કલ્પના કરો કે એક એવી જગ્યા જ્યાં સવારે તમારી બારીની બહાર હોર્નનો અવાજ નહીં પણ પાણીની લહેરોનો પગરવ સંભળાય. જ્યાં બાળકો સ્કૂલે જવા માટે સાયકલ નહીં પણ નાવડી પકડે છે અને ઓફિસ જવા માટે પાકો રસ્તો નહીં પણ નહેર જ એકમાત્ર માર્ગ હોય. ટ્રાફિક જામ અને પ્રદૂષણથી જોજનો દૂર આવેલું આ ગામ કોઈ સપનું નથી પણ એક હકીકત છે. આધુનિક દુનિયામાં જ્યાં ફ્લાયઓવર અને રસ્તાઓ પાછળ દોટ મૂકવામાં આવી રહી છે, ત્યાં Netherlandsનું Giethoorn ગામ વિકાસ અને પ્રકૃતિ વચ્ચેના સંતુલનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.
Venice of the North તરીકે ઓળખાય છે આ સુંદર ગામ
Giethoornને Venice of the North તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અહીં શેરીઓને બદલે નહેરો આવેલી છે. સમગ્ર ગામમાં પરિવહન માટે પાણી જ મુખ્ય માર્ગ છે. અહીં દરેક ઘરની સામે લાકડાના નાના ઘાટ બનાવવામાં આવ્યા છે જ્યાં નાવડીઓ બાંધેલી હોય છે. લોકો રોજબરોજના કામકાજ માટે આ નાવડીઓનો જ ઉપયોગ કરે છે. શાંત નહેરો, લીલાછમ મેદાનો અને પરંપરાગત છતવાળા ઘરોને કારણે આ ગામ કોઈ સુંદર પોસ્ટકાર્ડ જેવું મનોહર લાગે છે.
1230ની સાલથી શરૂ થયો હતો આ અનોખો ઈતિહાસ
Giethoornની વસાહત અંદાજે 1230ની સાલની આસપાસની માનવામાં આવે છે. શરૂઆતના સમયમાં અહીંના લોકો બળતણ તરીકે વપરાતી Peat નામની ખાસ ઘાસ કાઢતા હતા. આ ઘાસને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જમીન ખોદવામાં આવી હતી જેના કારણે સાંકડી નહેરો બની ગઈ હતી. સમય જતાં આ નહેરો જ પરિવહનનું મુખ્ય સાધન બની ગઈ અને ક્યારેય રસ્તાઓ બનાવવાની જરૂર જ ન જણાઈ.
Whisper Boats અને 180થી વધુ પુલોનું નેટવર્ક
આશરે 3000ની વસ્તી ધરાવતું આ ગામ સંપૂર્ણપણે નાવડીઓ પર નિર્ભર છે. અહીં ઇલેક્ટ્રિક મોટરથી ચાલતી Whisper Boatsનો ઉપયોગ થાય છે જે અવાજ પેદા કરતી નથી. શાળા, બજાર કે હોસ્પિટલ પહોંચવા માટે નહેરોનો જ સહારો લેવો પડે છે. જોકે, પગપાળા ચાલનારા લોકો માટે ગામમાં 180થી પણ વધુ નાના પુલ બનાવવામાં આવ્યા છે જે એક નહેરથી બીજી નહેરને જોડે છે.
પ્રદૂષણમુક્ત અને શાંત વાતાવરણનું સ્વર્ગ
વાહનોની ગેરહાજરીને કારણે Giethoornને યુરોપના સૌથી શાંત અને ઓછું પ્રદૂષણ ધરાવતા વિસ્તારોમાં ગણવામાં આવે છે. અહીં નથી ધુમાડાની અસર કે નથી ઘોંઘાટનું પ્રમાણ. અહીંની હવા અને પાણી બંને એકદમ શુદ્ધ છે. પર્યાવરણ પ્રેમીઓ અને માનસિક શાંતિની શોધમાં આવતા પ્રવાસીઓ માટે આ ગામ કોઈ સ્વર્ગથી ઉતરી આવ્યું હોય તેવું પ્રતીત થાય છે.





















