Srinathgadh Moviya Skoda Car Accident: રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં હજુ માંડ બે મહિનાનો જેલવાસ ભોગવી જામીન પર મુક્ત થયેલી મુખ્ય આરોપી પૂજા રાજગોરનું એક ભયાનક માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. સાસણ ગીર ખાતે મિત્રો સાથે ફરવા ગયેલી પૂજા પરત ફરી રહી હતી, ત્યારે ગોંડલ નજીક તેમની કાર એક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
શ્રીનાથગઢ-મોવિયા વચ્ચે કારનો કુરચો બોલી ગયો
મળતી માહિતી મુજબ, પૂજા રાજગોર તેના મિત્રો સાથે કાળા રંગની સ્કોડા કારમાં સાસણથી પરત ફરી રહી હતી. આ દરમિયાન શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે આવેલી 'દાવત બેવરેજીસ' પાસે પૂરપાટ ઝડપે જતી કાર ચાલકે નિયંત્રણ ગુમાવતાં કાર રોડ કિનારે આવેલા એક મોટા વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કુરચો બોલી ગયો હતો અને 25 વર્ષીય પૂજા રાજગોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
5 વર્ષની બાળકી સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ
આ દુર્ઘટનામાં માત્ર પૂજાએ જીવ ગુમાવ્યો એટલું જ નહીં, પરંતુ કારમાં સવાર અન્ય 4 લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં એક 5 વર્ષની માસૂમ બાળકીનો પણ સમાવેશ થાય છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
"કૂતરાઓ સાથે દુષ્કૃત્ય કરાવી મારા વીડિયો..." : મિત્રોથી ત્રાસીને ચિઠ્ઠી લખી ખેડૂતે જીવન ટૂંકાવ્યું
અકસ્માતના 21 કલાક પહેલાની એ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી...
આ સમગ્ર ઘટનામાં એક ચોંકાવનારો વળાંક એ સામે આવ્યો છે કે, અકસ્માતના માત્ર 21 કલાક પહેલા જ પૂજા રાજગોરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક અજાણ્યા પુરુષ સાથે 'કપલ ફોટો' સ્ટોરીમાં શેર કર્યો હતો. આ સ્ટોરી શેર કર્યાના ગણતરીના કલાકોમાં જ તેનું મોત નીપજતાં સોશિયલ મીડિયા પર પણ આ બાબત ભારે ચર્ચાનો વિષય બની છે.
કોણ હતી પૂજા રાજગોર?
પૂજા રાજગોર રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસની મુખ્ય માસ્ટરમાઈન્ડ અને સહ-આરોપી હતી. અમિત ખૂંટને આપઘાત માટે મજબૂર કરવાના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આશરે ૨ મહિના સુધી જેલના સળિયા પાછળ રહ્યા બાદ તે તાજેતરમાં જ જામીન પર બહાર આવી હતી. જામીન મળ્યા બાદ તે મિત્રો સાથે સાસણ ફરવા ગઈ હતી, જ્યાંથી પાછા વળતી વખતે કાળ તેનો કોળિયો કરી ગયો. આ હાઇપ્રોફાઇલ કેસની આરોપીનું અકસ્માતમાં મોત થતાં પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.





