ભારતીય મુસાફરો માટે મોટા સમાચાર: જર્મનીમાં ટ્રાન્ઝિટ વિઝાની ઝંઝટમાંથી મળી મુક્તિ
દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને પ્રવાસીઓ અન્ય દેશોમાં જવા માટે જર્મનીના એરપોર્ટ પરથી પસાર થતા હોય છે. આવા તમામ મુસાફરો માટે એક ખુશખબર સામે આવ્યા છે. હવે ભારતીય નાગરિકોને જર્મનીના એરપોર્ટ પર લેઓવર (રોકાણ) દરમિયાન ટ્રાન્ઝિટ વિઝા (Transit Visa) ની જરૂર નહીં પડે. ભારત સ્થિત જર્મન એમ્બેસી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
June 3 થી નવો નિયમ અમલી બન્યો
જર્મન એમ્બેસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, "બીજા દેશમાં મુસાફરી કરતી વખતે જર્મનીના એરપોર્ટ પર સ્ટોપઓવર કરનારા ભારતીય નાગરિકોને હવે એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝામાંથી મુક્તિ આપવામાં આવી છે."
આ અંગેનો સત્તાવાર આદેશ June 2, 2026 ના રોજ ફેડરલ લો ગેઝેટમાં પબ્લિશ કરવામાં આવ્યો હતો અને આ નવો નિયમ June 3, 2026 થી અમલમાં આવી ગયો છે. જર્મની સરકારના આ પગલાથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત થશે અને લોકોની અવરજવર સરળ બનશે.
ફ્રાન્સ પણ આપી ચૂક્યું છે આ સુવિધા
જર્મની પહેલાં ફ્રાન્સ સરકારે પણ ભારતીય મુસાફરો માટે આ જ પ્રકારની સુવિધા શરૂ કરી દીધી છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં ભારતના વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે માહિતી આપી હતી કે, April 10, 2026 થી ફ્રાન્સના એરપોર્ટ પરથી ટ્રાન્ઝિટ થતા ભારતીયો માટે પણ વિઝાની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેની 'સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ' ના કારણે આ નિર્ણય લેવાયો હતો.
હવે યુરોપના બે મહત્વના દેશો ફ્રાન્સ અને જર્મની દ્વારા ટ્રાન્ઝિટ વિઝા હટાવી લેવામાં આવતા, આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારા ભારતીયોનો સમય અને વિઝા પાછળ થતો ખર્ચ બંને બચશે.





