Home Sports Good News For Cricket Fans Ahead Of The New Zealand Series

ન્યૂઝીલેન્ડ સીરિઝ પેહલા ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર : શ્રેયસ અય્યરે ઇન્જરી બાદ બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી!

ન્યૂઝીલેન્ડ સીરિઝ પેહલા ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 05:44 AM IST

Shreyas Iyer Fitness:ભારતીય ક્રિકેટ ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન અને વનડે ઉપ-કપ્તાન શ્રેયસ અય્યરની ફિટનેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયા દૌરા દરમિયાન ગંભીર ઈજા બાદ લગભગ બે મહિનાથી ક્રિકેટથી દૂર રહેલા અય્યરે 24 ડિસેમ્બરે મુંબઈમાં પ્રથમ વખત બેટિંગ પ્રેક્ટિસ કરી છે. આ દરમિયાન તેમને કોઈ તકલીફ નહોતી થઈ, જે તેમની વાપસી માટે સારા સંકેત છે. હવે તે બેંગ્લોરમાં BCCIના સેન્ટર ઓફ એક્સલન્સ (CoE)માં વધુ રિહેબિલિટેશન માટે પહોંચી ગયા છે. ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝથી તેમની વાપસીની શક્યતા છે, પરંતુ તે ફિટનેસ પર આધારિત રહેશે.

અય્યરને શું થયું હતું?

શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા ટુર દરમિયાન 25 ઓક્ટોબરે સિડનીમાં ત્રીજી વનડે મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ગંભીર ઈજા થઈ હતી. કેચ પકડવા માટે ડાઈવ મારતી વખતે તેમની પાંસળી અને પેટના ભાગમાં આંચકો લાગ્યો, જેના કારણે સ્પ્લીનમાં લેસરેશન (ફાટ) અને આંતરિક રક્તસ્ત્રાવ થયો. તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાં જ તેમની સર્જરી કરવામાં આવી. આ ઈજા ગંભીર હોવાથી તે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં પણ રમી શક્યા નહીં. બે મહિનાથી વધુ સમયથી તે ઘરે આરામ કરીને રિકવરી કરી રહ્યા હતા.

શ્રેયસ અય્યરે પ્રેક્ટિસ શરૂ કરી

31 વર્ષીય શ્રેયસ અય્યરે ઈજા બાદ પ્રથમ વખત 24 ડિસેમ્બરે મુંબઈમાં લગભગ એક કલાક સુધી બેટિંગ પ્રેક્ટિસ કરી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ દરમિયાન તેમને કોઈ દુખાવો કે તકલીફ નહોતી થઈ. તે પહેલા તે જિમ અને ફિટનેસ ટ્રેનિંગ પણ શરૂ કરી ચૂક્યા હતા. 25 ડિસેમ્બરે તે બેંગ્લોરમાં BCCIના CoE પહોંચી ગયા, જ્યાં મેડિકલ ટીમ તેમની ફિટનેસ પર નજર રાખશે અને વધુ રિહેબિલિટેશન કરાવશે. અહીં તેઓ ચારથી છ દિવસ રહી શકે છે, જે બાદ તેમની વાપસીની તારીખ સ્પષ્ટ થશે.

શું ન્યૂઝીલેન્ડ સિરીઝ રમી શકશે?

ન્યૂઝીલેન્ડની ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવશે, જેમાં પહેલા ત્રણ વનડે (11 જાન્યુઆરીથી શરૂ) અને પછી પાંચ T-20 મેચ રમાશે. અય્યરની નજર વનડે સિરીઝ પર છે, પરંતુ BCCIના સૂત્રોના જણાવ્યા મુજબ તેમાં રમવું મુશ્કેલ લાગે છે. તેમ છતાં, વિજય હજારે ટ્રોફીના અંતિમ તબક્કામાં વાપસીની વધુ શક્યતા છે, જે સિરીઝ દરમિયાન ચાલુ રહેશે. વનડે ટીમની જાહેરાત જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં થઈ શકે છે અને તેમાં અય્યરને સ્થાન મળી શકે છે, પરંતુ ફિટનેસ ક્લિયરન્સ જરૂરી રહેશે. CoEમાંથી મળનારા અહેવાલ પછી જ તેમની વાપસીની તસવીર સ્પષ્ટ થશે. ભારતીય ચાહકોને અય્યરની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now