Home Gujarat Girnar Dudhdhara Parikrama Junagadh Rain Tradition

ગિરનારમાં 72 વર્ષથી અવિરત ચાલતી અનોખી 'દૂધધારા પરિક્રમા'નો પ્રારંભ : સારા વરસાદની કામના સાથે હજારો શ્રદ્ધાળુઓ જોડાયા

Girnar Parikrama
Published by: OBS Bureau
Last Updated: Jul 10, 2026, 12:12 PM IST

Junagadh News: ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમા વિશે તો સૌ કોઈ જાણે છે, પરંતુ ગિરનાર પર્વતમાં વર્ષમાં એકવાર યોજાતી દૂધધારા પરિક્રમા શું છે તેના વિશે અમુક લોકો જ જાણતા હોય છે. ત્યારે આજે જૂનાગઢમાં ગિરનારની ફરતે ૩૬ કિલોમીટરની દૂધધારા પરિક્રમાનો પરંપરાગત પ્રારંભ થયો છે. જેઠ વદ અગિયારસના પાવન દિવસે, છેલ્લા ૭૨ વર્ષથી આ અનોખી પરિક્રમા સારા વરસાદની કામના સાથે કરવામાં આવે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સંતો આ પરિક્રમામાં ભક્તિભાવ પૂર્વક જોડાયા હતા.

અમદાવાદના વસ્ત્રાલમાં કરોડોની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ : શક્તિવર્ધક દવાના નામે દેશભરમાં 5 હજાર લોકોને બનાવ્યા શિકાર

ગિરનારની ફરતે ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમા

આ દેવભૂમિ ઉપર દર વર્ષે કારતક માસમાં ગિરનારની ફરતે ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમા તો થાય જ છે, પરંતુ આજથી ૭૨ વર્ષ પહેલાં જ્યારે જૂનાગઢમાં ભયંકર દુકાળ પડ્યો હતો, ત્યારે તે સમયના વન વિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટર ભગવતસિંહ બાપુને એક વિચાર આવ્યો હતો. વરસાદ ખેંચાવાને કારણે તેમણે ગિરનારની પ્રદક્ષિણા કરવાનું નક્કી કર્યું. તેમણે પોતાની સાથે રહેલા વેપારીઓ અને પરમ પૂજ્ય સંત કરમણ ભગત સાથે આ અંગે ચર્ચા કરી અને બાદમાં તમામ લોકોએ સાથે મળીને ગિરનારની ફરતે ૩૬ કિલોમીટરની 'દૂધધારા પરિક્રમા' શરૂ કરી હતી. લોકવાયકા છે કે આ પરિક્રમા પૂર્ણ થતાની સાથે જ મેઘરાજા તૂટી પડ્યા હતા અને ત્યારથી જ આ દિવ્ય પરંપરા અવિરત ચાલી આવે છે.

ગિરનારની લીલી પરિક્રમા અને દૂધધારા પરિક્રમા બંને તદ્દન અલગ

અહીં ખાસ વાત એ છે કે ગિરનારની લીલી પરિક્રમા અને દૂધધારા પરિક્રમા બંને તદ્દન અલગ છે. લીલી પરિક્રમા સામાન્ય રીતે પાંચ દિવસ સુધી ચાલે છે, જ્યારે દૂધધારા પરિક્રમા માત્ર એક જ દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે. દૂધધારા પરિક્રમા એટલે કે જાણે દૂધની ધારા ઉપર જ પરિક્રમા થતી હોય તેમ ભક્તિમય માહોલ સર્જાય છે. ભવનાથમાં આવેલી કરમણ ભગતની જગ્યાએથી આ પરિક્રમા પ્રસ્થાન કરે છે. ભવનાથના નેસ વિસ્તારમાં રહેતા માલધારી સમાજના લોકો પેઢીઓથી આ પરિક્રમા માટે વિનામૂલ્યે શુદ્ધ દૂધ અર્પણ કરે છે. આજે પરિક્રમાના પ્રારંભ સમયે સાધુ-સંતો, જૂનાગઢના ધારાસભ્ય, ડેપ્યુટી મેયર તેમજ સામાજિક અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો.

