ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં વધુ એક ધમાકેદાર એન્ટ્રી થવા જઈ રહી છે. જાણીતી ચીની કંપની Redmi (શાઓમી) હવે ભારતમાં તેની પ્રીમિયમ 'ટર્બો' સિરીઝ શરૂ કરવા જઈ રહી છે. કંપનીએ તેના નવા સ્માર્ટફોન Redmi Turbo 5 ના લોન્ચિંગના સત્તાવાર સંકેત આપી દીધા છે. એમેઝોન પર આ સ્માર્ટફોન માટે એક સ્પેશિયલ માઇક્રોસાઇટ પણ લાઇવ થઈ ગઈ છે, જે આ ફોનની ડિઝાઇન અને તેના પ્રીમિયમ ફીચર્સ વિશે ઘણું બધું કહી જાય છે. ભારતીય યુઝર્સ લાંબા સમયથી આ સિરીઝની રાહ જોઈ રહ્યા હતા.
આકર્ષક ડિઝાઇન અને પ્રીમિયમ લુક
આ સ્માર્ટફોનની ડિઝાઇન એકદમ આધુનિક અને યુઝર-ફ્રેન્ડલી રાખવામાં આવી છે. તેમાં એક આકર્ષક ફ્લેટ રીઅર પેનલ આપવામાં આવી છે, જેના નીચેના જમણા ખૂણામાં Redmi નું બ્રાન્ડિંગ જોવા મળે છે. ફોનની જમણી બાજુએ પાવર બટન અને વોલ્યુમ કંટ્રોલ બટન્સ સેટ કરવામાં આવ્યા છે, જે એક હાથે ઉપયોગ કરવામાં સરળતા રહે છે. એમેઝોન પર જોવા મળેલી તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે, આ ફોન તેની પ્રીમિયમ ફિનિશિંગ સાથે માર્કેટમાં અલગ તરી આવશે.
શાનદાર ડિસ્પ્લે અને પાવરફુલ પરફોર્મન્સ
ડિસ્પ્લેની વાત કરીએ તો, Redmi Turbo 5 માં 6.59-ઇંચની વિશાળ 1.5K OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટ અને ડોલ્બી વિઝન સપોર્ટ સાથે આવે છે, જે વીડિયો જોવાનો અનુભવ અદભૂત બનાવે છે. તેની 3,500 nits ની પીક બ્રાઇટનેસ તેને કદકતા સૂર્યપ્રકાશમાં પણ સ્પષ્ટ રાખે છે. પરફોર્મન્સ માટે આ ફોનમાં MediaTek Dimensity 8500 Ultra ચિપસેટ છે, જે ગેમિંગ અને મલ્ટી-ટાસ્કિંગ માટે બેસ્ટ છે. આ ફોન લેટેસ્ટ Android 16 બેસ્ડ Xiaomi HyperOS 3 પર કામ કરે છે.
પ્રોફેશનલ કેમેરા ક્વોલિટી
ફોટોગ્રાફીના શોખીનો માટે આ ફોનમાં આધુનિક ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. જેમાં 50mp નો મુખ્ય કેમેરો OIS (ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન) સપોર્ટ સાથે આવે છે, જેનાથી તમે ચાલતા-ચાલતા પણ સ્થિર અને સ્પષ્ટ વીડિયો શૂટ કરી શકો છો. તેની સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ લેન્સ છે, જે ગ્રુપ ફોટા માટે ઉત્તમ છે. આ કેમેરા 4K 60 fps વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલ્સ માટે ફોનની સામેની તરફ 20mp નો પાવરફુલ કેમેરો આપવામાં આવ્યો છે.
દમદાર બેટરી અને એડવાન્સ સુરક્ષા
આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની 7,560 mAh ની વિશાળ બેટરી છે, જે સામાન્ય વપરાશમાં બે દિવસ સુધી આરામથી ચાલી શકે છે. આ બેટરીને ઝડપથી ચાર્જ કરવા માટે કંપનીએ 100W ના સુપર ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપ્યો છે, સાથે જ તેમાં 27W રિવર્સ ચાર્જિંગની સુવિધા પણ છે. સુરક્ષાના ભાગરૂપે આ ફોનમાં અત્યાધુનિક અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, જે ફોનને પલકવારમાં અનલોક કરે છે અને ડેટાને સુરક્ષિત રાખે છે.





