Home Sports IPL 2026 Glenn Phillips Angry Reaction Reporter Gt Vs Rcb Ipl 2026

‘આ શું બકવાસ સવાલ છે?’ : ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર ભડક્યો ગ્લેન ફિલિપ્સ

Glenn Phillips
Image Credit: IPL/BCCI
Published by: Aryan Shah
Last Updated: May 27, 2026, 09:45 AM IST

Glenn Phillips : IPL 2026 હવે તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. ક્વોલિફાયર-1 ની હાઇ-સ્ટેક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ગુજરાત ટાઇટન્સને 92 રને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ મોટી હાર બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગુજરાત ટાઇટન્સના સ્ટાર ખેલાડી ગ્લેન ફિલિપ્સ એક પત્રકારના સવાલ પર ખરાબ રીતે ગુસ્સે થઈ ગયા હતા અને સવાલને બકવાસ ગણાવ્યો હતો.

બેંગલુરુનો પહાડ જેવો સ્કોર

ધર્મશાલાના સુંદર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી RCB ની ટીમે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. RCB તરફથી રજત પાટીદારે માત્ર 33 બોલમાં નોટઆઉટ 93 રનની તોફાની ઇનિંગ રમીને ગુજરાતના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. આ સિવાય વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાના મહત્વના યોગદાનથી બેંગલુરુએ 20 ઓવરમાં 254 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો.

દબાણમાં વેરવિખેર થયું ગુજરાત

255 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ટીમે પાવરપ્લેથી જ નિયમિત અંતરે વિકેટો ગુમાવવાનું શરૂ કરી દીધું હતું. કેપ્ટન શુભમન ગિલ સહિત મધ્યમ ક્રમના બેટર્સ પણ ક્રીઝ પર ટકી શક્યા નહોતા. પરિણામે આખી ટીમ 20 ઓવરમાં માત્ર 162 રન જ બનાવી શકી અને ગુજરાતે 92 રનથી આ મેચ ગુમાવવી પડી.

સવાલ સાંભળીને કેમ ગુસ્સે થયા ફિલિપ્સ?

મેચ પૂરી થયા બાદ ગુજરાત ટાઇટન્સ વતી ગ્લેન ફિલિપ્સ મીડિયા સાથે વાત કરવા આવ્યા હતા. આ દરમિયાન એક રિપોર્ટરે તેમને સવાલ પૂછ્યો કે, "શું 250 થી વધુ રનના ટાર્ગેટના દબાણને કારણે ટીમની માનસિકતા પર અસર પડી હતી અને એટલે જ હાર થઈ?" આ સવાલ સાંભળતા જ ફિલિપ્સનો પારો ચડી ગયો હતો અને તેમણે આકરો જવાબ આપ્યો હતો.

IPL પ્લેઓફમાં RCB નો સૌથી મોટો ધડાકો!: કોહલી-પાટીદારે લખી નવી સુવર્ણકથા, IPL ના બધા રેકોર્ડ્સ પડ્યા ફિક્કા

અમે દબાણથી ડરતા નથી

રિપોર્ટરને રોકતા ગ્લેન ફિલિપ્સે રોષે ભરાઈને કહ્યું કે, આ બહુ ખરાબ અને બકવાસ સવાલ છે. કોઈ પણ ટીમ એવું વિચારીને મેદાનમાં નથી જતી કે અમે પહેલેથી જ હાર માની લીધી છે. અમે પ્રોફેશનલ ક્રિકેટર્સ છીએ અને જો અમે પ્રેશરથી ડરી જતાં હોત તો ક્યારેય આ સ્તર સુધી પહોંચી શક્યા ન હોત. અમે હંમેશા દરેક મેચ જીતવાના મક્કમ ઇરાદા સાથે જ મેદાનમાં ઉતરીએ છીએ.

T20 ક્રિકેટ અને નેહરાની 'ચિલ પિલ'

ગ્લેન ફિલિપ્સે વધુમાં જણાવ્યું કે, T20 ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલું છે. પાવરપ્લેમાં શરૂઆતની વિકેટો પડી જવાને કારણે અમે મેચમાં વાપસી ન કરી શક્યા. જ્યારે પત્રકારે પૂછ્યું કે મેચ ન રમવા છતાં મીડિયા સાથે વાત કરવી અજીબ નથી લાગતી? ત્યારે તેમણે કહ્યું કે ના, અમે બધા ટીમનો ભાગ છીએ અને બહાર બેઠેલા ખેલાડીનો નજરિયો પણ ઘણો કામ આવે છે. તેમણે ઉમેર્યું કે કોચ આશિષ નેહરા હંમેશાં કહે છે - ‘ચિલ પિલ’.

RCB ફાઇનલમાં, ગુજરાત પાસે હજી તક

આ શાનદાર જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2026 ની ફાઇનલમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી લીધી છે. બીજી તરફ, ક્વોલિફાયર-1 ગુમાવ્યા બાદ પણ ગુજરાત ટાઇટન્સની સફર સમાપ્ત નથી થઈ. ટૂર્નામેન્ટમાં ટકી રહેવા અને ફાઇનલમાં પહોંચવા માટે હવે તેમણે આગામી એલિમિનેટર મેચ જીતવી પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now