝર્સને બે વિકલ્પો આપવામાં આવી રહ્યા છે. જો તમે ફોન નંબર લિંક નથી કરતા, તો તમને માત્ર 5GB ફ્રી સ્ટોરેજ મળશે. જો તમે તમારો મોબાઈલ નંબર લિંક કરો છો, તો જ તમે કોઈપણ વધારાના ચાર્જ વગર પૂરેપૂરું 15GB સ્ટોરેજ અનલોક કરી શકશો.
Reddit પર સ્ક્રીનશોટ થયા વાયરલ
Reddit પર કેટલાક યુઝર્સે નવા Gmail એકાઉન્ટ સેટઅપ દરમિયાન દેખાતા નોટિફિકેશનના સ્ક્રીનશોટ શેર કર્યા છે. આ નોટિફિકેશનમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, Google Photos, Drive અને Gmail માટે વધુ સ્ટોરેજ મેળવવા માટે ફોન નંબર ઉમેરવો આવશ્યક છે. કંપનીનું કહેવું છે કે આનાથી એ સુનિશ્ચિત થશે કે વધારાના સ્ટોરેજનો લાભ એક વ્યક્તિને એક જ વાર મળે.
શા માટે Google આવો ફેરફાર કરી રહ્યું છે?
રિપોર્ટ્સ અનુસાર, Google નો મુખ્ય ઉદ્દેશ્ય ફેક એકાઉન્ટ્સ અને બોટ એક્ટિવિટીને રોકવાનો છે. ફોન નંબર લિંક કરવાથી કંપની એ જાણી શકશે કે એક જ વ્યક્તિ અનેક એકાઉન્ટ બનાવીને વારંવાર 15GB સ્ટોરેજનો મફત લાભ તો નથી ઉઠાવી રહી ને? આ રીતે "એક વ્યક્તિ, એક સ્ટોરેજ લાભ" જેવી વ્યવસ્થા લાગુ કરવાનો કંપનીનો ઈરાદો હોઈ શકે છે.
સપોર્ટ પેજ પર પણ કરાયો ફેરફાર
એવું પણ જાણવા મળ્યું છે કે Google એ તેના સપોર્ટ પેજની ભાષામાં ફેરફાર કર્યો છે. પહેલા ત્યાં લખેલું હતું કે દરેક Google એકાઉન્ટ સાથે 15GB સ્ટોરેજ મળે છે, પરંતુ હવે ત્યાં "15GB સુધી" (Up to 15GB) સ્ટોરેજ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે આ ફેરફાર માર્ચ 2026 ની આસપાસ કરવામાં આવ્યો છે.
જૂના યુઝર્સ પર શું અસર થશે?
જો તમે પહેલેથી જ Google એકાઉન્ટ વાપરી રહ્યા છો અને તમારી પાસે 15GB સ્ટોરેજ છે, તો હાલમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ ફેરફાર અત્યારે માત્ર નવા એકાઉન્ટ બનાવતા યુઝર્સ માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જોકે, ભવિષ્યમાં Google આ નીતિને તમામ યુઝર્સ માટે લાગુ કરે છે કે નહીં, તે જોવું રહ્યું. જો તમે નવું Google એકાઉન્ટ બનાવવાનું વિચારી રહ્યા છો, તો તૈયાર રહેજો. પૂરેપૂરું 15GB સ્ટોરેજ મેળવવા માટે તમારે તમારો ફોન નંબર વેરીફાય કરવો પડી શકે છે, જેથી તમે તમારા Photos અને Drive નો અવિરત ઉપયોગ કરી શકો.





