Home Gujarat Further Hearing In Rajkumar Jat Case In High Court

હાઈકોર્ટનો સરકારને વેધક સવાલ : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનું શું થયું? રાજકુમાર જાટ મોત કેસમાં થઇ સુનાવણી

હાઈકોર્ટનો સરકારને વેધક સવાલ
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 04:14 PM IST

રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે તપાસની પ્રગતિ અંગે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર માહિતી માંગેલી હતી. સુનાવણી દરમિયાન પોલીસ તરફથી કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સમગ્ર મામલે કુલ ત્રણ અલગ-અલગ પ્રકારની કેસ કાર્યવાહી ચાલી રહી છે. આ ત્રણેય દિશામાં તપાસનું નેતૃત્વ એસપી અને ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સરકારના જણાવ્યા અનુસાર તપાસ કુલ 15 મુદ્દાઓને આધારે આગળ વધી રહી છે, જેથી કેસના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ અને મૂલ્યાંકન થઈ શકે.

સરકારી વકીલે વધુમાં જણાવ્યું કે તપાસ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવી રહી છે. કેસમાં ઉપલબ્ધ CCTV ફૂટેજની તપાસ તેમજ FSL સંબંધિત કાર્યવાહી હાલ પણ ચાલુ છે. આ તમામ પુરાવાઓના આધારે ઘટનાક્રમની કડીઓ જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સરકારી વકીલને મહત્વનો પ્રશ્ન કર્યો હતો કે નાર્કો ટેસ્ટમાં શું થયું? આ પ્રશ્નના જવાબમાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે નાર્કો ટેસ્ટ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ તેનો અંતિમ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.નાર્કો ટેસ્ટનો રિપોર્ટ એક સપ્તાહની અંદર મળી જશે.

તપાસ પૂર્ણ કરવા માટે વધુ સમયની માંગ સાથે સરકારે કોર્ટને વિનંતી કરી હતી, જેને પગલે હાઇકોર્ટે આગામી સુનાવણી 7 જાન્યુઆરીના રોજ મુકર્રર કરી છે. સાથે જ કોર્ટે તપાસનો અહેવાલ સીલબંધ કવરમાં રજૂ કરવા સરકારને સૂચના આપી છે.

આ કેસમાં આગળની સુનાવણી પર તમામની નજર મંડાયેલી છે, કારણ કે કોર્ટના નિર્દેશો બાદ તપાસ કઈ દિશામાં આગળ વધે છે તે મહત્વનું રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now