PM Modi Inaugurates 53 Projects In Daman: વિશ્વ પર્યાવરણ દિવસના ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડાયમંડ સિટી સુરતની મુલાકાત લીધા બાદ સંઘપ્રદેશ દમણ ખાતે આવી પહોંચ્યા હતા. દમણ આગમન પર વડાપ્રધાનનું ભવ્ય અને અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે નાના બાળકો, મહિલાઓ અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. સમગ્ર દમણ 'મોદી-મોદી'ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને વડાપ્રધાન પર પુષ્પવર્ષા કરીને લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
'નમો એરપોર્ટ' અને 'નમો હોસ્પિટલ'નું લોકાર્પણ
દમણ પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભવ્ય રોડ શો યોજ્યો હતો. ત્યારબાદ તેમણે દમણવાસીઓને મોટી ભેટ આપતા અદ્યતન 'નમો એરપોર્ટ' અને નવીનતમ સુવિધાઓથી સજ્જ 'નમો હોસ્પિટલ'નું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ પર્યાવરણ દિવસના પ્રતીક રૂપે પીએમ મોદીએ દમણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
'કોંગ્રેસનું પરોપજીવી રાજકારણ કામ નહીં કરે.' : સુરતની જનસભામાં PM મોદીના પ્રહારો
રૂ. 3000 કરોડના વિકાસકાર્યોની સુનામી
વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન દમણના સર્વાંગી વિકાસ અને આધુનિક સુવિધાઓ વધારવાના ઉદ્દેશ્ય સાથે રૂ. 3000 કરોડથી વધુના કુલ 53 વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી રહ્યા છે. આ તમામ પ્રોજેક્ટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય સંઘપ્રદેશ દમણમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને સ્થાનિકો અને પ્રવાસીઓ માટે સુવિધાઓ સુદ્રઢ બનાવવાનો છે.
નાઈટ માર્કેટની મુલાકાત અને જનસભા
મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણના આકર્ષણ સમાન નાઈટ માર્કેટની મુલાકાત લેશે. ત્યાંની વ્યવસ્થાઓ નિહાળ્યા બાદ તેઓ એક વિશાળ જનસભાને સંબોધિત કરશે, જેમાં તેઓ કેન્દ્ર સરકારના વિકાસના વિઝન અને દમણના ભવિષ્ય અંગે વાત રજૂ કરશે. એરપોર્ટ અને મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ મળવાથી દમણમાં કનેક્ટિવિટી અને આરોગ્ય ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થશે.