શકુંતલાબેન વસાવાને જામીન મળશે કે નહીં? : હાઇકોર્ટે આપી નવી તારીખ, હવે મંગળવાર પર સૌની નજર

આશરે ૧૦૦ લીટર જેટલું પવિત્ર દૂધ એકત્ર કરીને યાત્રાનો પ્રારંભ

આ દૂધધારા પરિક્રમા માટે આશરે ૧૦૦ લીટર જેટલું પવિત્ર દૂધ એકત્ર કરીને યાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે. આ અંતર્ગત, સૌથી પહેલા ગિરનારની પ્રથમ સીડી અને ત્યારબાદ ભવનાથ મહાદેવ મંદિર સહિતના આસપાસના તમામ પવિત્ર શિવાલયો પર દૂધની અવિરત ધારા વરસાવીને જલાભિષેક-દૂગ્ધાભિષેક કરવામાં આવે છે. ત્યાંથી આગળ વધીને ઇટવા ગેટ પરિક્રમા રૂટથી આ યાત્રા સત્તાવાર રીતે જંગલ તરફ આગળ વધે છે. ગિરનારના આ પરિક્રમા રૂટ પર જીણાબાવાની મઢી, માળવેલા, સરકડીયા હનુમાન, નળ પાણીની ઘોડી અને અંતે બોરદેવી મંદિર ખાતે આ પરિક્રમા પૂર્ણ થતી હોય છે. માર્ગમાં આવતા તમામ શિવાલયો પર ભક્તો દ્વારા દૂધની ધારા વરસાવવામાં આવે છે. માલધારી સમાજના લોકો અને અન્ય મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભેર આ ઘનઘોર જંગલ તરફ રવાના થયા છે. વર્ષોથી પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓની દ્રઢ માન્યતા છે કે, જ્યારે પણ આ પરિક્રમા યોજાય છે ત્યારે ગિરનારમાં અચૂક વરસાદ થાય જ છે. આ જ અતૂટ આસ્થા સાથે આજે જનમેદની ઉમટી પડી હતી.

શ્રદ્ધાળુઓ 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના નાદ સાથે વનરાજી ગજવી

ગિરનાર પર્વતની ખીણોમાં આવેલા અતિ ઘાઢ અને ગિરનાર સેન્ચુરીના આ પ્રતિબંધિત જંગલ વિસ્તારમાંથી આ ૩૬ કિલોમીટરની પરિક્રમા પસાર થાય છે. આ જંગલોમાં સિંહ, દીપડા અને અન્ય દુર્લભ પ્રજાતિના હિંસક વન્ય જીવો વસવાટ કરતા હોવાથી, વન વિભાગ અત્યંત સતર્ક જોવા મળી રહ્યું છે. યાત્રાળુઓની સુરક્ષા, વન્ય પ્રાણીઓની રક્ષા અને પર્યાવરણની સંપૂર્ણ જાળવણી માટે વન વિભાગ દ્વારા ખાસ મંજૂરી આપવામાં આવી છે અને સમગ્ર રૂટ પર વનવિભાગનો ચુસ્ત સ્ટાફ તૈનાત કરી દેવાયો છે. આમ, પ્રકૃતિ અને સંસ્કૃતિના અનોખા સમન્વય સમાન વર્ષો જૂની ગિરનારની આ દૂધધારા પરિક્રમા આજે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થવા તરફ આગળ વધી રહી છે. સૌ કોઈ શ્રદ્ધાળુઓ 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના નાદ સાથે વનરાજી ગજવી રહ્યા છે.

સાદગીની મિસાલ : અમરેલીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મંત્રી કૌશિક વેકરીયાનો ‘દેશી અંદાજ’, ખેડૂતની ઝૂંપડીએ ચાની ચુસ્કી લેતો વીડિયો વાયરલ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now