ઉનાળાની ઋતુ શરૂ થતાં જ ખાટા-મીઠા ફળોના રાજા એટલે કે કેરીની સિઝન શરૂ થઈ જાય છે. ભારતભરમાં 1000 થી વધુ કેરીની જાતો જોવા મળે છે, પરંતુ જે સ્વાદ અને વટ ગીરની 'કેસર કેરી'નો છે, તેની સરખામણી અન્ય કોઈ સાથે થઈ શકે તેમ નથી. આજે 25 મેના રોજ આ મધમીઠી કેસર કેરી પોતાનો 92મો નામકરણ દિવસ ઉજવી રહી છે. બહુ ઓછા લોકો જાણે છે કે આ કેરીને 'કેસર' નામ કઈ રીતે મળ્યું.
વજીર સાલેભાઈ અને દેશી કેરીનો અનોખો સ્વાદ
વાત વર્ષ 1934ની આસપાસની છે, જ્યારે વંથલીના વેણુ રેવન્યુ સર્કલ વિસ્તારમાં દેશી કેરીના બગીચાઓ આવેલા હતા. જૂનાગઢ સ્ટેટના વજીર સાલેભાઈ ઈદુ અવારનવાર આ બગીચાઓની મુલાકાત લેતા હતા. એક દિવસ તેમણે કુદરતી રીતે પાકેલી એક ખાસ દેશી કેરીનો સ્વાદ ચાખ્યો. આ સ્વાદ એટલો અદ્દભુત હતો કે વજીર સાહેબ તેના ફેન થઈ ગયા. તેઓ આ કેરી પોતાના મિત્ર અને માંગરોળ સ્ટેટના નવાબ શેખ જહાંજીરમિયાં માટે ભેટ તરીકે લઈ ગયા હતા.
માંગરોળના નવાબે આપ્યું 'કેસર' નામ
માંગરોળના નવાબ આ કેરીના સ્વાદથી એટલા પ્રભાવિત થયા કે તેમણે આ આંબાના ઝાડને ‘સાલેભાઈની આંબડી’ નામ આપ્યું. ત્યારબાદ 25 મે, 1934ના ઐતિહાસિક દિવસે, કેરીના અદ્દભુત કેસરી રંગ, રેશાવગરનો મધ જેવો મીઠો સ્વાદ અને મનમોહક સુગંધ જોઈને નવાબે તેને શાહી નામ આપ્યું - ‘કેસર’. બસ, ત્યારથી વંથલીની આ દેશી આંબડી વૈશ્વિક સ્તરે 'કેસર કેરી' તરીકે ઓળખાઈ. બાદમાં જૂનાગઢની લાલધેરી સરકારી નર્સરીમાં તેની કલમો વૈજ્ઞાનિક ઢબે ઉછેરવામાં આવી હતી.
કેસર કેરી વિશેના રસપ્રદ ફેક્ટ્સ
સ્વાદિષ્ટ કેસર કેરીનો મુખ્ય પાક સામાન્ય રીતે April અને May મહિના દરમિયાન આવે છે, જેના આંબાની ઊંચાઈ 50 ફૂટ સુધી હોઈ શકે છે અને તેની કલમ રોપ્યા બાદ તેને ફળ આવતા 3 થી 4 વર્ષનો સમય લાગે છે. એક પુખ્ત આંબો વર્ષમાં આશરે 150 થી 200 કિલો જેટલું મબલખ ઉત્પાદન આપે છે, જેમાં સારી ગુણવત્તાવાળી એક કેરીનું વજન 200 થી 300 ગ્રામ જેટલું હોય છે. જો તેના બંધારણની વાત કરીએ તો, કેરીના કુલ વજનમાં 69 ટકા પલ્પ (રસ), 18 ટકા ગોટલી અને 13 ટકા છાલનો ભાગ હોય છે, અને આ મધમીઠા ફળમાં વિટામિન-A, વિટામિન-C, નેચરલ શુગર તેમજ શરીર માટે જરૂરી એસિડિટીના પોષક તત્વો ભરપૂર માત્રામાં રહેલા છે.
નવ દાયકા પહેલા જૂનાગઢ અને માંગરોળના નવાબોના દિલ જીતનારી આ કેરી આજે સાત સમંદર પાર વિદેશોમાં પણ 'કિંગ ઓફ મેંગો' તરીકે ધૂમ મચાવી રહી છે.






